અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળી આપ પણ ચોંકી જશો. થોડા દિવસ પહેલા એક યુવક અચાનક બેભાન થાય છે અને બાદમાં તેનું મોત નિપજે છે. આ મોત પાછળનું કારણ મિત્રો વચ્ચેની મજાક હોવાનું સામે આવ્યું. પાનના ગલ્લે મિત્રો ઉભા હતા અને એક મિત્રએ મજાકમાં લાફો મારતા યુવક નીચે પટકાયો અને બ્રેઈન હેમરેજ થતા તેનું મોત નિપજ્યું. આ ઘટના સીસીટીવીમાં કેદ થતા રામોલ પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી. પોલીસ કસ્ટડીમાં જાવા મળતો આરોપી ભાવેશ વાઘેલા છે. મિત્રના મોત કેસમાં રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી ભાવેશ વાઘેલાએ મિત્ર કરણ ઠાકોર સાથે મજાક મસ્તીના ઝઘડામાં લાફો મારતા કરણનું મૃત્યુ નિપજ્યું. આ ઘટના CCTV માં કેદ થતા રામોલ પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો ૧૮ ઓગસ્ટના રોજ મૃતક કરણ ઠાકોર આરોપી ભાવેશ વાઘેલા અને તેમના ૪ મિત્રો રવિ વાઘેલા, કલ્પેશ પરમાર, રાજુ રાજપૂત અને લલિત પરમાર મોડી રાત્રે શ્રાવણીયો જુગાર રમીને વહેલી સવારે નાસ્તો કરવા રિક્ષામાં નીકળ્યા હતા. તેઓ નાસ્તો કરીને મજાક મસ્તી કરતા ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે વચ્ચે દ્વારકેશ પાન પાર્લર નજીક પાન મસાલો લેવા રીક્ષા ઉભી રાખી હતી. આ દરમ્યાન મૃતક કરણએ આરોપી પાસે રજનીગંધા મગાવતા બંન્ને વચ્ચે મજાક મસ્તીમાં ઝઘડો થયો અને આરોપીએ કરણને લાફો મારતા તે રોડ પર પટકાયો હતો. જ્યાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન ૩૦ ઓગસ્ટના રોજ મોત નિપજ્યું હતું. આ ઘટના CCTV કેમેરામાં કેદ થતા રામોલ પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક કરણ ઠાકોર વસ્ત્રાલના સુંદરમ આવાસમાં રહેતો હતો. જ્યારે આરોપી ભાવેશ વાઘેલા પંચરત્ન આવાસમાં રહે છે. ઘટનાની રાત્રે બધા મિત્રો જુગાર રમીને નાસ્તો કરીને દ્વારકેશ પાન પાર્લર પાસે આવ્યા ત્યારે આ ઘટના ઘટી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં કરણ ઠાકોરને સારવાર ખસેડવામાં આવ્યા હતા, ત્યારે મૃતકના પરિવારને તેમના મિત્રોએ કરણ નશામાં હોવાનું જણાવ્યું હતું. ૧૨ દિવસ બાદ કરણનું સારવાર દરમ્યાન મોત નિપજતા તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ દરમ્યાન મૃતકના મિત્રોએ સાચી હકીકત કરણના પરિવારને જણાવી હતી કે ભાવેશ અને કરણ વચ્ચે રજનીગંધા લેવા બાબતે બોલાચાલીમાં ભાવેશ લાફો માર્યો હતો. જેથી પરિવારે ઘટના સ્થળેથી CCTV ફૂટેજ મેળવીને રામોલ પોલીસને જાણ કરી હતી. જેથી રામોલ પોલીસે ગૂનો નોંધીને કાર્યવાહી કરી હતી.રામોલ પોલીસે માનવવધનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો છે. મિત્રો વચ્ચેની મજાક મસ્તી ક્્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે તે ઘટના પરથી સાબિત થાય છે. આ ઘટનાએ બે મિત્રોની જિંદગી બદલી દીધી. એકને મોત મળ્યું તો બીજાને જેલના સળિયા પાછળ જવાનો વખત આવ્યો.