છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પુત્રએ સુપ્રીમ કોર્ટમાં સીબીઆઇ અને ઈડી દ્વારા કરવામાં આવી રહેલી તપાસની માન્યતાને પડકારી છે. અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે જ્યારે રાજ્ય સરકારે પહેલાથી જ તેમની સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી હતી ત્યારે સીબીઆઇ અને ઈડીને છત્તીસગઢમાં તપાસ કરવાનો અધિકાર કયા આધારે મળ્યો.ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર વતી બંને કેન્દ્રીય એજન્સીઓની તપાસ શક્તિઓ અને અધિકારક્ષેત્ર સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ સોમવારે આ અરજી પર સુનાવણી કરશે.

જુલાઈ ૨૦૨૫ માં જ, ઈડીએ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડ કરી. આ કાર્યવાહી પહેલા, ઈડીએ ભિલાઈમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ મામલો દારૂ કૌભાંડ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. ઈડી ટીમ અનેક વાહનોમાં પહોંચી હતી અને સીઆરપીએફ કર્મચારીઓ પણ તેમની સાથે હતા.તે દરમિયાન ભૂપેશ બઘેલે ટ્‌વીટ કર્યું હતું કે, “ઈડી આવી ગયું છે. આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે. આજે અદાણી માટે તમનારમાં વૃક્ષો કાપવાનો મુદ્દો ઉઠાવવાનો હતો. સાહેબે ઈડીને ભિલાઈના નિવાસસ્થાને મોકલી દીધું છે.”

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીંગેશને મહાદેવ બેટિંગ એપ કેસમાં ભૂપેશ બઘેલ સામે એફઆઇઆર નોંધી હતી. સીબીઆઇની આ એફઆઇઆરમાં, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બઘેલને આરોપી નંબર ૬ બનાવવામાં આવ્યા હતા. એફઆઇઆરમાં બેટિંગ એપ પ્રમોટરો સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સહિત ૨૧ આરોપીઓના નામ હતા. અગાઉ, સીબીઆઇએ દેશભરમાં ભૂપેશ બઘેલ સહિત તમામ આરોપીઓના ૬૦ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા ઘણા રાજકારણીઓ, અમલદારો અને પોલીસ અધિકારીઓ સામે કરવામાં આવ્યા હતા.