યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ ફરી એકવાર ઝેર ઓક્યું છે અને બ્રિકસ દેશો પર આકરા પ્રહારો શરૂ કર્યા છે. તેમણે કહ્યું છે કે બ્રિક્સ ગઠબંધન લાંબો સમય ટકશે નહીં કારણ કે તેના સભ્ય દેશો એકબીજાને ‘ધિક્કારે છે’ અને તેમની વ્યવસાયિક પદ્ધતિઓ ‘વેમ્પાયર’ જેવી છે, જે અમેરિકાનું લોહી ‘ચૂસી’ રહ્યા છે. બ્રિક્સ ગઠબંધનમાં શરૂઆતમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થતો હતો. ૨૦૨૪ માં, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત તેમાં જોડાયા, અને ૨૦૨૫ માં ઇન્ડોનેશિયા પણ તેનો ભાગ બન્યું.
‘રીઅલ અમેરિકા વોઇસ’ શોમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન નાવારોએ કહ્યું, “મને નથી લાગતું કે બ્રિક્સ ગઠબંધન લાંબો સમય ટકશે. આ બધા દેશો એકબીજાને નફરત કરે છે અને ઇતિહાસમાં એકબીજા સામે લડ્યા છે.” બ્રિક્સ દેશોના વેપાર વલણની ટીકા કરતા તેમણે કહ્યું, ‘આ દેશોની અર્થવ્યવસ્થા અમેરિકાને માલ વેચ્યા વિના ચાલી શકે નહીં. પરંતુ જ્યારે તેઓ અમને માલ વેચે છે, ત્યારે તેમની અન્યાયી વેપાર પ્રથાઓ પિશાચની જેમ આપણું લોહી ચૂસે છે.’ નાવારોએ ખાસ કરીને ભારત પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, ‘ભારત અને ચીન વચ્ચે દાયકાઓથી તણાવ છે. મને યાદ છે કે, ચીન જ પાકિસ્તાનને પરમાણુ બોમ્બ આપતું હતું. હવે હિંદ મહાસાગરમાં ચીની ધ્વજવાળા જહાજા ફરે છે.’
નાવારોએ રશિયા પાસેથી ભારતની તેલ ખરીદી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે દાવો કર્યો કે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પહેલાં, ભારત રશિયા પાસેથી ‘નોમિનલ’ તેલ ખરીદતું હતું. પરંતુ હવે ભારત ‘લોભથી’ રશિયન તેલ આયાત કરી રહ્યું છે અને રશિયન રિફાઇનર્સ ભારતમાં ‘નફાખોરી’ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આના કારણે અમેરિકન કરદાતાઓને યુક્રેન યુદ્ધ માટે વધુ પૈસા ખર્ચવા પડે છે. નવારોએ ભારતના ઊંચા ટેરિફ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, ‘ભારતના ટેરિફ વિશ્વના કોઈપણ મોટા દેશ કરતા વધારે છે. આપણે આને સુધારવું પડશે.’ તેમણે ભારતને ચેતવણી આપી કે તેણે વેપાર વાટાઘાટોમાં અમેરિકા સાથે સહયોગ કરવો પડશે, નહીં તો ‘રશિયા અને ચીન સાથે જવાથી’ સારા પરિણામો નહીં આવે.નાવારોએ રશિયા અને ચીનના સંબંધો પર પણ કટાક્ષ કર્યો. તેમણે દાવો કર્યો કે ચીન રશિયાના વ્લાદિવોસ્તોક બંદર અને સાઇબિરીયા પર નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું, ‘ચીન ‘ગેરકાયદેસર ઇમિગ્રેશન’ દ્વારા સાઇબિરીયા પર કબજા કરી રહ્યું છે. આ માટે પુતિનને શુભકામનાઓ.’ બ્રાઝિલ અંગે, નવારોએ કહ્યું કે રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાની ‘સમાજવાદી નીતિઓ’ને કારણે ત્યાંની અર્થવ્યવસ્થા ‘બરબાદ’ થઈ રહી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બ્રાઝિલની સરકારે ‘વાસ્તવિક નેતા’ને કેદ કરી દીધો છે. તમને જણાવી દઈએ કે ૨૦૨૨ ની ચૂંટણીમાં હાર્યા બાદ બોલ્સોનારો કથિત રીતે બળવાનું કાવતરું ઘડવાના આરોપમાં કેસનો સામનો કરી રહ્યા છે.નાવારોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પણ ભારત પર નિશાન સાધ્યું. તેમણે એક પોસ્ટમાં કહ્યું, ‘ભારતમાં વિશ્વની સૌથી મોટી વસ્તી છે, પરંતુ તે ફક્ત થોડા લાખ એકસ પ્રભાવકોને ભેગા કરીને સર્વેક્ષણોમાં ફેરફાર કરી શકે છે? આ મજાક છે. અમેરિકા, જુઓ કે વિદેશી હિતો તેમના એજન્ડા માટે આપણા સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરે છે.’ નાવારોએ દાવો કર્યો હતો કે અમેરિકાએ યુરોપિયન યુનિયન, જાપાન, દક્ષિણ કોરિયા, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા સાથે ‘શાનદાર’ વેપાર સોદા કર્યા છે. તેમણે કહ્યું કે આ દેશો અમેરિકા સાથે નજીકથી કામ કરી રહ્યા છે કારણ કે તેમને ખ્યાલ આવી ગયો છે કે તેઓ અમેરિકાનો ખૂબ ફાયદો ઉઠાવી રહ્યા છે અને તેમને અમેરિકન બજારની જરૂર છે.