કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોની ‘લોન્ડ્રોમેટ’ ટિપ્પણીને સ્પષ્ટપણે ફગાવી દીધી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે યુક્રેન યુદ્ધ પછી ભારતે રશિયન તેલ ખરીદવામાં કોઈ નિયમો તોડ્યા નથી અને ભારતની ઊર્જા વેપાર નીતિએ વૈશ્વિક બજારને સ્થિર રાખવામાં અને કિંમતોને નિયંત્રિત કરવામાં મદદ કરી છે. અહીં લોન્ડ્રોમેટનો અર્થ શંકાસ્પદ વસ્તુઓને કાયદેસર દેખાડવાની પ્રક્રિયા અથવા સ્થળ છે.પુરીએ એક અંગ્રેજી અખબારમાં એક લેખમાં લખ્યું છે કે ભારતે કોઈ નફાખોરી કરી નથી. તેમણે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૨૨ માં રશિયાના યુક્રેન પર હુમલા પહેલા ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો પેટ્રોલિયમ ઉત્પાદન નિકાસકાર રહ્યો છે અને યુદ્ધ પછી પણ, ભારતની નિકાસ અને નફો લગભગ સમાન રહ્યો છે. તેમણે લખ્યું, કેટલાક ટીકાકારોનો આરોપ છે કે ભારત રશિયન તેલ માટે ‘લોન્ડ્રોમેટ’ બની ગયું છે. આનાથી વધુ ખોટું કંઈ હોઈ શકે નહીં.યુક્રેન યુદ્ધ પછી ભારતની રશિયન તેલની આયાત એક ટકાથી વધીને લગભગ ૪૦ ટકા થઈ ગઈ, કારણ કે પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો પછી ભારતને ભારે ડિસ્કાઉન્ટ પર તેલ મળવા લાગ્યું. આનાથી ભારતને સસ્તી ઉર્જા મળતી રહી, પરંતુ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે તેની ટીકા કરી અને ભારત પર રશિયન તેલ રિફાઇન કરીને યુરોપિયન દેશોમાં નિકાસ કરવાનો અને નફો કરવાનો આરોપ લગાવ્યો.ગયા અઠવાડિયે, પીટર નાવારોએ ઠ પર ઘણી પોસ્ટ્‌સમાં યુક્રેન યુદ્ધને ‘મોદીનું યુદ્ધ’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ભારત રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ‘યુદ્ધ મશીન’ને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. તેમણે ભારતને ‘તેલ લોબીના હાથમાં લોકશાહી લોન્ડ્રી’ ગણાવ્યું હતું અને ભગવા વસ્ત્રોમાં વડા પ્રધાન મોદીનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.પુરીએ જવાબ આપ્યો કે ઈરાન કે વેનેઝુએલા જેવા રશિયન તેલ પર કોઈ સીધો પ્રતિબંધ નથી. તેમણે લખ્યું, જી-૭ અને યુરોપિયન યુનિયન દ્વારા રશિયન તેલ પર કિંમત મર્યાદા સિસ્ટમ લાદવામાં આવી છે, જેનો હેતુ તેલ પુરવઠો ચાલુ રાખવા અને રશિયાની આવકને મર્યાદિત કરવાનો છે. આવા ૧૮ પેકેજા લાવવામાં આવ્યા છે અને ભારતે તે બધાનું પાલન કર્યું છે.પુરીએ ભાર મૂક્યો કે ભારતનો દરેક વ્યવહાર કાયદેસર છે.  તેમણે કહ્યું કે ભારતે ફક્ત કાનૂની શિપિંગ, વીમા, પ્રમાણિત વેપારીઓ અને પરીક્ષણ ચેનલો દ્વારા જ વેપાર કર્યો છે. ભારતે કોઈ નિયમો તોડ્યા નથી, પરંતુ વૈશ્વિક બજારને સ્થિર કર્યું છે અને કિંમતોને વધતા અટકાવી છે.બ્રોકરેજ ફર્મ સીએલએસએના તાજેતરના અહેવાલને ટાંકીને, પુરીએ કહ્યું કે જો ભારત રશિયન તેલની આયાત કરવાનું બંધ કરે છે, તો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૯૦ થી ૧૦૦ ડોલર સુધી પહોંચી શકે છે. કારણ કે રશિયન તેલના ખરીદદારો મર્યાદિત છે, ભારતનો ઉપાડ વૈશ્વિક પુરવઠામાં એક ટકાનો ઘટાડો કરી શકે છે, જેનાથી કિંમતો અને ફુગાવો બંનેમાં વધારો થશે. પુરીએ કહ્યું કે ભારત દાયકાઓથી પેટ્રોલિયમ ઉત્પાદનોનો વિશ્વનો ચોથો સૌથી મોટો નિકાસકાર દેશ રહ્યો છે અને તેના રિફાઇનર્સ વિશ્વભરમાંથી તેલનું પ્રક્રિયા કરે છે.તેમણે કહ્યું કે, નિકાસ સપ્લાય ચેઇન ચાલુ રાખે છે. રશિયાથી તેલ પ્રતિબંધ પછી, યુરોપે પોતે ભારતમાંથી ઇંધણ આયાત કરવાનું શરૂ કર્યું. ભારતના નિકાસ અને રિફાઇનિંગ માર્જિનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. તેથી, નફાખોરીનો પ્રશ્ન જ ઉભો થતો નથી.પુરીએ કહ્યું કે યુક્રેન યુદ્ધ પછી વૈશ્વિક ભાવમાં થયેલા વધારા દરમિયાન ભારતે તેના નાગરિકોને રાહત આપવા માટે ઘણા પગલાં લીધાં. સરકારી તેલ કંપનીઓને ડીઝલ પર પ્રતિ લિટર ૧૦ રૂપિયા સુધીનું નુકસાન થયું, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કર ઘટાડ્યો અને એક નિયમ લાગુ કરવામાં આવ્યો કે પેટ્રોલ અને ડીઝલની નિકાસ કરનારા રિફાઇનરોએ ઓછામાં ઓછું ૫૦% પેટ્રોલ અને ૩૦% ડીઝલ સ્થાનિક બજારમાં વેચવું પડશે.તેમણે કહ્યું કે, આ પગલાંને કારણે સરકારે મોટો નાણાકીય ખર્ચ ચૂકવવો પડ્યો હોવા છતાં, દેશમાં એક પણ પેટ્રોલ પંપ ખાલી થયો નહીં અને સામાન્ય લોકોને સ્થિર ભાવ મળતા રહ્યા. પુરીએ કહ્યું કે, વિશ્વના બીજા સૌથી મોટા ઉત્પાદક દેશ (રશિયા) ને સંપૂર્ણપણે અવગણવું શક્ય નથી. જે લોકો ભારત પર આંગળી ચીંધી રહ્યા છે તેઓ આ સત્યને અવગણી રહ્યા છે. ભારતે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરીને પ્રતિ બેરલ ઇં૨૦૦ ના સંભવિત આંચકાને ટાળવામાં મદદ કરી છે.