કાનમાં રૂનાં પુંભડા ભરાવેલો બકો, કપાસના કાલામાં ફાટી ગયેલી પેશી જેવો વિચિત્ર લાગતો હતો. બધાં કુતૂહલથી બકા તરફ જોઈ રહ્યા હતા. પણ કોઈ બોલતું નહોતું, કે કોઈ પુછતું પણ નહોતું.
બોસે બકાનો આવો વેશ જોઈને બકાને પુછ્યું.
‘‘બકા, કપાસનાં ઢગલામાં આળોટીને આવ્યો છો ? કે પછી કપાસની ગાડી ભરીને આવ્યો છો ?’’
‘‘ના બોસ ના. કપાસની ગાડી ભરાય એવો કપાસ ઓણ કયાં છે?’’
‘‘તો પછી આ.., કાનમાં રૂનાં પુંભડા કેમ ભરાવ્યા છે? કાનનો દુઃખાવો થયો છે?’’
‘‘ના..રે..ના !! મને શું દુઃખાવો થવાનો.’’
‘‘તો પછી આ..આ..! રૂનાં પુંભડા કેમ?’’
‘‘બોસ, આ આખું વરહ મને નથી નડતું. પણ, આ શિયાળો જ વહમો પડે છે.’’
‘‘કેમ કેમ, શિયાળા હારે તારે શું વેર છે? શિયાળો તો તબિયત માટે હારો કેવાય.’’
‘‘ઈ હંધૂય તમારાં જેવાં માટે હશે. મને તો આવો શિયાળો કઠે છે.’’
‘‘પણ! કારણ શું?’’
‘‘આ શિયાળામાં લગનના ઢોલ વાગે ને મને કાનમાં લઉંકારા મારે છે. કાનમાં છણકાં ઉપડે છે. એ ઢોલના ધબકારા ના હંભળાયને એટલે મે કાનનાં દરવાજે ઝાંપલી કરી છે.’’
અભણ અમથાલાલ આ હંધૂય હાંભળી રહ્યા હતા.
બોસે બકાને વધારે શિખામણનો શીરો પીરસ્યો.
‘‘બકા, ઢોલ તો બે કારણોસર જ વાગે. ઈ બેય કારણો હારા છે. એક તો લગનનો ઢોલ વાગે ઈ હંધાયને ગમે છે. બીજો ધીંગાણાનો ઢોલ વાગે ઈ એ ય કેટલાંકને ગમે.’’
‘‘ધીંગાણાનો ઢોલ ભલે વાગે, મારી તૈયારી ધીંગાણામાં જાવાની છે. પણ, લગનનો ઢોલ ના વગાડો.’’
‘‘બકા, અનુભવીઓ કહીને ગયા છે કે, લગન એ ધીંગાણાથી કમ નથી.’’
‘‘હા પણ, લગન તો થાવા જોઈએ ને ! મારી હારથના હંધાય પરણીને પરવારી ગયા છે. કોક- કોકને તો છોકરાય નિહાળે જાવા માંડ્યાં છે. અને એક હું છું કે, મારો ક્યાંય કરતાં ક્યાંય મેળ જ પડતો નથી. હવે તમે જ કહો બોસ. આવા લગનના ઢોલ મને કાન હોંહરવા નો નીકળે!??’’
‘‘બકા બકા, આમ તું હરેરી ના જા. તારાં હાઢુભાઈ વધતાં જ જાય છે, વધતાં જ જાય છે.’’
હવે અમથાલાલને બોલવું પડ્યું.
‘‘બકા, તારાં લગનનો મારી પાંહે એક રસ્તો છે.’’
બોલો બોલો, જલ્દી બોલો. શું રસ્તો છે ? હું ગમે તે કરવાં તૈયાર છું. આગને ઠેકવા ‘ય તૈયાર છું અને પર્વત ઓળંગવા ‘ય તૈયાર છું.’’
‘‘આમાં તારાં જેવાં ઘણાં ‘યના લગન થાય એમ છે. હા, ખરસો થોડોક વધારે થાહે.’’
‘‘ખરસાને ભૂલી જાવ. કન્યાને બહારથી લાવવી પડે તો લાવો. દલાલ રાખવો પડે તો રાખો. પણ, લગન થાવા જોઈએ. કન્યા મળવી જોઈએ. અને એ પાછી ટકવી જોઈએ. નાની – મોટી, જાડી- પાતળી, કાળી- ધોળી હંધીય લાગે ને લાગે. પણ, તમે લગનનું કાંઈક ગોઠવો. એવું લાગશે ને તો એકાદ કટકું ઉડાડી દેહું. પણ, આ શિયાળામાં ગમે ન્યાં ગોઠવી દેવું છે.’’
‘‘અરે..અરે..! હાહ ખાવ હાહ.! તમે તો ભાઈ ભારે ઉતાવળા. પેલાં હારી હારી કન્યાઓ હાથમાંથી વઈ ગઈ. અને હવે ગમે એને ઘરમાં બેહાડી દેવી છે.
એક રસ્તો છે, જેમાં તમારાં લગન થઇ જાય. પણ..,’’
‘‘પણને બણ. શું વાત છે બોલો , કન્યા ક્યાં છે બોલો ? (કેવી છે? ઈ પછી વાત)’’
‘‘આ લગનમાં કન્યાની જરૂર જ નથી પડતી.’’
‘‘અમથાલાલ! તમે શું વાત કરો છો ખબર છે?
તમારુ મગજ તો ઠેકાણે છે ને ?? કન્યા વગરના લગન કેમ થાય? કોની હારે કરવા? ’’
‘‘બકા બકા, આમ ઉતાવળો ના થા. ધીમો પડ. આ જમાનો ખૂબ આગળ વધી ગયો છે. કન્યા વગરના લગન થાય છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે, કન્યા તો શું, વરરાજા વગરનાં ‘ય લગન થાય છે.’’
‘‘અમથાલાલ! હવે તમારુ ખરેખર ફરી જ ગયું છે હોં.
કન્યા વગરના લગન, વરરાજા વગરનાં લગન. તો પછી લગન કોનાં? અને આવાં લગનમાં આવે કોણ?
તમે કાંઈ ફોડ પાડીને વાત કરો તો ટપો પડે.’’
‘‘બકા, આજકાલ ભારતમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. મોટાં મોટાં શહેરોમાં વર કન્યા વગરના લગનો થઈ રહ્યા છે. અને હજારો હજારો માણસો જાનૈયા અને માંડવીયા બની રહ્યા છે.’’
‘‘એટલે તમે નાનાં નાનાં છોકરાઓ રમે એ ઢીંગલા પોતીયાના લગનની વાત કરો છો?’’
‘‘ના..આ..! ખરેખર મોટાં મોટાં માણસો, બી.પી.એલ.ની જમાત, પૈસાદાર માણસોની આ વાત છે. દુબઈથી શરૂ થયેલો આ નકલી લગનનો ટ્રેન્ડ હવે ધીરે ધીરે ભારતનાં મોટાં મોટાં શહેરોમાં આવી ગયો છે.
જેમાં નકલી કંકોત્રી હોય, નકલી કન્યા હોય, નકલી વરરાજા હોય, નકલી
રીત-રિવાજ અને નકલી બ્રાહ્મણ પણ હોય. એક પૈસા જ હાચા હોય છે. બાકી હંધૂય નકલી નકલી હોય છે. પણ, આવું કરે છે કોણ? અને શા માટે કરે છે? કેવી રીતે કરે છે??
એક અઠવાડિયુ રાહ જૂઓ..(વધુ આવતાં અંકે.)








































