મેઘરાજાની લાંબી રાહ… ખેતરોમાં સુકાતો પાક… અને માથે શિયાળુ વાવેતરની ચિંતા… પાટણ જિલ્લામાં વરસાદની ખેંચે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. એક તરફ ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ છે, તો બીજી તરફ શિયાળુ પાકના વાવેતર માટે સુજલામ સુફલામ કેનાલના પાણીની આશા છે. જો સમયસર પાણી નહીં મળે, તો ખેડૂતોની મહેનત અને મૂડી બંને જોખમમાં મુકાઈ શકે છે.
ખેતરોમાં જ્યાં લીલીછમ હરિયાળી છવાવી જોઈએ, ત્યાં વરસાદના અભાવે પાક પીળો પડી રહ્યો છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરનારા ખેડૂતો હવે પોતાના પાકને બચાવવા માટે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.
વરસાદની અછતને કારણે ચોમાસુ પાક સામે સંકટ ઊભું થયું છે, ત્યારે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. હવે ખેડૂતો માટે શિયાળુ વાવેતર પણ મોટો પડકાર બન્યું છે. ચણા, રાયડો, ઘઉં અને જીરું જેવા મુખ્ય પાકના વાવેતરની તૈયારી શરૂ થઈ છે, જ્યારે કેટલાક ખેડૂતોએ રાયડાનું વાવેતર પણ શરૂ કરી દીધું છે.
જો સુજલામ સુફલામ કેનાલમાં સમયસર પાણી નહીં છોડાય, તો ખેડ, ખાતર અને બિયારણ પાછળ કરેલો ખર્ચ માથે પડે તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. પાણીની અછતને કારણે વાવેતર ઘટવાની પણ આશંકા છે.
બીજી તરફ, ખેતીવાડી વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, પાટણ જિલ્લામાં બે લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં શિયાળુ પાકના વાવેતરની સંભાવના છે. આગામી ૧૫ નવેમ્બરની આસપાસ વાવેતર શરૂ થઈ શકે છે. ખેડૂતોને ટ્યુબવેલથી પણ પાણી મળે છે અને દર વર્ષની જેમ સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી છોડવામાં આવશે.
જો વરસાદની અછતને કારણે કેનાલનું પાણી ન મળે તો વાવેતર ઘટવાની શક્્યતા નકારી શકાય નહીં. હવે સવાલ એ છે કે ખેડૂતોના પાકને બચાવવા અને શિયાળુ વાવેતરને સુરક્ષિત કરવા કેનાલમાં પાણી સમયસર મળશે કે નહીં? કારણ કે પાણી મળશે તો જ ખેતરોમાં હરિયાળી છવાશે અને અન્નદાતાની મહેનત સફળ થશે.