જાફરાબાદના નાગેશ્રીમાં બારૈયા શેરી, પેલી પાટીમાં ગણેશ દર્શન કરતી વખતે એક મહિલાને ફોન અંબાવીને “તારા બાપ સાથે વાત કર” તેમ કહેવામાં આવ્યું હતું. જેથી તેણે અમારે એક વર્ષ પહેલા પ્રેમસંબંધ હતો હવે બધું પૂરું થઈ ગયું છે તેમ કહેતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત પતિ-પત્ની બંનેને પતાવી દેવા છે તેમ કહી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે કાજલબેન ભોળાભાઈ રાઠોડ (ઉ.વ.૨૫)એ કાળુભાઈ ભાયાભાઈ બારૈયા, રોહિત ગોવિંદભાઈ બારૈયા તથા ગોવિંદભાઈ પુનાભાઈ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી મહિલા તેમના પતિ ભોળાભાઈ સાથે તારીખ ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ રાત્રે આશરે ૧૦ઃ૩૦ વાગ્યે તેમના ઘર પાસે ગણેશ સ્થાપના જોવા ઉભા હતા. તે સમયે, રોહિત બારૈયા નામનો એક શખ્સ ત્યાં આવ્યો અને ફરિયાદી મહિલાને તેનો મોબાઇલ ફોન આપતાં કહ્યું કે, “આલે તારા બાપ કાળુ સાથે વાત કર.” મહિલાએ વાત કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું કે, તેમનો એક વર્ષ પહેલા પ્રેમસંબંધ હતો, જે હવે પૂરો થઈ ગયો છે. આ સાંભળીને રોહિત બારૈયાનો ભાઈ ત્યાં આવ્યો અને મહિલાને ગાળો આપવા લાગ્યો હતો. મહિલાએ ગાળો આપવાની ના પાડતા બંને ભાઈઓએ મારામારી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન, તેમનો ત્રીજો મિત્ર પણ ત્યાં પહોંચી ગયો. ત્રણેય આરોપીઓએ ભેગા મળીને મહિલાને ગાળો આપી અને શારીરિક રીતે હુમલો કર્યો. મહિલાના પતિ ભોળાભાઈ વચ્ચે પડતા રોહિત બારૈયાએ તેમને ઢીંકો મારી દિવાલ પાસે પછાડી દીધા હતા.







































