મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કાર્યકરોએ નવી મુંબઈ સ્થિત એક ડાન્સ બારના પરિસરમાં હોબાળો મચાવ્યો છે.એમએનએસ કાર્યકરોએ ડાન્સ બાર પરિસરમાં તોડફોડ કરી છે. આ ઘટના શનિવારે મોડી રાત્રે નવી મુંબઈના પનવેલમાં બની હતી. મનસે કાર્યકરો ‘નાઈટ રાઈડર્સ બાર’માં ઘૂસી ગયા
આ સમગ્ર મામલાની વધુ માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે કેટલાક મનસે કાર્યકરો પનવેલની બહાર સ્થિત ‘નાઈટ રાઈડર્સ બાર’માં ઘૂસી ગયા હતા, જ્યાં તેમણે કથિત રીતે ફર્નિચરમાં તોડફોડ કરી, દારૂની બોટલો તોડી નાખી અને મિલકતને ભારે નુકસાન પહોંચાડ્યું.
આ ઘટનાનો એક વીડિયો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સામે આવ્યો છે, જેમાં બારના અંદરના ભાગમાં તૂટેલા ટેબલ, તૂટેલા કાચ અને તોડફોડ જોવા મળી રહી છે.
મનસેના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ‘છત્રપતિ શિવાજી મહારાજની પવિત્ર ભૂમિ પર ડાન્સ બારને કોઈ સ્થાન નથી. અમે પનવેલ કે રાજ્યમાં ક્યાંય પણ આવી અશ્લીલતાને ખીલવા નહીં દઈએ.’
પનવેલ પોલીસે ઘટનાની નોંધ લીધી છે. પોલીસ ટીમે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું, ‘અમે સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી રહ્યા છીએ. અમે સાક્ષીઓના નિવેદનો નોંધી રહ્યા છીએ. કાયદાથી ઉપર કોઈ નથી.’