ધારી નજીક આવેલ સુપ્રસિદ્ધ ગળધરા ખોડિયાર માતાજીના મંદિર ખાતે રમકડાં વેચવાના મામલે વેપારીઓ વચ્ચે ઝઘડો થતાં મારામારીની ઘટના સામે આવી હતી. આરોપીઓએ ફરિયાદી અને તેમના સાથીદારો પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બુગાભાઇ પુનાભાઇ વાઘેલા (ઉ.વ.૪૫) એ વાલજીભાઇ પુનાભાઇ વાઘેલા, દિનેશભાઇ વાલજીભાઇ વાઘેલા તથા વિનેશભાઇ વાલજીભાઇ વાઘેલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ સાહેદો રવિભાઈ અને આકાશભાઈ સાથે ગળધરા ખોડિયાર મંદિર ખાતે રમકડાં વેચવા માટે ગયા હતા. જ્યારે તેઓ મંદિરના પગથિયાં પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર આરોપીઓ લોખંડના પાઇપ લઈને તેમની પાસે આવ્યા હતા. આરોપીઓએ તેમને ધમકી આપતાં કહ્યું કે, ‘તમારે અહીં રમકડાં વેચવા માટે આવવાનું નથી. ગળધરા ખોડિયાર મંદિરે અમે જ રમકડાંનું વેચાણ કરીશું.’ આમ કહીને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ તેમને શરીરે આડેધડ મુંઢમાર મારી ઇજાઓ પહોંચાડી હતી. હુમલા દરમિયાન તેમને જેમ ફાવે તેમ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ જોરૂભાઇ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.










































