દીવ નજીક આવેલ ઉનાના અહેમદપુર માંડવી ચેકપોસ્ટ નજીક આવેલા ‘મેજીકો-ડુ-માર બીચ રિસોર્ટ’નું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટરના પત્રના આધારે આ જર્જરિત બાંધકામ ઉતારી લેવાનો આદેશ કર્યો હતો. પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ કાફલાની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નલિયા માંડવી ગામના સર્વે નંબર ૩૧૧/૧/૧/પૈકી ૨૮ વાળી જમીનમાં આવેલું આ રિસોર્ટ કમ્પોઝિટ હોટેલ્સ લિમિટેડ દ્વારા સંચાલિત હતું. તેનું બાંધકામ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ ડિમોલેશનનો નિર્ણય લેવાયો હતો. તાજેતરમાં વેરાવળ શહેરમાં જૂનું મકાન ધરાશાયી થવાથી ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયાની ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગ ગુજરાત ટુરિઝમનું મોટું ગેસ્ટ હાઉસ હતું અને હાલ તેને લીઝ પર આપવામાં આવ્યું હતું. ગુજરાત ટુરિઝમ દ્વારા પણ આ જર્જરિત બાંધકામ તાત્કાલિક ઉતારી લેવા જણાવવામાં આવ્યું હતું. અગાઉ કલેક્ટર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી અને લીઝ ધારકે તેના જવાબો પણ આપ્યા હતા, પરંતુ તે ગ્રાહ્ય રાખવામાં આવ્યા ન હતા.










































