દેશ-વિદેશના ડેરી ક્ષેત્રના આગેવાનોની હાજરી વચ્ચે અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા હાજર, અમરેલી માટે ગૌરવની બાબત
દિલ્હીમાં યોજાયેલી Dairy Industry Conference & Exhibition–૨૦૨૬માં દેશ-વિદેશના ડેરી ક્ષેત્રના આગેવાનોની હાજરી વચ્ચે અમરેલી ખાતે સ્થાપિત “સેન્ટર ઓફ એક્સેલન્સ”ને વિશેષ પ્રસંસા મળી. કાર્યક્રમમાં કેન્દ્રીય ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન, કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી પ્રોફ. એસ.પી. સિંહ બઘેલ, ઈન્ડિયન ડેરી ફેડરેશનના ચેરમેન સુધિરકુમાર સિંહ, ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના પ્રતિનિધિઓ, તેમજ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ મીનેશ શાહ હાજર રહ્યા હતા. તેમજ GCMMF (Amul)ના ચેરમેન અશોકભાઈ ચૌધરી, મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા અને ભૂતપૂર્વ એમ.ડી. ડા. આર.એસ. સોઢી સહિત ઉદ્યોગજગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સ દરમિયાન અમરેલીના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ગીર જાતિના સંવર્ધન માટે અપનાવવામાં આવતી આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓની વિશેષ પ્રશંસા કરવામાં આવી. અહીં જન્મેલી ગીર વાછરડીને પશુપાલન ક્ષેત્રે નવી આશા અને પ્રગતિનું પ્રતિક ગણાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દૂધ અને દૂધ ઉત્પાદનોના આયાત-નિકાસ, ગુણવત્તા સુધારણા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ડેરી ઉત્પાદનોને મજબૂત સ્થાન અપાવવા માટેની નીતિઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. દૂધ ઉત્પાદન વધારવા માટે જિનેટિક સુધારણા, ઉત્તમ ચારો વ્યવસ્થાપન, પશુ આરોગ્ય સેવાઓ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગીર જેવી સ્વદેશી જાતિના સંવર્ધન દ્વારા ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થાય અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વેગ મળે તે માટે આવી પહેલ મહત્વપૂર્ણ ગણાઈ. અમરેલી માટે ગૌરવની બાબત છે કે રાષ્ટ્રીય સ્તરે માર્ગદર્શન આપતું આ સેન્ટર અહીં સ્થાપિત થયું છે, જે ગ્રામિણ આર્થિક વિકાસ માટે મજબૂત આધારરૂપ સાબિત થશે.










































