રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક પાંચ વર્ષીય બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા તેની હત્યાના આરોપ તેના સગા બાપ પર લાગી રહ્યા છે. સમગ્ર મામલે મૃતક બાળકની મા આરોપ લગાવી રહી છે કે, ‘આ મૃતક બાળકનો બાપ એટલે કે મારો પતિ દરરોજ દારૂ પીને આવી અમને હેરાન કરતો હતો અને તેણે જ મારા દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો છે.’ જ્યારે ચોંકાવનારી વાત તો એ છે કે, જેના પર પોતાના દીકરાની હત્યાના આરોપ લાગ્યા છે, તે નરાધમ યુવકની જનેતા મા પોતે પણ તેના દીકરાથી ત્રસ્ત હોવાના આરોપ લગાવી પોતાની પુત્રવધૂના સૂરમાં સૂર પુરાવી રહી છે.
સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો, રાજકોટ જિલ્લાના ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પારેવાળા ગામ ખાતે પાંચ વર્ષીય માસૂમ ઉમેશ વાળાનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે મૃતક ઉમેશની માતા સહિતના પરિવારજનો દ્વારા ઉમેશની હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ પુત્ર સાથે જે કંઈ પણ ઘટના બની છે તેના માટે તેના પિતા વિજય વાળા જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
મળતી વિગત અનુસાર, આરોપી વિજય વાળા દારૂ પીને અવારનવાર પત્ની સહિતના પરિવારજનો સાથે મારકૂટ કરતો હતો. તેમજ બે દિવસ પૂર્વે તેણે પોતાના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી હાલ દીકરાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા તેની હત્યા થઈ હોવાની શંકા સેવાઈ રહી છે અને હત્યારો પણ અન્ય કોઈ નહીં પણ તેનો સગો બાપ હોય તેવા આરોપો ઉઠી રહ્યા છે.
સમગ્ર મામલે મૃતક પાંચ વર્ષના દીકરા ઉમેશની માતાએ જણાવ્યું કે, ‘૬-૭ વર્ષ પહેલા તેના લગ્ન વિજય વાળા સાથે થયા હતા અને તેને સંતાને ૨ પુત્રો હતા એક મોતને ભેટનાર ૫ વર્ષીય ઉમેશ અને બીજા દીકરો તેનાથી નાની ઉંમરનો છે. શરૂઆતમાં બધું બરોબર ચાલતું હતું, પરંતુ બાદમાં મારો પતિ વિજય વાળા દારૂની લતને કારણે વિફર્યો, તે દરરોજ દારૂ પીને ઘરે આવતો અને બાળકો તથા મને ખૂબ હેરાન કરતો, તેણે બે દિવસ અગાઉ દીકરાને મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી મારા દીકરાને તેના બાપે જ મારી નાખ્યો છે.’
જ્યારે આ બનાવ બાદ, જેના પર પોતાના દીકરાની હત્યાના આરોપ લાગી રહ્યા છે એ વિજય વાળાની જનેતા મા પોતે પણ તેના દીકરા પર ગંભીર આક્ષેપો કરી રહી છે. આ મામલે આરોપીની માએ જણાવ્યું કે, ‘મારા દીકરાને મેં પહેલાથી જ બધું આપ્યું, તેણે જ્યાં કીધું ત્યાં મેં પરણાવી દીધો, છતાં પણ તે મને તથા તેની પત્ની તથા બાળકોને પહેલાથી જ હેરાન કરતો આવ્યો છે, આ કિસ્સામાં મારી પુત્રવધૂનો કોઈ જ વાંક નથી. વધુમાં આરોપીની માએ જણાવ્યું કે, ‘તે મને પણ અવારનવાર મારતો હતો, મારો ઘર સામાન લઈ જતો હતો, આટલું જ નહીં તે મારા ચાંદીના દાગીના પણ લઈ ગયો છે અને વાત આટલેથી ન અટકતા તેણે મને પણ જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે. ત્યારે સમગ્ર બાબતે અમારા સગા સંબંધીઓ પણ કંટાળી ગયા છે, જેથી આ બાબતે મને ન્યાય મળવો જાઈએ. આમ, હાલ સમગ્ર બનાવ સંદર્ભે ભાડલા પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની ફરિયાદ નોંધવા પ્રક્રિયા હાથ ધરી છે. સાથે જ ભાડલા પોલીસે મૃતક ઉમેશની લાશનો કબજા મેળવી તેને ફોરેન્સક પીએમ અર્થે રાજકોટ ખાતે ખસેડી છે. જ્યાં ફોરેન્સક પીએમ રિપોર્ટ આવ્યા બાદ બાળકનું કયા કારણોસર મૃત્યુ થયું છે? તે અંગે સ્પષ્ટ કારણ સામે આવી શકે તેમ છે. ત્યારે હાલ તો સમગ્ર મામલો ચર્ચાનો વિષય બનતા ભાડલા પંથકમાં ચકચાર મચી છે.