“સીર..સીર..સીર.., આ સીર છે શું? અને કોને ચીરવાના છે? કેમ ચીરવાના છે? શા માટે કોઈને ચીરવાના છે? અને કોઈને ચીરવાથી તમને શું ફાયદો છે? ”
બકાએ આવીને બોસ આગળ હૈયા વરાળ ઠાલવી.
“બસ..બસ..બસ, બકા બસ કર. આમ આટલો બધો ઉતાવળો ના થા. આખરે તારી મૂળ તકલીફ શું છે ?”
બોસે બકાને પાંહે બેહાડીને ટાઢો કર્યો.
“બોસ, મારું માથું ભમી રહ્યું છે. ટી.વી.માં જોવો તો સીર..સીર, છાપાંમાં વાંચો તો સીર..સીર અને આનાથી કંટાળીને ઘરની બહાર નીકળો તો રીક્ષાના ભૂંગળા વાગે છે, સીર..સીર..! આખરે કોને કેટલા ચીરવાના છે ? એ કોઈ કરતાં કોઈ ફોડ પાડતું નથી.
વિપક્ષ કહે છે કે, અમે ચીરાઈ જશું. સત્તાપક્ષ કહે છે, અમે આ નહીં કરીએ તો અમે ચીરાઈ રહ્યા છીએ. આખરે મને એ નથી હમજાતું કે, આમાં ચીરાઈ કોણ રહ્યું છે??”
“બકા, આ સીર એટલે જીંઇ આટલી જ મને ખબર છે. તારે વધું જાણવું હોય તો અભણ અમથાલાલ પાંહે વધારે માહિતી હશે. કોને ચીરવાના છે? કેટ- કેટલા ચીરવાના છે? અને ક્યાં સુધી ચીરવાના છે?”
“તે..એ.. અમથાલાલ ક્યાં વિદેશ ગયા છે? અહીં જ તો છે. કેમ અમથાલાલ! તમારું શું અનુમાન છે?”
“જો ભાઈ..! હું અંબાલાલ નથી કે સચોટ ભવિષ્યવાણી કરી શકું. હું અભણ જેવો અમથાલાલ છું. પણ, હા સીર( જીંઇ )સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સીરનો અર્થ આ થાય છે. તમે જે ચિરફાડની વાતો કરો છો એ અંડરલાઇન વાતો છે. રાજકારણથી પ્રેરિત વાતો છે. રાજકારણના સ્પે. શબ્દકોષની વાતો છે. પણ, હા સીર છે સલામત.”
અભણ અમથાલાલે કામની હાસી વાત કરી.
“અમથાલાલ તમે સીર સલામતની વાત કરો છો? અહીં તો સીર..સીરની સૌ વાતો કરે છે. અને ભૂંગળા ‘ય એમ જ ભોંકે છે. અમથાલાલ! જરાં ફોડ પાડીને વાત કરો. આ સીર શું છે? અને એને લઈને કોણ નીકળ્યું છે?”
“જૂઓ સરકારનું એક ખાતું છે. ઈલેકશન કમિશન. જે જ્યાં ત્યાં ચૂંટણી કરાવે છે. એમને સીર દ્વારા વધારાના મતદારોને કાઢી નાખવા છે. જેમ કે, બિહારમાં પચાસેક લાખ મતદારો નીકળી ગયા. એમ ક્દાચ ગુજરાતમાં ‘ય બને.”
“હા, તો હું એમ જ કહેતો હતો કે, બિહારમાં પચાસેક લાખ લોકોના સીર કપાઈ ગયા ને !?”
“ના બકા ના. એમનાં ચિર પહેલાંથી જ કપાઈ ગયેલાં હતાં જ. માત્ર એમનું ધડ એટલે કે, નામ જ હાલતું હતું.”
“તો.. તો સરકારે હારું કામ કર્યું. પણ, છતાંય આટલી બધી હો હા કેમ છે? અને આવું જટીલ કામ કોણ કરી રહ્યું છે?”
“સરકારને બીજું કોણ મળે ? માસ્તર સિવાય કોઈ આ કામ કરી શકે ? સરકારના એક પ્રકારના વધારાના દાડિયા. એટલે બી.એલ.ઓ. ર્મ્ન્ં (બુથ લેવલ ઓફિસર)”
“તો હવે હમજાયું કે આ બધો ગણગણાટ આ લોકોનો છે.”
બકાએ લમણે આંગળી મૂકી.
“તે..એ.. ગણગણાટ હોય જ ને. બી.એલ.ઓ.માં ભાઈઓ હોય સાથે સાથે બહેનો પણ હોય.” “તે હોય જ ને..! પગાર તો બન્નેનો સરખો જ આવે છે ને !?”
“માત્ર પગારની વાત નથી. આ એક ક્રિટીકલ કોયડો છે. એક જણને બારસોથી પંદરસો ફોર્મ નામ શોધીને વિતરણ કરવાનાં છે /ફોર્મ ભરી આપવાના છે/ અને સમજાવવાના પણ છે. અને હારે હારે નિશાળમાં છોકરાઓને ભણાવવાના પણ છે. એક દિવસમાં એક વ્યક્તિ માંડ માંડ પચાસેક ફોર્મ વિતરણ કરી શકે છે. આમ ગણો તો ફોર્મ વિતરણમાં એકાદ મહિનો લાગે. એકાદ મહિનો ફોર્મ પાછા લેવામાં લાગે. હવે આ કામ સરકારને એકાદ અઠવાડિયામાં કરાવી લેવું છે. હવે તમે જ કહો.. ગણગણાટ તો થાય જ ને !!”
“અરે પણ, સરકાર બધા જ કામમાં ઢીલી છે, તો આ કામમાં ઉતાવળી કેમ ? અને આખર માસ્તર પણ માણસ છે.”
“એ જ તો ગણગણાટ છે. તમે સમયસર કામ ન કરો તો ધરપકડ સુધી સરકાર કાગળીયા કરે છે. અરે.. મેં તો કેટલી ‘ય બહેનોને ચોધાર આંસુડે રડતાં જોઈ છે. ભૂખ્યા, તરસ્યા ભટકતાં જોઈ છે. રાત દિવસ એક કરતાં જોઈ છે. પ્રસંગોને છોડતાં જોઈ છે. રાતના અગિયાર વાગ્યે ‘ય મતદાર સાથે ફોનમાં વાત કરતાં ‘ય જોઈ છે અને ટાણે કટાણે વારંવાર મોટા સાહેબની ડાટ સાંભળતાં ‘ય જોઈ છે.”
“ઓ..હો.. હો..! આપણી મૃદુ સરકાર આટલી બધી ઝૂલમી છે? આ તો માકડને મોઢું આવ્યું કહેવાય.
પણ, આ તમે કહ્યું એ હંધૂય હાસુ છે?”
“તમારી આજુબાજુમાં કોઈ બી.એલ.ઓ. રહેતા હોય તો, પૂછી લેજો. બપોરનું બરોબર જમ્યા કે બાકી છે? રાત્રે નીંદર આવી કે, ઉજાગરો કર્યો? સંયુક્ત કુટુંબમાં કામ માટે વડછડ થઈ કે થવાની છે?”
બકાએ માથે હાથ મૂકીને કહ્યું.
“તો તો ભાઈ.. આ માસ્તરની નોકરી કાહટી વાળી છે. અને આવું બધું કામેય ખૂબ કાહટી વાળું તો છે જ.
મને એમ કે.., માસ્તરને એ..ય ને ટેસડા ટેસડા જ છે. પણ, હેં અમથાલાલ… એ તો કહો કે, આ હંધૂય કોના ભોગે થશે?”
“લો કર લો બાત!! શિક્ષણના ભોગે જ તો વળી.”












































