તાપી જિલ્લાના કુકરમુંડામાં બે જૂથો વચ્ચે અથડામણ અને પથ્થરમારાની ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે આ ઘટના એક બાઇક સવાર સાથે થયેલી નાની દલીલને કારણે બની હતી જે હિંસામાં ફેરવાઈ ગઈ હતી. ખટીક ફળિયામાં થયેલી આ અથડામણમાં સાતથી આઠ લોકો ઘાયલ થયા હતા.
અહેવાલો અનુસાર, બાઇક સવાર સાથેની દલીલ બાદ, બંને જૂથો સામ સામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને મહારાષ્ટ્રની નંદુરબાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્યને નિજર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.એટલુંજ નહીં ગુસ્સે ભરાયેલા ટોળાએ કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ગઈકાલે રાત્રે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને પથ્થરમારા સાથે સંકળાયેલા કેટલાક લોકોની અટકાયત કરી હતી. સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.






































