ટ્રમ્પ યુનાઈટેડ નેશન્સને ખતમ કરવા માગે છે ?
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ઐતિહાસિક ‘બોર્ડ ઓફ પીસ’ (Board of Peace)ને સત્તાવાર રીતે લોંચ કર્યું એ સાથે જ આ સવાલ પૂછાઈ રહ્યો છે. ટ્રમ્પે ‘બોર્ડ ઓફ પીસ’ના પ્રથમ ચાર્ટરને લાન્ચ કર્યું તેનો અભ્યાસ કર્યા પછી નિષ્ણાતોનું કહેવું છે કે, સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઈટેડ નેશન્સ (ેંદ્ગ)ની તર્જ પર બનેલી આ નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાનો પ્રારંભિક ઉદ્દેશ ભલે ગાઝામાં શાંતિ સ્થાપિત કરવાનો દર્શાવાયો હોય પણ ભવિષ્યમાં આ સંસ્થાનો વિસ્તાર કરાશે અને વિશ્વભરના વિવાદો ઉકેલવા માટે કામ કરશે. મતલબ કે, આ સંસ્થા બીજા દેશોની આંતરિક બાબતોમાં ટાંગ અડાવશે.
ટ્રમ્પ અત્યારે એ કામ કરી જ રહ્યા છે અને દુનિયાના તમામ દેશોની આંતરિક બાબતોમાં દખલગીરી કરી જ રહ્યા છે પણ અત્યારે ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ હોવાથી તેમની સામે કોઈ બોલી શકતું નથી. ટ્રમ્પ પણ આ વાત સમજે છે તેથી પોતે અમેરિકાના પ્રમુખપદે હોય એ દરમિયાન જ એવી સંસ્થા ઉભી કરી દેવા માગે છે કે જેના માધ્યમથી પોતે નિવૃત્ત થાય પછી પણ પોતાની ખંજવાળ મટાડી શકે. અમેરિકાએ અત્યાર સુધી યુએનના માધ્યમથી આ કામ કર્યું પણ હવે ચીન, રશિયા સહિતના દેશોની નવી ધરી બની રહી છે તેથી યુનાઈટેડ નેશન્સમાં અમેરિકાનો પ્રભાવ પહેલાં જેવો નથી રહ્યો તેથી ટ્રમ્પ યુએનને નવરી કરીને પોતાની જ નવી સંસ્થા ઉભી કરવા માગે છે એવું પણ કહેવાય છે.
ટ્રમ્પ પોતાનું વર્ચસ્વ જાળવવા માટે એ હદે આંધળા બન્યા છે કે, અમેરિકાનાં હિતોની પણ તેમને પરવા નથી. તેમને માત્ર પોતાનું જ બધા સાંભળે એ વાતમાં રસ છે. ‘બોર્ડ ઓફ પીસ’ના જે નિયમો છે તેને જોતાં આ વાત સાચી પણ લાગે કેમ કે બોર્ડ ઓફ પીસ ટ્રમ્પના વન મેન શો જેવી જ છે. બોર્ડ ઓફ પીસના ચાર્ટરને જોતાં સ્પષ્ટ થઈ જાય કે, આ સંસ્થા ટ્રમ્પની મનમાની ચલાવવાના એક માત્ર ઉદ્દેશથી બનાવાઈ છે અને અમેરિકાના પ્રમુખને કે તેની સરકારને પણ તેની સાથે કોઈ લેવાદેવા નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ આ સંસ્થાના સ્થાપક પ્રમુખ છે અને તેમની પાસે અમર્યાદિત સત્તાઓ છે. પ્રમુખની મુદ્દત કેટલી તેની કોઈ મર્યાદા નક્કી કરાઈ નથી અને તેમની પાસે જ તેમના અનુગામીને નિયુક્ત કરવાનો અધિકાર છે. પ્રમુખ પાસે જ કોઈ પણ દેશને બોર્ડમાં જોડાવા માટે આમંત્રિત કરવાની સત્તા છે. પ્રમુખ પાસે આ બોર્ડની પેટાકંપનીઓ બનાવવા, સંશોધિત કરવા અથવા વિસર્જન કરવાનો વિશિષ્ટ અધિકાર પણ છે. ચાર્ટરમાંના તમામ સુધારા અને વહીવટી આદેશો પણ પ્રમુખની મંજૂરીને આધીન છે તેના પરથી સ્પષ્ટ છે કે, આ સંસ્થા ટ્રમ્પનો વન મેન શો છે. સૌથી મહત્વની જોગવાઈ એ છે કે, ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે રહે કે ના રહે પણ ‘બોર્ડ ઓફ પીસ’ના પ્રમુખપદે રહી શકે છે. ટ્રમ્પે પોતે ‘બોર્ડ ઓફ પીસ’ના આજીવન પ્રમુખપદે રહેવા માગે છે એ સ્પષ્ટ કરી દીધું છે એ જોતાં ‘બોર્ડ ઓફ પીસ’ ટ્રમ્પની માલિકીની કંપની જેવી રહેશે એ સ્પષ્ટ છે.
ટ્રમ્પનું ચસકી ગયું છે ?
ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર અમેરિકાના પ્રમુખ બન્યા પછી અમેરિકાને ફરી મહાન બનાવવાના બહાને આડેધડ નિર્ણયો લીધા તેના કારણે આ સવાલ પૂછાવો સ્વાભાવિક છે. ટ્રમ્પે ભારત, ચીન, રશિયા સહિતના દેશોને દબડાવવા માટે આડેધડ ટેરિફ લાદ્યા પણ તેની ધારી અસર ના થઈ તેથી સાવ ચસકી ગયું હોય એ રીતે વર્તી રહ્યા છે. ટ્રમ્પે એક તરફ વેનેઝુએલા પર હુમલો કરીને લેટિન અમેરિકન દેશોમાં ફફડાટ ફેલાવી દીધો છે તો બીજી તરફ ઈરાનને પણ ખતમ કરી દેવાની ધમકીઓ આપી રહ્યા છે. આ ઓછું હોય તેમ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપીને યુરોપના પોતાના સાથી દેશોને અકળાવી દીધા છે ને ગાઝામાં પણ મનમાની કરી રહ્યા છે.
ટ્રમ્પે હદ તો ભારત સહિતના દેશો પર ૫૦૦ ટકા ટેરિફ લાદવાની હિલચાલ દ્વારા કરી દીધી છે. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ટ્રમ્પની વાત માનીને યુક્રેન સામે યુધ્ધવિરામ ના સ્વીકાર્યો તેથી અકળાયેલા ટ્રમ્પે રશિયાનું નાક દબાવવા માટે આર્થિક પ્રતિબંધો વધાર્યા છે. આ ઉપરાંત રશિયા સાથે આર્થિક સંંબંધો રાખતા ભારત, ચીન, બ્રાઝિલ સહિતના દેશોને દબડાવવા માટે ૫૦૦ ટકા ટેરિફ લાદતા બિલને મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પ ઈરાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં લોકોને ભડકાવીને અશાંતિ પણ ઉભી કરી રહ્યા છે. વેનેઝુએલામાં તો ટ્રમ્પે બધી મર્યાદા બાજુ પર મૂકી દીધી અને આંતરરાષ્ટ્રીય કાયદાઓની ઐસીતૈસી કરી નાખી. અમેરિકાએ વેનેઝુએલા પર આક્રમણ કરીને વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્નીને ઉઠાવી લીધા તેમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ થયો હોવાનું ખુદ યુનાઈટેડ નેશન્સે કહ્યું તેનાથી અકળાયેલા ટ્રમ્પે યુએનને ઠેકાણે પાડવા ‘બોર્ડ ઓફ પીસ’નું તૂત ઉભું કર્યું હોવાનું કહેવાય છે.
આ બધું જોતાં ટ્રમ્પ સનકી થઈ ગયા હોય એવું લાગે પણ સદ્નસીબે દુનિયાના મોટા ભાગના દેશો ટ્રમ્પની સાથે નથી. ટ્રમ્પે ૬૨ દેશોને ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવા માટે નિમંત્રણ આપ્યું હતું પણ માત્ર ૧૯ દેશો તેમાં જોડાયા છે તેના પરથી સ્પષ્ટ છે કે ટ્રમ્પના વિચારોને દુનિયાનું સમર્થન નથી. અત્યાર સુધીમાં આ બોર્ડ સાથે ઈઝરાયલ, જોર્ડન, ઈન્ડોનેશિયા, ઇજિપ્ત, બલ્ગેરિયા, બેલારુસ, કઝાકિસ્તાન, કોસોવો, મોરોક્કો, મંગોલિયા, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, તુર્કીયે અને સંયુક્ત આરબ અમીરાત જોડાયા છે. આ પૈકી મોટા ભાગના મુસ્લિમ દેશો છે કે જેમને ગાઝામાં શાંતિમાં રસ છે અથવા અમેરિકાને ઇન્કાર કરી શકે તેમ નથી. બીજી તરફ યુરોપિયન દેશો ટ્રમ્પના તુક્કાથી સાવ દૂર રહ્યા છે. ટ્રમ્પે ભવિષ્યમાં ‘બોર્ડ ઓફ પીસ’ યુએનનું સ્થાન લેશે એવો દાવો કર્યો છે. અત્યારે યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં ફ્રાન્સ અને યુકે એ બે દેશો પાસે વીટો પાવર છે તેથી અમેરિકાની મનમાનીને રોકી શકે છે. અમેરિકાની નજીક રહેલા યુરોપના દેશોને ડર છે કે, ‘બોર્ડ ઓફ પીસ’માં અમેરિકાનું જ વર્ચસ્વ હશે તેથી તેમનો એકડો જ નહીં રહે. આ કારણે આ દેશો ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’ના તુક્કાથી દૂર છે. ભારત પણ ‘બોર્ડ ઓફ પીસ’માં નથી જોડાયું કેમ કે ભારતને એકલા અમેરિકાના પડખામાં ભરાવાનું પરવડે તેમ નથી.
ભારતને બીજો પણ એક વાંધો હોઈ શકે છે. ટ્રમ્પના પ્રસ્તાવિત ‘બોર્ડ ઓફ પીસ’ના ચાર્ટર પ્રમાણે કાયમી સભ્યપદ મેળવવા માટે પહેલા વર્ષમાં ૧ અબજ ડોલર એટલે કે લગભગ ૯૨૦૦ કરોડ રૂપિયાની ફી ચૂકવવી પડશે. ગાઝામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે ટ્રમ્પે જે યોજના બનાવી છે તેમાં અમેરિકન કંપનીઓને ફાયદો થવાનો છે, ભારત જેવા દેશોને કોઈ મોટો ફાયદો નથી પછી ભારત શું કરવા ૧ અબજ ડોલરનું આંધણ કરે ? ભારત આર્થિક રીતે સધ્ધર દેશ છે પણ બીજા નાના નાના દેશોને તો ૧ અબજ ડોલરની ફી પણ ના પરવડે તેથી નાના નાના દેશો તો આ કારણે જ દૂર થઈ ગયા છે.
આ સંજોગોમાં ટ્રમ્પનો આ તુક્કો લાંબો નહીં ચાલે એ સ્પષ્ટ છે. ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે હજુ બીજા ત્રણ વર્ષ માટે છે અને એ પછી ઈચ્છે તો પણ ફરી અમેરિકાના પ્રમુખ નહીં બની શકે કેમ કે અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ બે ટર્મ માટે જ પ્રમુખ બની શકે છે. દુનિયાભરમાં ઉતર્યો અમલદાર કોડીને એ હિસાબ ચાલે છે તેથી ટ્રમ્પ એક વાર અમેરિકાના પ્રમુખપદેથી ઉતરશે પછી અમેરિકામાં પણ તેમની કોઈ કિંમત નહીં રહે. મતલબ કે, ટ્રમ્પનો તુક્કો ત્રણ વર્ષથી વધારે ચાલશે નહીં પણ ત્રણ જ વર્ષમાં ટ્રમ્પ કેટલું નુકસાન કરી દેશે એ ખબર નથી. sanjogpurti@gmail.com







































