રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક પેઢલા ચોકપી પાસે ગત રોજ રાત્રીના સુમારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નવી નક્કોર વર્ના કાર ૧૧૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી. ત્યારે અચાનક ડીવાઈડર સાથે અથડાતા કારમાં સવાર ૨૦ વર્ષીય યુવકનં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ કાર પર એપ્લાય ફોર રજીસ્ટ્રેશન લખેલ કાળા કલરની નવી નકોર વર્ના કાર જેતપુરથી ધોરાજી તરફ પુરપાટ ઝડપે જઈ રહી હતી. તે દરમ્યાન બાલકૃષ્ણ ફાર્મ પાસે કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું બોનેટ અને પાછળનું ટાયર ઉખડીને દૂર ફંગોળાઈ ગયા હતા.
કારમાં કુલ ૩ મિત્રો સવાર હોવાની માહિતી મળી રહી છે. જેમાં મૃતક યુવક અવધ અરવિંદ તિવારી (ઉ.વર્ષ.૨૦), તેમજ અન્ય ઈજાગ્રસ્ત યુવકો દેવરાજ જયેશ ગોસાઈ (ઉ.વર્ષ.૨૦)ને વધુ સારવાર અર્થે જૂનાગઢ જ્યારે અક્ષય પ્રવિણ વાઘેલા (ઉ.વર્ષ.૨૦) ને જેતપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મૃતક અવધ તિવારી વિરૂદ્ધ પાસા, મારામારી અને અપહરણ જેવા ગુનાઓ નોંધાયેલા છે.
અકસ્માતમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી રહી છે કે અકસ્માતના થોડા સમય પહેલા યુવકોએ કાર ૧૧૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવતા હોવાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. સોશિયલ મીડિયામાં રફતાર બતાવવાનો શોખ યુવકો માટે જીવલેણ સાબિત થયો. અકસ્માતની જાણ જેતપુર ઉદ્યાગનગર પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ પીઆઈ એમ.એમ. ઠાકોરે જણાવ્યું હતું કે, કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. પોલીસે હાઈવે પરથી અકસ્માત થયેલ કારને હટાવી ટ્રાફિક ક્લીયર કર્યો છે. તેમજ અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









































