કિંજલ રબારીના લગ્ન પ્રકરણ બાદ હવે ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રબારી સમાજને સંબોધતો વધુ એક નવો વીડિયો વાયરલ થયો છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામના રેણુકાબેન અનિલભાઈ પટેલે એક વિડીયો બનાવ્યો છે. જેમાં માતા પોતાની દીકરી પલકે રબારી સમાજના દીકરા સાથે લગ્ન કરી લીધા છે. આ વિડીયોમાં તેમણે રબારી સમાજના અગ્રણી ઠાકરબાપાને નમ્ર વિનંતી કરતા કહ્યું છે કે, મને મારી દીકરી પાછી આપો.

મળતી માહિતી પ્રમાણે, દીકરી કોલેજ ગયા પછી ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ કરી હતી. પોલીસ દ્વારા પરિવારને જાણવા મળ્યું કે, તેમની દીકરીએ રબારી સમાજના પિયુષભાઈ દિલીપભાઈ સાથે લગ્ન કરી લીધા છે. જેથી માતા રેણુકાબેને સ્પષ્ટ કર્યું છે કે, આ લગ્ન તેમની મરજી વિરુદ્ધ થયા છે અને તેમને આ સંબંધ સ્વીકાર્ય નથી. એક પાટીદાર મહિલા તરીકે તેમણે રબારી સમાજના આગેવાનોને નમ્ર વિનંતી કરી છે કે તેમની દીકરી તેમને પરત સોંપવામાં આવે.

માતા રેણુકાબેને વીડિયોમાં જણાવ્યું છે કે, “મને જાણ થઈ છે કે, મારી દીકરીએ રબારી પિયુષભાઈ સાથે લગ્ન કરી લીધા છે. પરંતુ આ અંગે મને કાંઈ ખબર નથી કે અમારી આમાં કોઈ મરજી નથી. આ લગ્ન મને સ્વીકાર નથી. રબારી સમાજના અગ્રણી ઠાકરબાપાને મારી નમ્ર વિનંતી છે કે, મારી દીકરી મને પાછી આપો, તમે તમારા બોલ પકડી રાખો. તમે કહ્યું હતું કે, કોઈ સમાજની દીકરી લેવી નહીં અને ક્યાંય પણ દેવી નહીં. તો તમને વિનંતી છે કે, મારી દીકરી મને પાછી આપો. હું પાટીદારની એક બાઈ બોલું છું, મારી દીકરી મને પાછી આપો તે જ મારી વિનંતી છે.”

આ પહેલા પણ આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રૂની ગામના વતની માતા-પિતાએ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. કાંકરેજ તાલુકાના ઉણ ગામનો એક રબારી યુવક, રૂની ગામની ચૌધરી પરિવારની દીકરી સાથે લગ્ન કરી લીધા હોવાની ઘટનાએ ચર્ચા જગાવી હતી. આ મામલે દીકરીના માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી હતી. હવે જ્યારે કિંજલ રબારીના પ્રેમલગ્નનો વિવાદ થાળે પડ્યો છે, ત્યારે રૂની ગામના માતા-પિતાએ પણ રબારી સમાજને પોતાની દીકરી પરત આપવા અપીલ કરી છે. દીકરીના માતા-પિતાનો આક્ષેપ હતો કે, ચૌધરી અશોકના પરિવારે કિંજલ રબારીને પરત કરી છે. તો રબારી સમાજે પણ તેમની દીકરીને સન્માનપૂર્વક પરત કરી દેવી જોઈએ. પીડિત પરિવારે ઠાકરશી રબારીને આ મામલે મધ્યસ્થી કરી દીકરીને હેમખેમ પરત લાવી આપવા માટે કરુણ અરજ કરી છે.