ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન જૂનાગઢનો વિશ્વપ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો’ ૧૧ ફેબ્રુઆરીથી વિધિવત રીતે શરૂ થઈ રહ્યો છે. ભવનાથ મહાદેવના મંદિર પર પરંપરાગત ધ્વજારોહણ સાથે આ પાંચ દિવસીય મેળાનો પ્રારંભ થશે. આ વર્ષે મેળામાં આધ્યાત્મીકતા સાથે આધુનિક સુવિધાઓનો સમન્વય જોવા મળશે.
આ વર્ષના મેળાનું સૌથી મોટું આકર્ષણ ‘ડમરુ યાત્રા’ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આ યાત્રા નીકળશે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સાધુ-સંતોનું સ્વાગત કરશે. ૧૧ મી ફેબ્રુઆરીએ સાંજે ૭ઃ૦૦ કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી મંદિર સુધીના ૪૦૦ મીટરના માર્ગ પર આ યાત્રા નીકળશે, ત્યારબાદ ભવનાથ મંદિરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોની સુવિધા માટે ૨૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલો એક વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં એકસાથે ૮૦૦ થી ૮૫૦ ભાવિકો રાત્રિ રોકાણ કરી શકે તેવી ક્ષમતા છે, જેમાં મુસાફરો માટે ૭૦૦ પલંગ અને ૧૫૦ ફ્લોર બેડિંગની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે અહીં ૨૪*૭ હાઉસકીપિંગ, મેડિકલ હેલ્પ, મોબાઈલ ચા‹જગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે લગેજ રેક જેવી તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મેળામાં આવતા યાત્રિકોના વાહનો માટે ઉપરકોટ, વાઘેશ્વરી મંદિર અને પાંજરાપોળ સહિત કુલ ૨૫ જેટલા અલગ-અલગ સ્થળોએ વ્યવસ્થિત પા‹કગ પ્લોટ્સ બનાવવામાં આવ્યા છે. આ વ્યવસ્થામાં ખાસ કરીને દિવ્યાંગોની સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં પા‹કગ સ્થળથી મેળા સુધી જવા-આવવા માટે ૨૫ જેટલી રિક્ષાઓની નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ કરાવાઈ છે. આ તમામ પા‹કગ સ્થળોએ સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, પીવાના પાણીની સુવિધા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે.
સમગ્ર ભવનાથ વિસ્તારને આ વર્ષે વિશેષ રીતે શિવજીની થીમ પર શણગારવામાં આવ્યો છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મેળાના ૬ મુખ્ય પ્રવેશદ્વારો અને રવેડી રૂટ પર અત્યંત સુંદર અને આકર્ષક રોશની કરવામાં આવી છે, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. આ ઉપરાંત, મેળામાં આવતા લોકો યાદગાર તસવીરો લઈ શકે તે માટે માર્ગો પર ૬ આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને ભવનાથ મંદિર અને દામોદર કુંડને વિવિધ રંગીન ફૂલો અને લાઈટ્સથી ઝળહળતું કરવામાં આવ્યું છે, જે રાત્રિના સમયે અદભૂત દ્રશ્ય ખડું કરે છે.
શ્રદ્ધાળુઓની સુવિધા માટે મેળામાં પીવાના પાણીની ૧૪૦ પરબની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા ૨૮ જેટલા મેડિકલ સુવિધા કાઉન્ટર્સ પણ કાર્યરત કરવામાં આવ્યા છે, જેથી જરૂરિયાતના સમયે ત્વરિત સારવાર મળી રહે. આ ઉપરાંત, સ્વચ્છતા જાળવવા માટે મેળામાં ૧૧૮ હંગામી ટોયલેટ બનાવવામાં આવ્યા છે અને પર્યાવરણની જાળવણી માટે ૧૦ બોટલ ક્રશર મશીન પણ મૂકવામાં આવ્યા છે. મેળાનું મુખ્ય આકર્ષણ મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળનારી સાધુ-સંતોની શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન રહેશે. જે ભક્તો પ્રત્યક્ષ આવી શકતા નથી તેમના માટે શાહી સ્નાનનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે.










































