રાગ – વૈરાગ – ૧૦
પોતે મા-બાપનો એકનો એક દીકરો હતો. એક આઠ વીધાનું પડતર ખેતર હતું. જે ક્ષત્રિય- ખેડૂત રઘુભાએ દક્ષિણામાં આપેલું. ચોમાસામાં જુવાર સિવાય કશું ઊગતું નહોતું. શિક્ષકની નોકરી હતી. ધારે તો ગ્રેજયુએશન પૂરું કરીને હાઈસ્કૂલમાં કે માસ્ટર ડિગ્રી મેળવીને કોલેજની લેકચરશિપ માટે ઉમેદવારી કરી શકતો હતો, પણ પિતાની હવે ઉંમર થઈ હતી. એ વધારે ખેંચી શકે એમ નહોતા અને એટલે જ આનંદે નોકરી સ્વીકારી લીધી હતી.
સામે પક્ષેય એવું જોવામાં આવ્યું હતું કે ઘરમાં નણંદ-દિયર તો છે નહી!. છોકરીના બાપને એની સાવ નિરાંત હતી. છોકરો ડાહ્યો હતો. અને કીધું કરે એવો લાગ્યો. આ વૃદ્ધો તો પાંચ કે દસ વરસ! બાકી તો પોતાની દીકરી અહીં રાજ કરવાની હતી!! ધનવંતરાયની ઈચ્છા ખૂબ જ હતી અને દીકરીને અગાઉથી આ બાબતોથી સંપૂર્ણ વાકેફ કરાઈ હતી અને સમજાવી દીધીય હતી કે કંઈક મેળવવા કંઈક ગુમાવવું પડે. બાપના ઘરે દોમ દોમ સાહ્યબીમાં ઊછરેલી સુમનને ગાડી બંગલાવાળો છોકરો જોઈતો હતો.
એ થોડો સમય મુંબઈમાં રહી હતી. મુંબઈની જિંદગી એનો આદર્શ હતો. હરવું-ફરવું, મોજમસ્તી, ખાવું-પીવું અને એશો-આરામ એ જ તેના ભવિષ્યનો એકમાત્ર ધ્યેય હતો અને એવો કોઈ દિલફેંક યુવક મળી જાય એની એને તલાશ હતી, પણ બ્રાહ્મણની નાતમાં એવો છોકરો મળવો મુશ્કેલ હતો.
ઈતર પેટાજ્ઞાતિમાં જ્ઞાતિબાધ અને ગોળબાધ નડતો હતો. એ સિવાય પણ એવી સાહ્યબીમાં ઊછરેલા છોકરા આડી લાઈનવાળા હોઈ શકે. એ પિતા ધનવંતરાયને ગમતા પણ નહીં. જે છોકરો પોતાના કહ્યામાં રહે એવા છોકરાની શોધમાં તેઓ હતા. આનંદ બધી રીતે પોતાની માપણીમાં બંધબેસતો હતો.
છોકરા-છોકરીની અંગત પારસ્પરિક મુલાકાતને અંતે છોકરીએ મરજી દર્શાવી હતી એટલે વિદાયવેળાએ ધનવંતરાયે, કાંતિલાલ અને નિર્મળાબહેનને એક કોર બોલાવીને કહી દીધું, ‘અમારી તો હા જ છે. તમારો વિચાર હોય તો પછી રૂપિયો શ્રીફળનું પાક્કું કરી ગોઠવી જ નાખીએ.’
‘હા, ધર્મના કામમાં ઢીલ શી કરવી? એ ઉક્તિએ જીવી રહેલા કાંતિલાલ અને નિર્મળાબહેને, આનંદના મામા અને માસીએ આનંદને એક બાજુ બોલાવીને મસલત કરી દીધી. આનંદ હિજરાતો હતો. છતાં પણ તે ના પાડી ન શક્યો. અંતે મૌન જોઈ હકારસૂચક સંમતિ ગણી એ સંબંધો પર ઉભય પક્ષે મંજૂરીની મહોર લાગી ગઈ.!
રૂપિયો-શ્રીફળની આપ લે થઈ ગઈ. ગોળ-ધાણા ખવાઈ ગયા. મોઢાં મીઠાં થયા. આનંદ- સુમન પણ એકબીજાના મોઢામાં પતાસાં મૂકીને નૂતન સગપણ સંબંધોના ધાગાથી બંધાઈ ગયા. આનંદ મનથી પડી ભાંગ્યો હતો. તેનું હૈયું તો ક્યાંક ભાગી છૂટવા ઝાવાં નાખતું હતું. એ ત્યારે જ સહેજ સ્વસ્થ થયો જયારે એ લોકો ગયા. એકના એક ‘લાલ’ ની સગાઈના આનંદથી જનેતા જેટલું તો ખુશ કોણ હોય ? પણ જનેતાને જેટલી ખુશી હતી એની સોમા ભાગનીય ખુશી આનંદને નહોતી થઈ. જનેતાએ આનંદની આંખોમાં જોયું ત્યાં આનંદ, ઉત્સાહ, ખુશીને બદલે દર્દ, દુઃખ અને વિષાદના દરિયા જ ઊભરાતા હતા. જનેતાએ એ અનુભવ્યું. પોતાના લાડકવાયાની આંખોમાં.!! આનંદને લાગ્યું કે એ મા સામે વધુ વાર જોઈ નહીં શકે. કદાચ આંખો ભીની પણ બની જાય એટલે એણે માની નજર સામેથી પોતાની નજર હટાવી લીધી અને એ સીધો હર્ષદના ઘેર ચાલ્યો ગયો.
હર્ષદ તેની પીઠ પર ધબ્બો મારતાં બોલી ઊઠ્યો. ‘ફાવી ગયો યાર, ચાંદ કા ટુકડા, આસમાન કી પરી કહાં સે ઢૂંઢ કે લે આયે? પેંડા લાવ પેંડા.’ પણ આનંદ મૌન રહ્યો.
“એલા, આવી સુંદર છોકરી તારી કિસ્મતમાં આવી પડી, આવું સરસ ઠેકાણું મળ્યું, આવો પૈસાદાર સસરો મળ્યો તોય તને કોઈ આનંદ નથી થતો? નામ તારું આનંદ અને અત્યારે જાણે આખા જગતનું દુઃખ તારે માથે આવી ચડ્યું હોય એવું કેમ મને લાગે છે? યાર, તારી જગ્યાએ જો હું હોઉને તો તો કૂદકા મારવા મંડ્યો હોઉં.’
‘ઘણી વાર નવા સંબંધો સ્થાપવાથી ખુશી મરી પણ જાય છે, હર્ષદ એના કરતા મા-બાપ એકલા રહેવા દેતા હોય તો સારું..’
‘એવી અર્થહીન વાતો જવા દે. આજનો દિવસ તો તારે માટે આનંદનો છે આનંદ. યુ આર લક્કી ધેટ વે. સુમનભાભી કેવાં સુંદર છે?’
‘પણ મને એમાં કોઈ રસ નથી, હર્ષદ’ કહી આનંદ મૂક બની ગયો.
‘આનંદ, તું શું બોલે છે? તને ખ્યાલ છે?’
‘હા મને બધો જ ખ્યાલ છે. હું અત્યારે એકદમ સ્વસ્થ છું અને સ્વસ્થતાથી કહું છું કે સુમન મને પસંદ નથી.’
‘ઓહ યાર તું પણ…’
હર્ષદ વિમાસણમાં પડી ગયો. આનંદને શું કહેવું તે સમજાયું નહીં. એ ઊભો થતાં બોલ્યો, “ચાલ, આપણે તળાવ બાજુ ફરવા જઈએ.’
‘હા, ચાલ.’ આનંદે કહ્યું, ‘હું પણ મુક્તિનો શ્વાસ લઈ શકીશ..’
બન્ને ચાલતા ગયા. તળાવની પાળ પર ચડતા ચડતા જ આનંદનો પગ લપસ્યો.
‘હળવે આનંદ, ચીકણી માટી છે. લપસી જઈશ.’
‘જિંદગી પણ એવી જ છે. ક્યારે, કઈ ઘડીએ કઈ પળોમાં લપસી પડાય છે એ ખ્યાલ નથી રહેતો. લપસીને ઉંડે… ઉંડે પહોંચી જઈએ છીએ ત્યાંથી પાછું ફરી શકાતું નથી. આપણી જાત જ આપણા હાથમાં નથી હોતી. પારકે સહારે આપણે ક્યાં સુધી આપણાં અસ્તિત્વને, આપણી જાતને સાચવી શકીએ?’
‘આનંદ, હું તારી ફિલોસોફી સમજી શકતો નથી.’
‘આ ફિલોસોફી નથી. મારા ભીતરની વેદના છે. તારી આગળ મારા દિલમાં ઊભરાતાં દર્દના દરિયાનાં પ્રચંડ મોજાંઓને ખાળી રહ્યો છું.’
“હું થોડું ઘણું સમજી શક્યો છું, પણ તો પછી તારે તારા બા-બાપુજીને ના પાડી દેવી જોઈએ કે સુમન મને ગમતી નથી.’
‘એમને ઠેસ પહોંચે.’
‘કોઈ બીજી છોકરી જોવી જોઈએ, કદાચ તને ન ગમતી હોય તો..’
‘એ પણ શક્ય નહોતું.’’કેમ? કોઈ કારણ?’ કેમ એમ કહે છે યાર?’
‘કારણ કે હું એક છોકરીને ચાહું છું, હર્ષદ.’
‘ હેં…?’ હર્ષદ આંચકો ખાઇ ગયોઃ‘ કોણ છે?’
‘રૂપા..’
‘રૂપા?’ હર્ષદ ચાલતા ચાલતા થંભી ગયો. ‘એ. રૂપા, જે તારા મકાન માલિકની દીકરી?’
‘હા હર્ષદ, એ જ રૂપા. બસ, એક એ જ બીજું કોઈ નહીં..’ અને એના સિવાય બીજું પણ કોઈ નહીં!’
‘નહીં આનંદ, આ ખોટું થાય છે. તું એને ભૂલી જા.’
‘શું કામ એને હું ભૂલું? હું એને નહીં ભૂલી શકું.’
“તારે રૂપાને ભૂલી જવી પડશે. છોડી દેવી પડશે. નહિતર બહુ વિપરીત પરિસ્થિતિ આવશે અને એ પરિસ્થિતિ એટલી હદે વણસી જશે કે તું નહીં સુમનભાભીને તરછોડી શકે કે નહીં તું રૂપાને મૂકી શકે. હું તને એટલા માટે કહું છું કે તું એને ભૂલી જા એમાં જ તારી, સુમનભાભીની અને તારા પરિવારની ભલાઈ છે!’
આનંદ હર્ષદની આંખોમાં તાકી રહ્યો. અને પછી માથું ધુણાવતાં બોલી ઊઠ્યો, ‘તો.. તો હું પાગલ થઈ જઈશ હર્ષદ. રૂપા મારી જિંદગીનો ધબકારો છે.’ હર્ષદ તેને તાકી રહ્યો..
*
આમ તો અગિયારસ-બારસ સુધી રોકાવાનું હતું એને બદલે દસમને દિવસે સવારના પહોરમાં જ બેગ તૈયાર કરતો જોઈને નિર્મળાબહેને ચોંકીને પૂછ્યું, ‘કેમ આનંદ, બેગ કેમ તૈયાર કરવા લાગ્યો? જવાને તો વાર છે. હું બેગ તૈયાર કરી દઈશ.’
‘નહીં બા, હું જાઉં છું.’
‘ક્યાં?’
પણ આનંદે જવાબ આપ્યો નહી.
(ક્રમશઃ)












































