જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન કરૂણ બનાવ બન્યો હતો. જેમાં નાઘેડી વિસ્તારમાં પોદાર સ્કૂલ નજીકના એક તળાવમાં ગણેશ વિસર્જન કરતી વખતે એક જ પરિવારના પિતા અને તેમના બે બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાં ત્રણેયના મોત નીપજ્યા હતા. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ,બાદમાં ફાયર કર્મચારીઓએ મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા છે. આ બનાવને પગલે આ વિસ્તારમાંશોકનું વાતાવરણ છવાયું છે. બીજીતરફ સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્ન ઉભા થયા છે.બનાવની જાણ કરવામાં આવતા ફાયર વિભાગ અને પંચકોષી બી પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.ત્રણેય મૃતદેહોને બહાર કાઢીને ફાયર બ્રિગેડની ટીમે જી.જી. હોસ્પિટલ ખસેડ્યા છે. મહાનગરપાલિકા દ્વારા બનાવેલા સુરક્ષિત કુંડમાં વિસર્જન કરવાને બદલે લોકો જાખમી સ્થળોએ જાય ત્યારે આવી દુર્ઘટનાઓ સર્જાય છે.મળતી માહિતી મુજબ, ગણેશ વિસર્જનના પવિત્ર અવસર પર એક પિતા તેમના બે બાળકો સાથે તળાવમાં વિસર્જન કરવા ગયા હતા. વિસર્જન દરમિયાન ત્રણેયને ડૂબતા જાઈને સ્થાનિક લોકોએ તેમને બચાવવા પ્રયાસ કર્યા હતા. જે નિષ્ફળ રહ્યા હતા. બાદમાં સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી.માહિતી મળતાની સાથે જ પંચકોષી બી પોલીસ સ્ટેશનના પી.આઈ. રાઠોડ તેમના  સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ટીમે સઘન શોધખોળ બાદ તળાવમાંથી પિતા અને બંને બાળકોના મૃતદેહો બહાર કાઢ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે જેથી મૃત્યુનું ચોક્કસ કારણ અને સંજાગો જાણી શકાય.આ દુઃખદ ઘટના ફરી એકવાર ગણેશ વિસર્જન દરમિયાન સુરક્ષાના મુદ્દા પર ગંભીર સવાલો ઉભા કરે છે. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ગણેશ વિસર્જન માટે સુરક્ષિત અને કૃત્રિમ કુંડ બનાવવામાં આવે છે, પરંતુ તેમ છતાં ઘણા લોકો જાખમી નદીઓ, તળાવો અને દરિયામાં વિસર્જન કરવા જાય છે. આ પ્રકારની બેદરકારીને કારણે દર વર્ષે આવી અનેક દુર્ઘટનાઓ બને છે જેમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. આ અંગે સલામતીને લઈને તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવતી હોવાછતા લોકો તેને અવગણતા હોવાથી આવા બનાવો બનતા હોય છે.