કોર્ટે જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની હત્યા કરનાર વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે શિન્ઝો આબે પર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો.
શિંઝો પર હુમલો કરનાર વ્યક્તિએ પોતાનો ગુનો કબૂલ્યો. ત્યારબાદ, જાપાનની એક કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી. ગુનેગારની ઓળખ ૪૫ વર્ષીય તેત્સુયા યામાગામી તરીકે થઈ હતી. યામાગામીએ અગાઉ જુલાઈ ૨૦૨૨ માં નારા શહેરમાં ચૂંટણી પ્રચાર ભાષણ દરમિયાન આબેની હત્યા કરવાની કબૂલાત કરી હતી. ન્યૂઝ એજન્સી એપીએ એનએચકે પÂબ્લક ટેલિવિઝનને ટાંકીને આ સમાચાર આપ્યા હતા.
શિન્ઝો આબે દેશના પશ્ચિમ ભાગમાં આવેલા નારામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમને પાછળથી ગોળી વાગી હતી. ગોળી વાગ્યા બાદ શિન્ઝોને હૃદયરોગનો હુમલો આવ્યો અને હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું.
ગોળીબાર કરનાર, તેત્સુયા યામાગામીની ઘટનાસ્થળે ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, યામાગામી શિન્ઝોની નીતિઓથી નાખુશ હતા અને તેમને મારવાનો ઇરાદો ધરાવતા હતા. ગોળીથી શિન્ઝોના ગળામાં ઇજા થઈ હતી, અને અહેવાલો દર્શાવે છે કે તેમની છાતીમાં લોહી વહેતું હતું.
શિન્ઝો આબેનો જન્મ ૧૯૫૪ માં થયો હતો. તેમનો પરિવાર પણ રાજકારણમાં સામેલ હતો. તેમના પિતા, શિન્તારો આબે, જાપાનના વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. શિન્ઝો આબેના દાદા, નોબુસુકે કિશી, જાપાનના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. શિન્ઝો પોતે ૨૦૦૬ માં સૌથી નાના વડાપ્રધાન બન્યા હતા, પરંતુ ત્યારબાદ ટૂંક સમયમાં જ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ શિન્ઝો ૨૦૧૨ થી ૨૦૨૦ સુધી વડા પ્રધાન તરીકે સેવા આપી. સ્વાસ્થ્યના કારણોસર તેમણે ૨૦૨૦ માં રાજીનામું આપ્યું.