જસદણ નગરપાલિકા ખાતે પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવેલા તમામ ૧૫ એજન્ડાઓને સત્તાધારી પક્ષ અને વિપક્ષના સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ સામાન્ય સભાની વિશેષતા એ રહી હતી કે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના તમામ સદસ્યોએ જનહિતના કામો માટે એકસૂત્રતા દાખવી હતી. રજૂ કરવામાં આવેલા ૧૫ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ, શહેરના પ્રશ્નોના નિરાકરણ અને વિકાસલક્ષી આયોજનોને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નગરપાલિકાના વહીવટ તેમજ વિકાસ કાર્યો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. આ તકે આયોજન સમિતિના ચેરમેન પી.વી. ભાયાણી, સદસ્ય બીજલભાઈ ભેંસજાળીયા તથા અન્ય ચુંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.