નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠન બાદ શરૂ થયેલા રાજીનામાનો દોર અટકવાને બદલે આગળ વધી રહ્યો છે. જિલ્લા ભાજપમાં નવનિયુક્ત પદાધિકારીઓના રાજીનામા બાદ તાલુકાના મહામંત્રીઓએ રાજીનામા પડ્યા હતા. જેમાં આજે વધુ ૧૨ પદાધિકારીઓના રાજીનામાં જિલ્લા ભાજપ પ્રમુખના ટેબલ પર મૂકવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જલાલપોર તાલુકા ભાજપના ૧૯ પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામાં ધરી દેતા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
નવસારી જિલ્લા ભાજપમાં રાજીનામાનો દોર યથાવત જાવા મળ્યો. નવસારીના જલાલપોર તાલુકા ભાજપના ૧૨ પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામા ધર્યા. જલાલપોરને વર્ષોથી થતા અન્યાયના વિરોધમાં જલાલપોર તાલુકા સંગઠનના પદાધિકારીઓના સામુહિક રાજીનામાં પડ્યાછે. આજે તાલુકા ભાજપ ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ સહિતના ૧૨ પદાધિકારીઓએ રાજીનામા ધર્યા છે. જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રીનું પદ નહી મળતા નારાજ આગેવાનો રાજીનામા આપી રહ્યા છે. અત્યાર સુધીમાં જલાલપોરના જિલ્લા અને તાલુકાના ૧૭ પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિખવાદ વધુ વિવાદ ઉભા કરે તો નવાઈ નહીં.
નવસારી જિલ્લા ભાજપનું સંગઠન જાહેર થતા જલાલપોર તાલુકાના પદાધિકારીઓમાં નારાજગી જાવા મળી હતી. જાકે ભાજપ સંગઠનમાં મહામંત્રીના પદને લઈ મથામણ ચાલી હતી અને તેના કારણે સંગઠનની જાહેરાત મોડી થઈ હતી. પરંતુ મોડી થયેલી જાહેરાત પણ જિલ્લા ભાજપના આંતરિક વિખવાદને બહાર ખેંચી લાવી છે. સંગઠન જાહેર થયાના બીજા જ દિવસે નવનિયુક્ત ઉપપ્રમુખ, મંત્રી તેમજ બે મોરચાના મહામંત્રીઓએ પોતાના પદ પરથી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને ટેલીફોનિક વાત કરી સામુહિક રાજીનામા તેમના ટેબલ પર મૂકી દીધા હતા. ત્યારબાદ જલાલપોર તાલુકાના બે મહામંત્રીઓએ તેમજ મહિલા મોરચાના નવનિયુક્ત મહામંત્રીએ પણ પોતાના પદ પરથી રાજીનામાં ધરી દીધા હતા. જેમાં આજે વધુ ૧૨ લોકોએ પોતાની આહુતિ આપી છે. અને જિલ્લા ભાજપ દ્વારા જલાલપોર તાલુકાના કર્મઠ કાર્યકર્તાઓને વર્ષોથી અન્યાય થતો હોવાનો રાગ છેડ્યો હતો.
ખાસ કરીને જિલ્લામાં જલાલપોરના કોઈ કાર્યકરને ન તો જિલ્લા પ્રમુખ બનાવાયા કે ન તો મહામંત્રી તરીકે કામગીરી સોંપવામાં આવી છે. આ વખતે પણ મહામંત્રીના પદની આશા હતી. ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો થઈ, પરંતુ અંતે જલાલપોરના ભાગમાં નારાજગી આવતા એક પછી એક સામૂહિક રાજીનામાનો દોર શરૂ થયો છે. જિલ્લા ભાજપ અને જલાલપોર ભાજપ વચ્ચે અગાઉથી જ ખટરાગ ચાલી રહ્યો હતો. જેમાં મહત્વના પદ ઉપર નિમણૂક ન મળતા જલાલપોરના કર્મઠ કાર્યકરો અકળાયા છે અને હવે એક પછી એક સામૂહિક રાજીનામાં ધરી રહ્યા છે. જાકે તેઓ ભાજપ સાથે જ જાડાયેલા છે અને જાડાયેલા રહેશેની લાગણી પણ વ્યક્ત કરી હતી.










































