અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અને ચલાલા સ્થિત ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા ડા. રતિદાદાના સાનિધ્યમાં ભવ્ય ૨૨મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા સહિત મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ઉત્સવમાં જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વિના જુદી-જુદી જ્ઞાતિના ૨૧ નવયુગલો જોડાયા હતા. આ પ્રસંગે દરેક કન્યાને ૧૩૦ કરતા વધુ વસ્તુઓ કરિયાવર રૂપે ભેટ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ડા. રતિદાદાના હસ્તે આજ દિન સુધીમાં કુલ ૧૮૨૬ દીકરીઓના લગ્ન કરાવવાનું ભગીરથ કાર્ય થયું છે. કાર્યક્રમમાં આફ્રિકા (કંપાલા)થી ખાસ ઉપસ્થિત રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પરેશભાઈ મહેતા, ધારાસભ્ય જે.વી. કાકડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, રઘુવીરગીરી બાપુ, કરુણાનિધાનબાપુ, હર્ષદબાપુ ભગત સહિતના સંતો-મહંતો અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. ભારતભૂષણ મહેશભાઈ મહેતા દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા. લગ્નોત્સવની સાથે શાંતાબેન ગજેરા હોસ્પિટલ દ્વારા મહારક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું, જેમાં સંસ્થાના ડાયરેક્ટર શીતલબેન મહેતાએ પણ રક્તદાન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતાએ કર્યું હતું, જ્યારે વ્યવસ્થા જાળવવામાં ગાયત્રી એજ્યુકેશન ગ્રુપના સ્ટાફ અને ચલાલા પોલીસે જહેમત ઉઠાવી હતી.









































