ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં યુવતીના આપઘાતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જે યુવતીએ આપઘાત કર્યો છે તે યુવતીનું નામ મહેશ્વરી ખાચર હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ મહેશ્વરી ખાચર ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. જોકે તેણે આપઘાત કેમ કર્યો તેને લઈને ઘણા સવાલો ઊભા થયા છે.

આપઘાત કરનાર યુવતી અમદાવાદની એલડી આર્ટ્‌સ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તે મૂળ બોટાદની વતની હોવાની માહિતી સામે આવી છે. શુક્રવારે ૬ ફેબ્રુઆરીએ સાંજે લગભગ ૪ઃ૧૫ વાગ્યાની આસપાસ યુવતીએ ગેસ્ટ હાઉસના રૂમની બારી પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મૃતક વિદ્યાર્થીની સવારથી ગુજરાત યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં હાજર હતી. સાંજે ૫ વાગ્યે એનએસએસના કાર્યક્રમ અંતર્ગત કોલકાતાથી આવી રહેલા મહેમાનને એરપોર્ટ પરથી લેવા જવાનું આયોજન હતું, જેમાં મહેશ્વરીને પણ જોડાવાની હતી. બાદમાં બપોરે ૩:૩૦ વાગ્યે શ્યામ પ્રસાદ મુખર્જી હોલમાંથી મહેશ્વરી નીકળી હતી.

જોકે, તે બાદ યુવતી પરત ન આવતાં એક પ્રોફેસરે અન્ય વિદ્યાર્થીનીને મહેશ્વરીને બોલાવવા માટે ગેસ્ટ હાઉસ મોકલી હતી. જ્યારે મિત્ર ગેસ્ટ હાઉસ પહોંચી ત્યારે મહેશ્વરી બારી પાસે દુપટ્ટા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

મિત્રએ તાત્કાલિક અન્ય વિદ્યાર્થીઓ અને પ્રોફેસરને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જાતા એસીપી જયેશ બ્રહ્મભટ્ટ પણ ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા.

એમ્બ્યુલન્સ દ્વારા તપાસ બાદ વિદ્યાર્થીનીને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસ દ્વારા રૂમ સીલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ વિદ્યાર્થીનીના મોબાઈલ, કોલ ડિટેઈલ્સ અને મિત્રો સાથેની વાતચીત સહિતના મુદ્દાઓની તપાસ કરી રહી છે.

ઘટનાને પગલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે પરિવારને પણ જાણ કરી હતી. હાલ વિદ્યાર્થીનીના આપઘાતથી કેમ્પસમાં ગમગીની છવાઈ ગઈ છે. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.