ગીર સોમનાથ જિલ્લા પોલીસની SOG, LCB અને મિસિંગ પર્સન સ્કવોડની સંયુક્ત ટીમે એક અત્યંત ગુપ્ત અને વ્યૂહાત્મક ઓપરેશન પાર પાડીને વર્ષોથી નાસતા ફરતા આરોપીને મુંબઈમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસના આ ઓપરેશનથી ‘ગુનેગાર ગમે ત્યાં હોય, પોલીસ પહોંચી જશે’ તેવો સંદેશો સાબિત થયો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ અબુબકર અમીરહુસેન શાહ (ઉંમર – ૬૨ વર્ષ) તરીકે થઈ છે. તે મુંબઈના ડોંગરી વિસ્તારમાં નુરાની મંજીલ, નાગદેવી શેરી ખાતે નામ બદલીને અને ઓળખ છુપાવીને રહેતો હતો. ગીર સોમનાથ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના માધ્યમથી તેનું લોકેશન મેળવી તેને દબોચી લીધો હતો. જેમાં પી.એસ.આઈ. આર.એચ. સુવા, એ.એસ.આઈ. દેવદાનભાઈ, કોન્સ્ટેબલ કૈલાસસિંહ, મહાવીરસિંહ અને ડ્રાઈવર ગોપાલભાઈની ટીમે મુંબઈમાં વોચ ગોઠવી હતી. આ ઉપરાંત LCB ના રામદેવસિંહ અને મિસિંગ પર્સન સ્કવોડના ગોવિંદભાઈએ પૂરી પાડેલી માહિતી આ કેસમાં નિર્ણાયક સાબિત થઈ હતી. પોલીસની આ કામગીરીથી નાસતા ફરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.









































