કચ્છ જિલ્લાના ગાંધીધામમાં ગત મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના ધમધમતા ટાગોર રોડ પર નબીરાઓએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવી બેફામ ગતિએ કાર ચલાવી ચાર નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા. ત્યારે આ ભયાનક અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હોવાની તથા બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. સાથે જ અકસ્માત સ્થળના કાળજું કંપાવતા દ્રશ્યો સામે આવતા પોલીસે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
આ ભયાનક અકસ્માતની ઘટનાની મળતી વિગતો અનુસાર, કચ્છના ગાંધીધામ શહેરમાં ટાગોર રોડ પર ગઈકાલે (૬ઠ્ઠી ફેબ્રુઆરીએ) મોડી રાત્રે ફોરવ્હીલ કારે આતંક મચાવ્યો હતો. પૂરઝડપે જઈ રહેલી આ કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને માર્ગ પરથી પસાર થઈ રહેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા. ત્યારે આ ભયાનક અકસ્માતથી મોડી રાતે ગાંધીધામનો ટાગોર રોડ રક્તરંજીત થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, અકસ્માતગ્રસ્ત આ કારમાં ચાર નબીરાઓ સવાર હતા. જેમાંથી એક નબીરાએ બેફામ કાર ચલાવી એકટીવા મોપેડને સહિત અનેક વાહનોને જોરદાર ટક્કર મારી હતી અને બાદમાં એક સ્પ્લેન્ડર બાઈકને પણ આ કારે અડફેટે લીધું હતું. બાદમાં આ કાર રોડના ડિવાઈડર પર ચઢતા અટકાઈ ગઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે વાહનોના ફુરચા ઉડી ગયા હતા અને વાહન સવારો રોડ પર ફંગોળાયા હતા.
હાલની જાણકારી મુજબ, મોડી રાતે સર્જાયેલા આ ભયાનકમાં બે વ્યક્તિઓના શરીરમાં ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલ આ ગંભીર અકસ્માતના કાળજું કંપાવતા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકોનું ટોળેટોળું ઘટના સ્થળે એકઠું થયું હતું અને પ્રાથમિક બચાવ કામગીરી શરૂ કરી હતી, ત્યારે કારમાંથી ચાર નબીરાઓ મળી આવ્યા હતા. જેઓએ ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરતા ત્યાં હાજર સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા હતા અને એક નબીરાને ઝડપી પાડ્યો હતો અને તેને બરાબરનો ‘મેથીપાક’ ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. જોકે, કારમાં સવાર અન્ય ત્રણ નબીરાઓ અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.
ઘટનાની જાણ થતા જ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસને ઘટનાની જાણ થતા જ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે અકસ્માત સર્જનાર કાર કબજે કરી છે અને ફરાર થઈ ગયેલા ત્રણેય નબીરાઓને પકડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે કચ્છ જેવા શાંત ગણાતા વિસ્તારમાં નબીરાઓ દ્વારા આ પ્રકારે બેફામ વાહન ચલાવી નિર્દોષોના જીવ લેવાની ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.









































