૨૦૨૪ લોકસભાના પરિણામો બાદ હાલની સરકાર વિશે ઘણા અનુમાનો વિવિધ પરિમાણો પર કરવામાં આવી રહ્યા હતા. એમનું સૌથી પહેલું અને મુખ્ય અનુમાન એ હતું કે હવે આ સરકાર એટલી આક્રમકતાથી કામ નહિ કરી શકે. કારણકે ૨૦૨૪ લોકસભામાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પક્ષનો જનાધાર ઘણો ઘટીને આવ્યો હતો અને જેડીયુ અને ટીડીપી જેવા પક્ષો આધારિત ગઠબંધન સરકાર બનાવવી પડી હતી. આ બંને પક્ષો સંખ્યાત્મક દ્રષ્ટીએ એ સ્થાને છે કે બંને સરકારના સમર્થનમાંથી ખસે તો સરકાર પર બહુમતીનું સંકટ આવી જાય. વિપક્ષ તો એવું પણ માનતો હતો કે નરેન્દ્ર મોદી પાસે રાજ્ય સ્તરે કે કેન્દ્ર સ્તરે ગઠબંધનની સરકાર ચલાવવાનો બિલકુલ અનુભવ નથી, અને ચલાવી છે તો પણ એ ગઠબંધનમાં એમનો પક્ષ સંપૂર્ણ બહુમતી સાથે પ્રભુત્વ ધરાવી રહ્યો હતો. વિરોધ પક્ષોનું એવું માનવું હતું કે નરેન્દ્ર મોદી બીજા સાથી પક્ષોની સામે ઝૂકીને કે સમજૂતી કરીને સરકાર નહિ ચલાવી શકે અને આ સરકાર ટૂંક સમયમાં આંતરિક વિખવાદમાં સપડાઈ જશે અને ગબડી જશે. હવે મોદીએ બધા નિર્ણયો સાથી પક્ષોને સંમત કરીને કે સમર્થન મેળવીને જ કરવા પડશે જે એમની ફિતરતમાં નથી. રાજકીય વિશ્લેષકોનો એક મોટો વર્ગ એવું ધારતો હતો કે હવે નરેન્દ્ર મોદી પોતાની આક્રમકતા ગુમાવી દેશે, અથવા જો એણે સરકાર ટકાવવી હશે તો પોતાની અંગત અને પક્ષની નીતિઓ અને છબીમાં આક્રમકતા ઓછી કરવી પડશે. ભાજપની આક્રમક રાષ્ટ્રવાદી છબીને સાથી પક્ષો લાંબી નહિ ચલાવી લે. ચોક્કસ નીતિઓ અને એજન્ડા પડતા મુકવા પડશે. આ બધી ધારણાઓ રાજકીય દ્રષ્ટીએ વાજબી હતી. ભૂતકાળની ગઠબંધન સરકારો આ રીતે જ ચાલી હતી. કોઈ એક પક્ષના બદલે બધા સાથી પક્ષોને મંજૂર હોય એવું એક સર્વાનુમત નીતિ આધારિત શાસન સામાન્ય વાત હતી. આ ગઠબંધનમાં એવું ન થયું.
ભારતીય જનતા પક્ષે પોતાની આક્રમક રાષ્ટ્રવાદી નીતિ આધારિત પોતાના એજન્ડા એ જ ગતિથી આગળ ધપાવ્યા. જે નિર્ણયોની ગઠબંધન સરકારો પાસે અપેક્ષાઓ નથી રાખવામાં આવતી એવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા. સંસદની બહાર અને અંદર બંને તરફ ગઠબંધનના સાથી પક્ષોની એકતા હજુ સુધી અકબંધ દેખાઈ રહી છે. સામાન્ય રીતે ગઠબંધન સરકારમાં સાથી પક્ષોનું દબાણ ઘણા નિર્ણયો લેવડાવતું હોય છે કે ઘણા નિર્ણયો ન લેવા માટે ફરજ પાડતું હોય છે. હજુ સુધી આ સરકારમાં કોઈ એવા નિર્ણયમાં સાથી પક્ષોના દબાણને લઈને પીછેહઠ થઇ હોય એવું બન્યું નથી, અથવા બન્યું હોય તો જાહેરમાં આવ્યું નથી.
૨૦૨૪ લોકસભાના પરિણામો બાદ એનડીએ મોરચો ઘણા મહત્વના રાજ્યોની વિધાનસભામાં વિજયી થયો છે. ગત વર્ષમાં ભાજપ ગઠબંધન સાથે દિલ્હી અને બિહાર જેવા મોટા રાજ્યોમાં વિજયી થયો છે. ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પરિણામ બાદ સાથી પક્ષો સાથે મનમેળ સારો રહ્યો છે. સતત વિજય ઉત્સાહ ટકાવી રાખે છે. નાના પક્ષોને જગ્યા આપવાની એમની તૈયારી, સન્માન અને સહભાગીદારી કોંગ્રેસ કરતા ભાજપને અલગ પાડે છે. જે જે રાજ્યોમાં પક્ષ આગળ વધે છે, ત્યાના સ્થાનિક પક્ષોને સાથે રાખીને આગળ વધે છે અને તેમના કદ મુજબ જગ્યા આપે છે. ભાજપ સાથે સ્થાનિક પક્ષોને બ્રાન્ડ મોદી ફ્રી મળી રહી છે. ચિરાગ પાસવાન જેવા યુવા મજબૂત નેતાઓ આ બ્રાન્ડ સાથે લોકસભામાં ૧૦૦ ટકા સ્ટ્રાઈક રેટ સાથે ચૂંટણી જીતી બતાવે છે. ૧૯૯૩માં એક સમાચાર પત્રમાં ગુજરાતી લેખક ચંદ્રકાંત બક્ષીએ ઝીણા અને અંગ્રેજોની મુસ્લિમ તુષ્ટિકરણ નીતિને લઈને લખ્યું હતું કે ‘અંગ્રેજોને આ દેશમાં ચૂંટણી નહોતી લડવી, દેશપ્રેમ નહોતો. આજે સ્થિતિ તદ્દન બદલાઈ ચૂકી છે, લીડરોની સાથે સાથે જનતાની એક નવી પેઢી આવી ચૂકી છે. જે વધારે પ્રતિબદ્ધ, લક્ષ્યવેધી અને લડાયક છે. આ પેઢી કોંગ્રેસને ફેંકી દઈ શકે છે. અને ૨૧મી સદી તરફ દ્રષ્ટિ કરીને નવો રાજનીતિક સિનારિયો લખી શકે છે. કૌમી પ્રતિનિધિત્વને લોકો હવે આટલી બધી હિંસા પછી નહિ સ્વીકારે.’ બક્ષી બાબુ એક દાયકા પહેલા સાચા પડી ગયા છે. ભૂતકાળમાં જે ધરીઓ પર ગઠબંધન થયા હતા અને મજબૂત ગણાતા હતા આજે એ ધરીઓ એકસો એંસી ડિગ્રી ફરી ગઈ છે. આજે એ ગઠબંધનની સામે ત્યારે જે ધરી હતી એ મજબૂત બનીને ઉભરી આવી છે. એ ધરી રાષ્ટ્રવાદની છે.
સેક્યુલારિઝમની ખોટી ધરી પર વર્ષોથી ગબડતા રાજકીય પક્ષોની જમીન આક્રમક રાષ્ટ્રવાદ સામે સતત વામણી સાબિત થઇ રહી છે. દેશમાં અત્યારે બે ગઠબંધન છે. રાષ્ટ્રવાદના લીટમસ ટેસ્ટે એસિડીક અને આલ્કલી રાજનીતિને અલગ પાડી દીધી છે. કોઈપણ ગઠબંધન લાંબુ ચાલવા માટે મુખ્ય એક વિચારધારાની સામ્યતા જોઈએ. બીજા ગૌણ મુદ્દાઓ વધારે હોઈ શકે છે. જેમ ભાજપ અને શિવસેના હિન્દુત્વના મુદ્દે વર્ષો સુધી સાથીદાર રહ્યા હતા. ભારતીય રાજનીતિમાં બંનેને કુદરતી સાથીદારો કહેવામાં આવતા હતા. શિવસેનાએ હિન્દુત્વના મુદ્દાને છોડી દીધો, ભાજપ સાથે ગઠબંધન પણ છૂટી ગયું. આજે એનડીએનું ગઠબંધન સાથી પક્ષોના નાનામોટા હિત ટકરાવ બાવજૂદ રાષ્ટ્રવાદની મુખ્ય ધરી પર ઉભું છે. એ કિસ્સામાં રાષ્ટ્ર કલ્યાણ માટે મોટા નિર્ણયો લેવામાં બાધા ન આવે. જો ખરેખર આ આકલન સાચું હોય તો હજુ બાકી રહેલી ટર્મમાં વધુ મોટા નિર્ણયો લઇ શકવા ગઠબંધન સરકાર સક્ષમ છે.
ક્વિક નોટ – રાજાઓએ ક્યારેય પ્રજાના સન્માન, પ્રજાની ઈજ્જત, પ્રજાના ધર્મ, પ્રજાના ઈમાનને ક્યારેય સ્પર્શ કરવો નહિ – મેકિયાવેલી – આપકો એકદિન ભાજપાસે લડના હૈ, લેકિન રામસે મત લડીએ…. નિપટ જાઓગે – અટલ બિહારી વાજપેયી.












































