ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટની યુવા પાંખ ‘શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ’ દ્વારા તાલીમ મેળવી સરકારી નોકરીમાં સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તથા લેઉવા પટેલ સમાજના અધિકારીઓ અને કર્મચારીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે તારીખ ૮ માર્ચ ૨૦૨૬ને રવિવારના રોજ ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આ ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે સરકારના વિવિધ વિભાગોમાં કાર્યરત અંદાજે ૧૦૦૦થી વધુ ક્લાસ ૧, ૨, ૩ અને ૪ ના અધિકારીઓ તથા કર્મચારીઓ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સંસ્થામાંથી તાલીમ મેળવીને પોલીસ કોન્સ્ટેબલ, PSI, સિનિયર/જુનિયર ક્લાર્ક, તલાટી, એન્જિનિયર સહિત વિવિધ ૧૬૦ જેટલી સરકારી જગ્યાઓ પર સફળતા મેળવનાર યુવક-યુવતીઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, સમાજના આશરે ૫૦ જેટલા ક્લાસ-૧ અધિકારીઓ, ૧૩૦થી વધુ ક્લાસ-૨ અને ૪૦૦થી વધુ ક્લાસ-૩ ના કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ રૂપે ધોરણ ૬ થી જ બાળકો UPSC-GPSC જેવી પરીક્ષાઓની તૈયારી કરી શકે તે માટેના ખાસ કોર્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશન મેળવનાર ડો. ભાવિન કથિરીયાએ પોતાનો પ્રથમ પગાર માતૃ સંસ્થાને અર્પણ કરી અનોખી મિસાલ પૂરી પાડી હતી.
પોતાના સંબોધનમાં નરેશભાઈ પટેલે ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મહિલા દિવસ નિમિત્તે તેમણે સફળ થયેલી દીકરીઓને પણ શુભેચ્છા પાઠવી હતી. ખોડલધામ સંગઠન અધ્યક્ષ અનારબેન પટેલે ભક્તિ દ્વારા એકતાની શક્તિ પર ભાર મૂકતા કર્મચારીઓને નાગરિકો માટે ઉપયોગી બનવા અપીલ કરી હતી. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું કે ખોડલધામનો નાનામાં નાના વ્યક્તિને મદદરૂપ થવાનો ઉદ્દેશ્ય આજે સાકાર થયો છે. જ્યારે અનિલભાઈ રાદડિયાએ રાષ્ટ્રના વિકાસમાં સંસ્થાઓની ભૂમિકા અંગે વાત કરી હતી. કાર્યક્રમની શરૂઆત હરેશભાઈ પરસાણાના સ્વાગત પ્રવચનથી થઈ હતી અને પૂર્ણાહુતિ જી.એલ. રામાણીની આભારવિધિ અને સમૂહ રાષ્ટ્રગાન બાદ ભોજન સાથે કરવામાં આવી હતી.








































