અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું વંડા ગામ ખાદી ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત હતું. અહીં ખેડૂતો પાસે જમીન પ્રમાણમાં મોટી હોવા છતાં ચોમાસામાં જ ખેતી થાય કારણ કે ઉંચા ટી.ડી.એસ. અને ખારા પાણીના હિસાબે જમીન બગડે એટલે યુવા પેઢી ગામમાં રહેવા કરતાં શહેરો તરફ રોજી-રોટી માટે સ્થળાંતર કરે છે પરિણામે ગામડાઓ ખાલી થતા જાય છે. અનેક કારણોમાં એક કારણ આ પણ છે.
વંડા ગામના ઓછું ભણતર પણ ગણતર અને મહેનત વધુ એવા યુવાન જગદીશભાઈ બાબુભાઈ તળાવીયા જેની ઉંમર માત્ર ૩૮ વર્ષની છે. પોતાની પપ વિઘા જમીનમાં પ્રાકૃતિક બાગાયતી ખેતી કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના યુવાનો અને ખેડૂતો માટે ખરા અર્થમાં આ પ્રગતિશીલ ખેડૂત ખારા જળમાં મીઠી વિરડી સમાન સફળ બન્યો છે. સાથે-સાથે ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત પણ બન્યો છે.
જમીન બગડે નહિ અને ખેતીમાં ખર્ચ ઓછો થાય તે માટે પ્રાકૃતિક ખેતી અપનાવી જીવામૃત અને ગૌમૂત્ર અને ગાયના છાણમાંથી લિકવીડ પ્રાકૃતિક ફર્ટીલાઈઝર ડ્રીપ મારફતે આપવા માટે પ૦-પ૦ હજાર લીટરના પાકા ટાંકા બનાવી સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરે છે. ખેડૂતો રાસાયણિક ખાતરોની લાઈનમાં ઉભા રહે છે અને ખર્ચો કરે છે. તેવો ખર્ચ જગદિશભાઈ તળાવીયાને થતો નથી.
આજથી પ વર્ષ પહેલા રપ વિઘા જમીનમાં લીંબુનું વાવેતર કરેલ. લગભગ ર૦૦૦ થી વધારે લીંબુના છોડ આજે પરીપકવ બન્યા છે. ચાલુ વર્ષે લીંબુનું સરેરાશ રૂ.ર૦ થી રૂ.૧૭૦ સુધીના ભાવથી માર્કેટમાં વેચાણ કરેલ છે. અને રૂ.૧ર લાખથી વધુની આવક થઈ છે. જેમ છોડ મોટા થશે તેમ ઉત્પાદન વધશે, લીંબુ ઉતારવા સિવાય કોઈ ખર્ચ આવતો નથી.
જયારે ર૮ વિઘા જમીનમાં સરગવાનું વાવેતર કરેલ છે. સરગવામાં પણ રાસાયણિક ખાતરો કે ઝેરી દવાઓનો ઉપયોગ કરતા નથી. સંપૂર્ણ
પ્રાકૃતિક ખેતી કરે છે. ગત સિઝનમાં ૧૬થી ૧૭ લાખની સરગવાની શિંગોનું વેચાણ કરેલ છે. જયારે સરગવાના પાનનો ૪ હજાર કિલો પાવડર બનાવી કિલોના રૂ.રપ૦ના ભાવથી વેચાણ કરેલ છે. જયારે સરગવાની શિંગોનો પણ ૪૦૦૦ કિલો જેટલો પાવડર બનાવી રૂ.રપ૦ના ભાવથી વેચાણ કરેલ અને ૧ર૦૦ કિલો સરગવાનું બિયારણ તૈયાર કરીને વેચાણ કરેલ. આમ મજૂરી ખર્ચ સિવાય વિઘોટી લાખની પડે છે. જગદીશભાઈના ફાર્મની મુલાકાત લેવા જેવી છે. યુવા પેઢી અને યુવા ખેડૂતોને
પ્રાકૃતિક ખેતી અને બાગાયતી ખેતીની માહિતી આપે છે. ખરા અર્થમાં મળવા જેવા માણસ છે. જગદીશભાઈ તળાવીયાનો મો. ૯૧૦૬૮૩૮૯૭૦.

:: તિખારો::
વ્યક્તિ જેટલો મોબાઈલમાં ઓનલાઈન થતો જાય છે, એટલો જ સંસ્કાર અને સંંસ્કૃતિ-પરિવાર સાથે નાતો ઓફલાઈન થતો જાય છે. મોટાભાગના ઝઘડાઓમાં મોબાઈલ જવાબદાર હોય છે.