કોડીનાર તાલુકાના મિતિયાજ ગામની નજીક વાડી વિસ્તારમાં ખેડૂત સુજીતભાઈ ઓઘડભાઈ ચૌહાણની ગાયનું સિંહોએ મારણ કર્યું હતું. ત્રણ દિવસ પૂર્વે પણ એક ખેડૂતની વાડીએ મારણ કર્યું હતું. જ્યારે ફરી આ ઘટના બનતા મિતિયાજ ગામના ખેડૂતોએ અને આગેવાનોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગમાં જાણ કરતા ફોરેસ્ટ વિભાગ દ્વારા તુરંત જ ખેડૂતોની મુલાકાત લઈ સર્વે કરવામાં આવ્યો હતો. જંગલી પ્રાણીઓના આતંકથી ખેડૂતો, પશુપાલકો ઉપર ભય તોળાઈ રહ્યો છે. આ વિસ્તારમાં સાવજના આંટાફેરા વધ્યા છે. હાલ શેરડી, બાજરી જેવા ઉંચા પાક પૂરા થતા જમીન ખુલ્લી થઈ છે. તેથી હવે પડતર જગ્યામાં પણ પડયા રહે છે. આ રાનીપશુઓ દ્વારા મારણ કરવાની ઘટના રોજની છે. હવે તો ધોળા દહાડે દેખા દેવા લાગતા ખેડૂતોમાં ભય ફેલાયો છે.