કિચનગાર્ડન એટલે ઘરની આજુબાજુ કે આંગણામાં પડેલી વધારાની જમીનમાં શાકભાજી અને સરળતાથી પ્રાપ્ત થાય એવા ફળો ઉગાડી બનાવવામાં આવતો બગીચો. હાલના સમયમાં શાકભાજીનાં ઉંચા ભાવ આપવા છતાં તાજા અને સારી ગુણવત્તા ધરાવતા શાકભાજી મળી શકતા નથી અને શાકભાજીમાં જંતુનાશક ઝેરી દવાઓનાં વધુ પડતા અવશેષ કે ગટરનાં પાણીનાં ઝેરી ક્ષારો હોવાની શકયતા રહેલ છે. આવા સંજોગોમાં ઘરઆંગણે જો થોડી-ઘણી વધારાની જમીન પડી હોય તેમાં કિચનગાર્ડન બનાવીને શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવે તો આપણને સસ્તું, સારુ, ગુણવત્તાયુકત અને તાજુ શાકભાજી મળી રહે. શાકભાજી અને ફળો એ આપણા શરીરની તંદુરસ્તી માટે ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. આપણા શરીરનાં વિકાસ, બંધારણ અને જાળવણી માટે કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન, વિટામિન્સ અને ખનીજ ક્ષારો જેવા પોષકત¥વોની જરૂર પડે છે. જે આપણને અનાજ, કઠોળ, દૂધ અને દૂધની બનાવટો, તેલીબિયાં, ઘી, તેલ, શાકભાજી અને ફળો વગેરેમાંથી મળે છે. વિટામિન્સ અને ખનીજ ક્ષારો દ્વારા જ આપણા શરીરનું યોગ્ય નિયમન, વૃદ્ધિ, રોગપ્રતિકારક શકિતનો સંચાર થાય છે. આવા જરૂરી એવા વિટામિન્સ અને ખનીજ ક્ષારો આપણા શરીરને શાકભાજી અને ફળોમાંથી વધારે પ્રમાણમાં મળે છે. આઈસીએમઆરની ભલામણ મુજબ એક પુખ્ત વયની વ્યકિતને ૩૫૦ ગ્રામ/દિન શાકભાજીની જરૂરીયાત હોય છે. ગુણવત્તાવાળું, તાજુ શાકભાજી આપણને કિચનગાર્ડનમાંથી મળી રહે છે માટે તેને પોષણબાગ પણ કહે છે. ઘરની આજુબાજુ જગ્યા ના હોય તો કુંડાઓમાં પણ શાકભાજી ઉગાડી શકાય છે.

કિચનગાર્ડનના ફાયદા:
• ઘરઆંગણાની આસપાસ પડેલ નકામી જમીનનો સદ્‌ઉપયોગ કરી શકાય છે.
• તાજા અને તંદુરસ્ત શાકભાજી ઈચ્છા અનુસાર મેળવી શકાય છે.
• ઘરઆંગણે શાકભાજી, ફળોની વાવણીથી વાતાવરણ પ્રદૂષણમુક્ત અને સ્વચ્છ રહે છે.
• રસોડાના નકામા પાણીનો ઉપયોગ કરી શકાય.
• શાકભાજી ઘરઆંગણે જ ઉપલબ્ધ થવાથી ઘરખર્ચમાં બચત કરી શકાય છે.
• આપણા ફાઝલ સમયમાં બગીચામાં કાર્યરત બની શારીરિક વ્યાયામ મેળવી શરીર તંદુરસ્ત રાખી શકાય છે.
• વધારાનાં શાકભાજી આડોશ-પાડોશમાં આપવાથી સંબંધોને જાળવી શકાય છે.
• ઘરઆંગણે બાળકો વિવિધ ફુલ, છોડ, પાકની ઓળખ, ખેતી પધ્ધતિ અને ઉપયોગીતાની માહિતી પ્રત્યક્ષ મેળવી શકે છે.
• ઘરઆંગણે મનગમતા શાકભાજી ઉગાડવાથી રોજબરોજના આહારમાં શાકભાજીનાં આયોજનનો પ્રશ્ન નિવારી શકાય છે.
• ઘરઆંગણે તૈયાર કરેલ શાકભાજીમાં જંતુનાશક દવાઓના અવશેષ સિવાયના અને કુદરતી સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરી જરૂરીયાત પૂરી કરી શકાય છે.
• ઘરઆંગણે ઉગાડેલા શાકભાજી ખાવાથી ઘરનાં સભ્યોમાં જો કુપોષણ હોય તો તે નિવારી શકાય છે.
• કિચનગાર્ડન ઉગાડવાથી ઘરની શોભામાં પણ વધારો થાય છે.

કિચનગાર્ડનના મુદ્દાઓ:
• પાકોને દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે એ જરૂરી છે.
• ઋતુ પ્રમાણેની શાકભાજી વાવવી જોઈએ.
• રીંગણ, મરચી, ટામેટી, કોબીઝ, ફુલાવરના ધરૂ ઉછેર કરી પછી વાવવા.
• જરૂરીયાત મુજબ ખેડ, ખાતર, પાણી અને પાકસંરક્ષણના પગલા લેવા જોઈએ.
• રાસાયણિક ખાતર અને દવાઓની જગ્યાએ જૈવિક ખાતર, ગૌમૂત્ર, રાખ, છાસ અને લીમડાનું તેલ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.
• બગીચામાં એક ખુણામાં નાનો ખાડો કરી તેમાં બગીચાનો અને રસોડાનો કચરો, ઘાસ, પાંદડા અને શાકભાજીનો કચરો નાખી તેનો કંમ્પોસ્ટ ખાતર બનાવી ઉપયોગ કરવો જોઈએ.
• વધુ જગ્યા હોય તો બગીચામાં પપૈયા, મીઠો લીમડો, સરગવો, લીંબુ જેવા પાકના એકાદ છોડનું પણ આયોજન કરી શકાય.
• ફૂલછોડ જેવા કે ગલગોટા, ગુલાબ, મોગરો અને ઔષધીય પાકોમાં તુલસી, અરડુસી અને ફુદીનો શકય હોય તો લગાવવા જોઈએ જેથી ઘરઘથ્થુ ઉપચારમાં ઉપયોગ કરી શકાય.
• વેલાવાળા શાકભાજી પાકોને ઝાડ પર, અગાસી કે ફેન્સીંગની ધારે જરૂરિયાત મુજબ રોપણી કરી તેના પર વેલા ચઢાવવા.