ઉના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં ‘સર્વાઇકલ કેન્સર ફ્રી ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત કિશોરીઓ માટે એચ.પી.વી. (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી રસીકરણના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં આ કામગીરી હાથ ધરાઈ છે. કલેક્ટરે હેલ્થ સેન્ટરની મુલાકાત લઈને વાલીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી આ રસીના ફાયદાઓ વિશે જાણકારી આપી હતી અને રસીકરણમાં સહભાગી થવા બદલ તેમની સરાહના કરી હતી. આ અભિયાન અંતર્ગત ૧૪ વર્ષની નયના પરમારને કલેક્ટરની હાજરીમાં નિઃશુલ્ક રસી આપવામાં આવી હતી. કલેક્ટરે રસી લેનાર કિશોરીના સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી અને લાભાર્થીઓને વેક્સિનેશન સર્ટિફિકેટ એનાયત કર્યા હતા. રસી લેનાર કિશોરી નયનાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે તેને રસીકરણ બાદ કોઈ મુશ્કેલી થઈ  નથી અને તેણે અન્ય કિશોરીઓને પણ આ રસી લેવા માટે અનુરોધ કર્યો હતો. તાલુકા આરોગ્ય અધિકારી ડા. વિપુલ દુમાતરે એચ.પી.વી. રસીની ગાઈડલાઈન અને તેના ફાયદાઓ વિશે માહિતી આપી હતી.