ગુજરાતમાં યુસીસીના અમલનો તખ્તો તૈયાર છે.
ગુજરાત સરકારે સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડને મંજૂરી આપી દીધી પછી આજે એટલે કે ૨૫ માર્ચ ને બુધવારે ગુજરાત સરકાર સમાન નાગરિક સંહિતા, ૨૦૨૬ બિલ વિધાનસભામાં રજૂ કરવાની છે. વિધાનસભામાં જંગી બહુમતી ધરાવતો ભાજપ આ બિલ સરળતાથી પસાર કરી દેશે તેમાં કોઈ શંકા નથી. યુસીસીનો મતલબ રાજ્યના તમામ નાગરિકો માટે એકસરખા કાયદા કે નિયમો એવો થાય છે તેથી ગુજરાતમાં યુસીસી અમલી બનતાં બીજા બધા પર્સનલ લો નકામા થઈ જશે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભાજપના છે અને રાષ્ટ્રપતિ ડો. દ્રૌપદી મુર્મુ પણ ભાજપનાં છે તેથી ગુજરાત વિધાનસભા યુનિફોર્મ સિવિલ કોડ પસાર કરે પછી સરળતાથી તેના પર સહી થઈ જશે અને બહુ જલદી તેનો અમલ પણ થઈ જશે. આ અમલ શરૂ થતાં યુસીસીનો અમલ કરનારું ગુજરાત ગોઆ અને ઉત્તરાખંડ પછી ત્રીજું રાજ્ય બની જશે.
ગોઆમાં અગાઉના પોર્ટુગીઝ શાસન વખતથી જ સમાન સિવિલ કોડ અમલી છે જ્યારે ઉત્તરાખંડમાં ભાજપ સરકારે યુસીસી અમલી બનાવ્યો છે. હવે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિતનાં ભાજપ શાસિત રાજ્યો પણ યુસીસીનો અમલ કરવા થનગની રહ્યાં છે એ જોતાં ગુજરાતના પગલે યુસીસીનો અમલમાં લાઈન લાગી જશે એવું લાગે છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની વાર છે પણ ઉત્તર પ્રદેશમાં આવતા વરસે માર્ચમાં ચૂંટણી છે એ જોતાં હવે પછી ઉત્તર પ્રદેશ યુસીસીનો અમલ કરે એવી પ્રબળ શક્યતા છે.

ગુજરાતના યુસીસીમાં શું છે ?
ગુજરાતના યુસીસીમાં તમામ ધર્મનાં લોકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ, ખાધા-ખોરાકી અને દત્તક લેવાના નિયમો એકસરખા છે. ગુજરાતના યુસીસીમાં હિંદુ, શીખ, ખ્રિસ્તી, મુસ્લિમ સહિતના તમામ ધર્મનાં લોકો માટે લગ્ન અને લિવ-ઈન રીલેશનશીપની નોંધણી ફરજિયાત કરી દેવાઈ છે. લગ્ન માટે નોંધણી નહીં કરાવનારને ૧૦ હજાર રૂપિયાનો આકરો દંડ થશે. લિવ ઈન રીલેશનમાં રહેનારાં બે પાત્રો પૈકી કોઈ એકની ઉંમર ૨૧ વર્ષથી ઓછી હોય તો તેનાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરાઈ છે.
દેશભરમાં લવ જિહાદનો મુદ્દો ગાજી રહ્યો છે. મુસ્લિમ યુવકો હિંદુ તરીકેની ઓળખ આપીને હિંદુ છોકરીઓને ફસાવે છે અને છેતરીને લગ્ન કરીને તેમનું ધર્માંતરણ કરાવે છે એવા આક્ષેપો થાય છે. ગુજરાતના યુસીસીમાં યુવતીઓની સલામતી માટે લગ્ન અને લિવ-ઈન રીલેશન બંનેમાં પોતાની ઓળખ કે ધર્મ છૂપાવનારને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થશે. લવ જિહાદને રોકવા માટે કોઈ પુરૂષ એક પત્ની હોવા છતાં બીજી પત્ની રાખે તો તેને પણ જેલની સજાની જોગવાઈ કરાઈ છે. એ જ રીતે ધર્મના નામે અમલી કાયદાના આધારે પત્નીને છૂટી નહીં કરી શકાય કેમ કે છૂટાછેડા કોર્ટ મારફતે જ થશે.
ગુજરાતના યુસીસીમાં મુસ્લિમ પર્સનલ લોની ઘણી જોગવાઈઓનો છેદ ઉડાડી દેવાયો છે. મુસ્લિમોમાં સ્ત્રીએ તલાક પછી ફરી એ જ પુરૂષ સાથે લગ્ન કરવાં માટે બીજા પુરૂષ સાથે શરીર સંબંધ બાંધવાના હલાલા, ઈદ્દત સહિતના નિયમો પાળવા પડે છે. સ્ત્રીઓ માટે અત્યંત અપમાનજનક નિયમોને ગેરકાયદેસર જાહેર કરી દેવાયા છે.
સૌથી મોટી જોગવાઈ એ છે કે, તમામ મહિલાઓને પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળશે. મુસ્લિમોમાં પત્ની, દીકરી, માતા વગેરે સ્ત્રીઓને પૈતૃક સંપત્તિમાં ભાગ નથી મળતો. ગુજરાતના યુસીસીમાં સ્ત્રી અને પુરૂષ બંનેને વારસાઈમાં સમાન હકદાર ગણીને પત્ની પુત્ર-પુત્રી, માતા-પિતાને પહેલી કેટેગરીમાં રખાયાં છે તેથી દીકરી પણ સંપત્તિમાં દીકરા જેટલી જ ભાગીદાર હશે.
એક મહત્વની જોગવાઈ લગ્નના એક વર્ષ સુધી છૂટાછેડા નહીં થઈ શકે એ છે અને આ જોગવાઈના કારણે વિવાદ થઈ શકે છે કેમ કે હાઈકોર્ટ પોતે એવા ચુકાદા આપી ચૂકી છે કે, પતિ-પત્ની બંને સહમત હોય તો તાત્કાલિક છૂટાછેડા આપી શકાય છે. કોઈને પરાણે સાથે રહેવાની કે લગ્ન બંધનને નિભાવવાની ફરજ ના પાડી શકાય. ગુજરાતના યુસીસીમાં લગ્નને પરાણે વરસ સુધી નિભાવવાની ફરજ પડાય છે તેથી વિવાદ સર્જાઈ શકે.
ગુજરાત પહેલાં ભાજપ શાસિત ઉત્તરાખંડમાં યુસીસીનો અમલ કરાયો છે. ગુજરાતના યુસીસીની તમામ જોગવાઈઓ ઉત્તરાખંડના યુસીસી જેવી જ છે. ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ આદિવાસીઓને યુસીસી લાગુ નહીં પડે.

યુસીસીમાંથી આદિવાસીઓ બાકાત કેમ ?
ભાજપે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ બનાવ્યો તેના દાયકામાંથી ૫ આદિવાસી સમુદાયને બાકાત રાખ્યા હતા. મતલબ કે, આદિવાસીઓને યુસીસી લાગુ નથી પડતો. ગુજરાતમાં પણ આદિવાસીઓને યુસીસી લાગુ નહીં પડે એવી જોગવાઈ છે. યુસીસીનો અર્થ રાજ્યના તમામ નાગરિકો માટે એકસરખા નાગરિક કાયદા કે નિયમો એવો થાય છે પણ ભાજપે બંને રાજ્યોમાં આદિવાસીઓને બાકાત રાખ્યા છે તેથી ભાજપ શાસિત રાજ્યોના યુસીસીને શુધ્ધ અને સંપૂર્ણ યુનિફોર્મ સિવિલ કોડ ના ગણી શકાય.
ભાજપે આદિવાસીઓને યુસીસીના દાયરામાંથી બહાર રાખ્યા તેનું કારણ મતબેંકનું રાજકારણ છે. ગુજરાતમાં આદિવાસીઓની વસતી ૧૫ ટકાથી વધારે છે. આદિવાસીઓ યુસીસીનો વિરોધ કરે છે તેથી ગુજરાતની ૧૫ ટકા વસતી યુસીસીના કારણે ભાજપથી ખફા થઈ જાય તો ભાજપની હાલત બગડી જાય તેથી ભાજપે આદિવાસીઓને યુસીસી લાગુ નહીં પડે એવો નિર્ણય લઈ લીધો.
ભાજપની દલીલ છે કે, આદિવાસીઓની પોતાની પરંપરાઓ ને પ્રથાઓનું પોતે સન્માન કરે છે તેથી તેમને યુસીસીના દાયરામાંથી બહાર રખાય છે. એ રીતે જોઈએ તો હિંદુઓમાં પણ દરેક જ્ઞાતિની પોતપોતાની પરંપરાઓ છે, મુસ્લિમોની પણ પોતાની પરંપરાઓ છે તો ભાજપ તેને કેમ માન નથી આપતો ?

ભાજપનો આ નિર્ણય કોંગ્રેસના મુસ્લિમ તુષ્ટિકરણ જેવો જ છે.
કોંગ્રેસે દેશની ૧૦ ટકા મુસ્લિમ વસતીની વોટ બેંકની લાલચમાં બંધારણીય જોગવાઈ છતાં યુસીસી લાગુ ના કર્યો. તેના બદલે મુસ્લિમ પર્સનલ લો સહિતના કાયદા બનાવીને મુસ્લિમોને ખુશ કર્યા. ભાજપ પણ આદિવાસીઓને યુસીસીના દાયરામાંથી બહાર રાખીને એ જ મતબેંકની રમત રમી રહ્યો છે.
કોંગ્રેસની મતબેંકની રમતના કારણે મુસ્લિમ મહિલાઓને ભારે અન્યાય થયો ને ભાજપની રમતના કારણે આદિવાસી મહિલાઓને અન્યાય થશે કેમ કે આદિવાસીઓમાં પણ મુસ્લિમોની જેમ બહુપત્નીત્વની પ્રથા છે. મુસ્લિમોમાં પુરૂષ એક સાથે ૪ પત્ની રાખી શકે જ્યારે ઘણા આદિવાસી સમુદાયોમાં તો ઈચ્છે એટલી પત્નીઓ રાખી શકે છે. મુસ્લિમોમાં સ્ત્રીઓને સંપત્તિમાં હિસ્સો નથી મળતો એ રીતે આદિવાસીઓમાં પણ સ્ત્રીઓને સંપત્તિમાં હિસ્સો નથી મળતો.

ભાજપ પણ આદિવાસી મહિલાઓને અન્યાય ચાલુ રાખવા માગે છે.
સુપ્રીમ કોર્ટે ૧૭ જુલાઈ, ૨૦૨૫ના રોજ રામ ચરણ અને અન્ય વિરુધ્ધ સુખરામ અને અન્યના કેસમાં સીમાચિહ્નરૂપ ચુકાદો ચુકાદો આપ્યો કે આદિવાસી મહિલાઓ પણ પૈતૃક એટલે કે પૂર્વજોની મિલકતના વારસામાં સમાન અધિકાર ધરાવે છે. મહિલાઓને સંપત્તિના અધિકારથી બાકાત રાખતી પરંપરાગત પ્રથાઓ ખોટી છે અને બંધારણની કલમ ૧૪ હેઠળ લિંગના આધારે સમાનતાના અધિકારોનો ભંગ કરે છે. સુપ્રીમ કોર્ટે આદિવાસી ગોંડ સમુદાયના સંદર્ભમાં આ ચુકાદો આપ્યો હતો પણ બીજા આદિવાસી સમુદાયોમાં હજુય મહિલાઓને પૈતૃક સંપત્તિમાંથી બાકાત જ રખાય છે.
આદિવાસી મહિલાઓને સંપત્તિમાં હિસ્સો મળતો નથી તેનું કારણ એ છે કે, હિંદુ સક્સેશન એક્ટ આદિવાસીઓને લાગુ પડતો નથી. તેના કારણે વરસોથી આદિવાસી મહિલાઓને અન્યાય થાય છે અને આદિવાસી મહિલાઓ પુરૂષોની આશ્રિત બનીને રહી ગઈ છે. આદિવાસીઓ પાસે જમીનો છે તેમાંથી ૮૪ ટકા જમીનો પુરૂષોના નામે છે જ્યારે ૧૬ ટકા જમીનો જ મહિલાઓના નામે છે. તેના પરથી જ મહિલાઓની શું સ્થિતી છે ને તેમને કેવો અન્યાય થાય છે એ સ્પષ્ટ થઈ જાય. યુસીસીમાં આદિવાસીઓનો પણ સમાવેશ કરીને આદિવાસી મહિલાઓને થતો અન્યાય દૂર કરી શકાય તેમ હતો પણ ઉત્તરાખંડ અને ગુજરાત બંનેના કાયદામાં આ અન્યાય દૂર કરાયો નથી.
ખેર, ભાજપ આદિવાસીઓના તુષ્ટિકરણનું રાજકારણ છોડવાનો નથી તેથી તેની ચર્ચાનો અર્થ નથી પણ આશા રાખીએ કે, ભાજપ રાજ્યોના બદલે આખા દેશમાં યુનિફોર્ન સિવિલ કોડ લાગુ કરે. ભાજપનું વચન આખા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલનું હતું ને એ વચન ભાજપ પૂરું કરે.