પાછોતરા માગસરનો સૂરજ અસ્તાચલે ડૂબી ગયો. ધૂમ્રવરણી ભૂખરી ભૂખરી સાંજ ખેતરમાં ઉપસી આવી. કુંજડીઓની હાર પાછી વળી. આખા દિવસનું થાકયું પાકયું કોઇ પંખી પોતાના માળા ભણી પાંખો ફફડાવતુ ઉડ્યે જતુ હતું.
સામંતે બળદને ગાડે જોડ્યા. સાંતીસંચ ગાડામાં નાખ્યા. છેલ્લી વાર નજર કરીઃ કંઇ રહી તો નથી જતુ ને ? એ જોવા પાછો ફર્યો કે ત્યાં જ એની નજર લખમણકાકાના શેઢા તરફ આપમેળે ખોડાઇ ગઇ. પોતાની હારોહાર જ જાનું પણ ભાતનાં ભતાણાંને તગારામાં મૂકી શેઢો વળોટી ઝાંપલી બંધ કરતી દેખાઇ. સામંતથી મણ એકનો નિહાકો મૂકાઇ ગયો. કયાં કોયલ જેમ કૂહું કૂહું કરતી હજી પાંચ – છ મહિના પહેલાની જાનું અને કયાં મુંગા ઢોર જેમ સાવ એકાએક અબોલ થઇ ગયેલી જાનું !
કયાં ઢેલ જેમ ધરતી માથે નર્તન કરતી જાનું અને કયાં પાષાણની પ્રતિમા સમી જાનું ? કયાં ગયું એનું રમતિયાળપણું, અલ્હડપણું, તોફાન, શરારત સઘળું કયાં ઉડી ગયું ? એ તો માત્ર રામ જ જાણે.
હજી તો હથેળીમાં ચિતરેલી મેંદીની ભાત નથી સુકાઇ, હજી તો પીઠીનો રંગ ઉતર્યો નથી, હજી તો શેરીમાં વાગતાં ઢોલ-શરણાઇના ધબકારા અને સૂર સંભળાતા વિલાયા નથી, હજી તો ભીના કંઠે ગવાતાં લગ્નગીતોની ગુંજ પણ નથી આછરી…. ત્યાં જાનું સાસરેથી પિયર પાછી આવી.
હજી તો દસૈયું નહાઇને ભીનું અંગ કોરું નથી થયું ત્યાં આંખોને ભીના થવાનો વારો આવ્યો ?
સામંતનો જીવ બળીને રાખ થઇ ગયો. બિચારીનું જીવતર ખાનાખરાબ થઇ ગયું. આ કાંઠેથી પેલે કાંઠે જવા હોંશભર્યું ઉપડેલું વહાણ સામે કાંઠે તો પહોંચતા પહોંચે, પણ એની પહેલાં જ કળણમાં ખૂંચી ગયું. એ જાનુંએ તો ઠીક પણ સામંતેય કદી સપનામાં ધાર્યું નહોતું એ તો જયારે જાનુને જોતો ત્યારે નેહ ભરીને જોતો, તેની આંખોમાં ખોવાઇ જતો.
‘સામંતા શું જુએ છે ?’ જાનુ પૂછતી.
‘તારી આંખો’
‘ઓહો, મારી આંખોમાં એવું તે શું છે કે આમ ઝાંકી ઝાંકીને જોવું પડે’ ‘હા જાનુ, હું એમ વિચારું છુ કે આ આંખોમાં, એવું તે કોણ ભાગ્યશાળી હશે કે જેને આ આંખમાં જ નહીં પણ સુખના દરિયામાં ડૂબવા મળશે ? ’
‘ એવું તેવું મને બોલતા ન ફાવે, સમજતા ન ફાવે, કહેતા પણ ન ફાવે સામંત.’ જાનું મીઠો છણકો કરીને ચાલી જતી, એનું નિર્દોષ અબોધપણું પારખીને સામંત દરિયામાં અગ્નિ પ્રગટાવે એવડો નિહાકો મૂકીને મનોમન બબડ્યો, ‘કાશ જાનકી, એક વાર મારા હૃદયની ભાષા સમજી લે ને ! એક વાર મારી નજરનો તાગ મેળવી લેને, એક વાર મારા હૃદયનો ધબકાર સાંભળી લેને…’
પણ જાનુ કયારેય તેની વાત સમજી જ ન શકી, પીછાણી જ ન શકી. તેના પ્રેમની અભિવ્યકિતને પામી જ ન શકી, સામંત અગિયારમા ધોરણમાં ભણતો હતો અને અચાનક તેના પિતાજીની તબિયત બગડી. સામંતને અધવચ્ચેથી ઉઠી જવું પડ્યું ને લોકભારતી – સણોસરાને રામરામ કરીને ખેતીના કામમાં લાગી જવું પડ્યું.
સામંતના પિતાજી જીવરાજભાઇ હવે ખેતીનું કામ કરી શકે એમ નહોતાં. સામંતે હવે બધું સંભાળી લીધું હતું. રહેતાં રહેતાં જાનું અને સામંતનો જીવ મળી ગયો. જાનું અહુર સવાર વાડીએ આવી ચડતી. સામંત સાથે ધીંગામસ્તી કરતી રહેતી. તેના બા-બાપુ, ભાઇ સઘળાં ના પાડતા હતા કે, તું હવે નાની નથી. છતાં પણ તેનું હૈયું તેના ભેરું સમા સામંત પાસે દોડી જવા માંગતું. ધીરે ધીરે કરતાં સામંતનું હૈયુ જાનું આગળ હારી ગયું જયારે જાનું તો ઉડતા પતંગિયા સમી નિર્દોષ હતી. એ ઘડીમાં આવતી અને ઘડીમાં ચાલી જતી. એને કયાં ખબર હતી કે સામંતના હૈયાના તળ ફાડીને એક પનરવો ફૂટી ચૂક્યો છે, જેના પ્રત્યેક પાંદડે સામંતે મારું નામ લખ્યું છે. એક પ્રેમનામની સમજણથી તે હજી ઘણે દૂર હતી. પરંતુ એક દિવસ વહેતી હવા વાયકા લઇ આવી કે જાનુંનું વેવિશાળ થઇ ગયું છે. કોણ જણે કેમ, પણ બોલવા-ચાલવામાં એક સૂક્ષ્મ મર્યાદા જાનુંના વાણી-વર્તનમાં છવાઇ રહી હતી. સાવ અચાનક જ પણ એ વાવડ સાંભળીને સામંતને તીણો આંચકો લાગી ગયો. પહેલી વાર.
જમીનમાં કાંટો કાઢીને ઉગેલા બીજના અંકુર પર કોઇ રાની પશુ, પગનું તળિયું ઘસીને ચાલ્યું જાય એમ એની પહેલી પહેલી પ્રીતનાં અંકુર મોરાઇ ગયાં જાણે ! તે દિ‘ સાંજે ખેતરેથી ઘરે પાછા ફરતા ગાડામાં બેઠેલી જાનુંને સામંતે પૂછ્યુઃ ‘બસ ને, જાનું, હવે તો થોડાક દિવસના મહેમાનને ? ’
‘ હો વ્વે…’
‘ યાદ કરશો કે નહીં કોઇ દિવસ ? ’
‘ શું કામ ? કોઇ કારણ ’
‘ બસ આટલી જ માયા ને ?’ સામંતનો સ્વર ભીનો થયોઃ ‘ પરણ્યા એટલે પિયરને અળગું કરી દેવાનું ? પોતાના ને પારકાં કરી દેવાના ? માયા આમ જ મૂકી દેવાની ? ભાઇબંધી છોડી દેવાની ? હશે ભૈ, તમારે નહીં લાગણી કે પ્રેમ, અમારે તો ખોટે ખોટો વહેમ. જાનું, હવે લાગે છે કે આપણાં અંજળ કદાચ પૂરાં થઇ ગયા, નહિંતર સાવ આમ તો ન જ હોય…’
‘ સામંત…’ જાનું કદાચ પહેલી વાર ગંભીર થઇ ને ચીખી ઉઠી, ‘ રહેવા દે જાનું, આ તો બધી લેણ-દેણની
આભાર – નિહારીકા રવિયા વાત છે. માયા કે મમતાને પરાણે વળગાડવાથી તો એ દુઃખના પોપડા બની જાય છે અને એ પોપડાં જયારે ખરે છે ત્યારે એની વેદના તો બહુ કારમી હોય છે…’
અને જાનું સાવ મૂંગી થઇ ગયેલી, પછી તો સામંતેય કશું બોલી શકેલો નહીં, પાદર આવ્યું ત્યાં લગી બન્ને મૂંગા થઇ ગયેલાં, પણ એ પછી જાનું કદી પણ સામંતના ગાડામાં બેઠી નહોતી.
આજે એ વાતને છ – છ મહિના થઇ ગયા છે, હા, જાનુંનાં લગન થયાં ત્યારે માંડવાના આગલા દિવસે જાનું સાંકડી શેરીમાં સામી મળેલી. ઘડીક ઉભી રહી. બન્ને એકબીજાને અપલક નેત્રે તાકી રહ્યાં. છેવટે જાનુંએ ભીના અવાજે કહ્યું, ‘આજની રાત ને કાલનો દિ‘ બાકી છે. પરમ દિવસે સાંજે તો કોઇના નામની ચૂંદડી ઓઢી પરદેશી ચરકલડી બનીને ઉડી જઇશ., પણ મારા ઉપર જરા જેટલીય મમતા વધતી હોય તો વિદાય વેળા દાડમાદાદાના ઓટલે ઉભો રહેજે. છેલ્લી વારના મ્હોંમેળાં ઘૂંઘટો ઉઘાડીને કરી લઇશ, તારી રાહ જોઇશ, હવે આવવું કે ન આવવું તારા ઉપર છોડું છું.’
ત્યારે તો ‘હા’ માં માથું ધૂણાવી નીકળી ગયેલો સામંત, પોતાના હૈયાની સામે જ, જાનુંનાં લગનનો ઢોલ વાગ્યો ને એ ઢોલની થાપ ન જીરવી શકયો, બબ્બે દિ‘ વાડીએથી ઘરે જ ન આવ્યો. જાનું સાસરે હાલી ગઇ છેક તે દિ’ ઘરે આવ્યો. બસ! તે દિ‘ ની ઘડીને આજનો દિ. ચાર-છ મહિના જેવું થયું હશે ને શેરીમા ંગણગણાટ થવા લાગ્યોઃ ‘જાનબાઇ આવ્યા બચકો લઇને ’ કોઇએ કહ્યું તો કોઇ બોલ્યું ‘સાસરવાટ વેઠવી વસમી છે’ ત્રીજીએ કહ્યું ‘માના રાજમાં ઘીથી લચપચતી ગફુલ ખીચડી ખાધી હોય એને સાસરવાટનો રોટલો શેં ગળે ઉતરે ? સાસરે કાંઇ રાજરાણીના સુખ ન હોય બઇ જોતરે જુતવું પડે ને પિયરમાં ખાધેલું ઘી ઓગાળવું પડે ‘ ચોથુ કહેતું ‘ બાપના ઘર બધેય ન હોય, પારકી મા જ કાન વીંધે‘ કોઇએ વળી વહમાં વેણ કહ્યા ‘તમને કોઇને કોઇ ખબર નથી, જાનુડીએ તો તેના સગા દિયર સાથે’, પણ સામંત આ બધી બાબતોને ખોટી માનતો. તેને થતું કે વાતમાં કંઇક બીજું જ છે. સાવ સામાન્ય ક્ષુલ્લક લાગતા વાંધાને લઇ જાનું કદી પણ પિયર રિસામણે આવે નહીં. એ મરી જાય, પણ પિયરનો મારગ કદી ન લે.
આજ આટલા દિવસે એને જોઇ હતી. આમ તો જુઓ, સુકાઇને સાવ સલ્લો થઇ ગઇ હતી. એનું ઓઢણું ઉડ્યું પણ એણે હળવેથી સંવારી લીધું ને ઝાંપલી બંધ કરીને મારગે ચડી… સામંત પણ ગાડું લઇને વાજોવાજ નીકળ્યો બે-ચાર મિનિટ ગાડું હાલ્યું ત્યાં બન્ને લગોલગ થઇ ગયાં. જાનુંએ પાછળ ફરીને જોયું તો સામંત ! તેણે છેડો માથે ઓઢી લીધો ને નજર નીચે ઢાળી દીધી.
‘ તને કહું છું આ ગાડું તારા માટે ઉભું રાખ્યું છે. મારા સમ છે, ન બેસે એને.’ જાનુંનો ચહેરો ફરી ગયો. એ ચીખી ઉઠી. ‘ શા માટે તું આવાં દુઃખ દે છો ? કોક તો સુખ આપો. ચપટીક બધાય ભેગા લઇને મને ’ (ક્રમશઃ)












































