અમરેલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે લાઠી તાલુકાના નારાયણ નગર ગામે થયેલા અપહરણ અને દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી વિપુલભાઈ ઉર્ફે ગડુ રતીલાલ મકવાણાને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, આરોપીને રૂ.૧૫,૦૦૦નો દંડ પણ કરવામાં આવ્યો છે, જેમાંથી રૂ.૧૦,૦૦૦ પીડિતાને વળતર પેટે ચૂકવવાનો આદેશ અપાયો છે. આ ઘટના ગત ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ બની હતી. લાઠી તાલુકાના નારાયણ નગરના ચામુંડાનગર વિસ્તારમાં રહેતા આરોપી વિપુલ મકવાણાએ સવારે પોણા આઠથી સાંજના ૬ વાગ્યા દરમિયાન એક ૧૫ વર્ષ અને ૯ માસની સગીર તરૂણીનું અપહરણ કર્યું હતું. આરોપી બદકામ કરવાના ઇરાદે સગીરાને લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો હતો.








































