ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧ જાન્યુઆરી, ૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીઓનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કાર્યક્રમ મુજબ, ૧૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ મતદારયાદીની મુસદ્દાની પ્રસિદ્ધિ થશે. ત્યારબાદ ૧૧ ડિસેમ્બર સુધી હક્ક-દાવા અને વાંધા રજૂ કરી શકાશે. અરજીઓનો નિકાલ ૨૮ ડિસેમ્બર સુધીમાં કરવામાં આવશે, જ્યારે ૪ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ થશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લાયકાત ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા તથા વિગતોમાં જરૂરી સુધારા કરાવવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને યુવા મતદારોને નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી શકાશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે યાદીમાં જણાવ્યું છે.