ગુજરાત સહિત સમગ્ર દેશમાં રોડ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં વટવા જીઆઇડીસી વિસ્તારમાં નિકા ટ્યુબ પાસે પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં ગાંધીનગરના ૨૪ વર્ષીય આકાશ ગોસ્વામીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટના પછી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
આ અકસ્માત વટવા જીઆઇડીસીના નિકા ટ્યુબ વિસ્તારમાં બન્યો હતો, જ્યાં યુવક તેની કારમાં બારેજડી તરફ જઈ રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારની ઝડપ અત્યંત વધારે હોવાને કારણે ચાલક સ્ટીયરિંગ પર કાબુ રાખી શક્્યો નહીં અને કાર સીધી રોડની બાજુમાં ઊભા ઝાડ સાથે અથડાઈ હતી. કારની ટક્કર એટલી જારદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સ્થાનિક લોકો અને પસાર થતા વાહનચાલકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવકને બચાવવાના પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
પોલીસને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે, જેમાં સ્પષ્ટ રીતે કારની ઝડપ અને અથડામણની ક્ષણો કેપ્ચર થઈ છે. આ ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે કે અકસ્માતનું કારણ ઝડપ હતું કે પછી અન્ય કોઈ તકનીકી ખામી અથવા ડ્રાઈવરની બેદરકારી. મૃતક આકાશ ગોસ્વામી ગાંધીનગરનો હોવાનું સામે આવ્યું છે અને તેના પરિવારને આ ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.
આ ઘટના ફરી એક વખત રોડ સેફ્ટીના મુદ્દાને ચર્ચામાં લાવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં અકસ્માતના કેસોમાં વધારો જાવા મળ્યો છે, જેમાં મોટા ભાગના કિસ્સાઓમાં ઝડપી વાહન ચલાવવું, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને બેદરકારી મુખ્ય કારણો છે. પોલીસ વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે વાહન ચલાવતી વખતે ઝડપનું ધ્યાન રાખો અને ટ્રાફિક નિયમોનું પાલન કરો, જેથી આવી દુખદ ઘટનાઓને અટકાવી શકાય.










































