સાવરકુંડલાની સરકારી કે.કે. હોસ્પિટલમાં ગુરૂવારે ગંભીર બેદરકારી સામે આવી છે. શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલી આશરે ૫૦ જેટલી સગર્ભા મહિલાઓ સવારના ૮ વાગ્યાથી સોનોગ્રાફી માટે ટળવળતી રહી, પરંતુ વિભાગનો દરવાજો બંધ હોવાથી કલાકો સુધી રાહ જોવી પડી. મહિલાઓએ હોસ્પિટલ અધ્યક્ષની ચેમ્બરે રજૂઆત કરવા જતાં જાણવા મળ્યું કે અધ્યક્ષ હાજર જ નહોતા અને ચેમ્બરે તાળું લાગેલું હતું. વારંવારની ગેરહાજરી બાદ જવાબદારી આર.એમ.ઓ. પર છે, પરંતુ તેઓ નમ્ર સ્વભાવ ધરાવતા હોવાથી યોગ્ય પગલાં લેતા નથી. સોનોગ્રાફી માટે ડેપ્યુટેશન પર આવતી મેડમ પોતાના અનુકૂળ સમયે આવતી હોવાથી બપોરે ૧૨ઃ૩૦ સુધી તપાસ શરૂ થઈ નહોતી. પરિણામે મહિલાઓને ભૂખ્યા-તરસ્યા લાંબી રાહ જોવી પડી હતી. આ વેદનાને કારણે ગર્ભવતી બહેનોની માંગ છે કે સરકાર તાત્કાલિક તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે.