(1) સાઇકલમાં નબર પ્લેટ કેમ નથી હોતી?

રિદ્ધિશ ગેડિયા(રાજકોટ)

સોના કરતા ઘડામણ મોંઘું ન થઈ જાય એટલે.

(2)પરદેસિયો સે ના અખિયા મિલાના.. આમાં શું સમજવું?

હર્ષ પટેલ (મોરબી)

આમાં એવું સમજવાનું છે કે કવિની ઓળખાણ પરદેશ સુધી છે.

(3) હસબન્ડને હબ્બી કહેવાય તો વાઇફને?

રમાબેન પટેલ (સુરત)

આપણે ગુજરાતીઓ નામ શોધવામાં અવ્વલ છીએ. બેબી જેવા અંગ્રેજી શબ્દ માટે આપણે બાબો એવું ગુજરાતી શોધી કાઢ્યું. હબ્બી માટે વબ્બી કેમ રહેશે?

(4)કિન્નરો અલગ રીતે તાળીઓ  શા માટે પાડે છે ?

ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)

કિન્નરો તો એની રીતે જ તાળીઓ પાડે છે પણ અ-કિન્નરો ક્યારેક અલગ રીતે તાળીઓ પાડવા માંડે છે !

(5)વાસણ પર નામ લખવાની પ્રથા કેમ હોય છેં.?

ચાંદની એસ.હિરપરા (તરઘરી)

લગ્નમાં કોણે કોણે વાસણ નથી આપ્યા એ યાદ રહે એ માટે!

(6)ગાંડા અને ડાહ્યા  માણસ વિશે તમારુ શું કહેવાનું થાય છે?

ભાવેશ ડાંગર (રાજકોટ)

બન્ને પ્રકારના માણસો એકબીજાને ગાંડા માને છે!

(7) આર્યનખાન ડ્રગ્સ કેસમાં પકડાઈ ગયો. હવે?

શૈલેષ સોલંકી (અમદાવાદ)

તમારે ધ્યાન રાખવું !

(8) કોઈ માણસ ડાહ્યો છે કે ગાંડો એ કેમ ખબર પડે?

ધવલભાઈ પાનવાળા (રાજકોટ)

તમે રૂબરૂ મળો પછી કહું !

(9)લગ્નજીવનમાં છૂટાછેડા થાય તો દુઃખી થવું કે સુખી?

ચૈતન્યસ્વામી પ્રકાશ (બાબરા)

લગ્નજીવનમાં સુખી થયા હોઈએ તો છૂટાછેડામાં દુઃખી થવું અને લગ્નજીવનમાં દુઃખી થયા હોઈએ તો છૂટાછેડામાં સુખી થવું.

(10)ભાષા સાહિત્યમાં નવ રસ પૈકીના એક એવા આ હાસ્યરસની વિશ્વના સાહિત્યકારો તથા સાહિત્યરસિક જનો માટે નિષ્પત્તિ શું છે?

જગદીશ ઠાકર (સરધાર)

નિષ્પત્તિ લખ્યું છે કે નાસપતિ કે નિષ્ફળ પતિ?

(11)તમારા માથામાં વાળ કેટલા છે?

નિકુંજભઈ દરબાર ((ખારચિયા હનુમાન)

અનુપમ ખેર કરતા વધારે અને અનિલ કપૂર કરતા ઓછા !

(12) ‘હાસ્યાય નમઃ’ના વાચકો માટે નુતનવર્ષનો કોઈ સંદેશ?

જય દવે(ભાવનગર)

પેટ પકડીને હસતા રહો(નોંધ: પેટ પોતાનું જ પકડવુ!).

(13) તમારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ નેતા કોણ?

ઉન્નતિ મહેતા (રાજકોટ)

જનેતા.

(14) આપણે સુતા હોઈએ ત્યારે આંખો કેમ બંધ રાખતા હોઈશું?

નીરવ ડણાંક (અમરેલી)

ઘણા તો જાગતા હોય ત્યારે પણ ક્યાં આંખો ખુલી હોય છે?

(15) ડૂબવું અને બૂડવું વચ્ચે શું તફાવત?

હર્ષા જાની (મુંબઈ)

દરિયાકાંઠે રહો છો કે દિવાળીની રજામાં ફરવા ગયા છો?