મહિલાઓ પર થતાં રેપ અને તેની સુરક્ષાના મુદ્દે દેશભરમાં ઉહાપોહ મચ્યો છે. આવા સમયે લાઠી તાલુકામાં એક યુવતી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. ભોગ બનનારને લગ્નની લાલચ આપી યુવકે હવસનો શિકાર બનાવ્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી બહાના બતાવી તેની સાથે લગ્ન કરતો ન હોવાથી આખરે તેણે ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનેલી યુવતીએ લાઠી તાલુકાના મુળીપાટ ગામના પ્રદિપ ઉર્ફે બાલો સવાણી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તા. ૦૮/૦૯/૨૦૨૧ના રાત્રીના સાડા બારેક વાગ્યાથી તા. ૦૬/૧૧/૨૦૨૧ બપોરના દોઢ વાગ્યા દરમિયાન આરોપીએ તેને લગ્ન કરવાની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યા હતા. લગ્ન નહીં કરીને વિશ્વાસઘાત કરીને યૌન શોષણ કર્યુ હતું. અમરેલી એસ.સી.એસ.ટી. સેલના નાયબ પોલીસ અધીક્ષક જે.પી.ભંડારી વધુ તપાસ કરી રહ્યા છે.