લાઠી તાલુકાના અડતાળા ગામે જમીન ખરીદ્યા બાદ ખેડૂતને જમીન નહીં ખેડવાની ધમકી આપી હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે રણુભાઇ નનકાભાઇ વાળા (ઉ.વ.૪૫)એ કાથડભાઇ જૈતાભાઇ વાળા, અનિરૂધ્ધભાઇ કાથડભાઇ વાળા, કુલદીપભાઇ કાથડભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, રણુભાઈના બનેવી દીલુભાઇ વાજસુરભાઇ કહોર (રહે.રાણશીકી તા.ગોંડલ) વાળાએ કાથડભાઇ જૈતાભાઇ વાળા પાસેથી વેચાતી જમીન લીધી હતી. જે જમીન ફરિયાદી તથા સાહેદે ભાગવી વાવવા રાખી હતી. આ જમીનના શેઢા તેઓ સરખા કરવા જતા આરોપીઓએ ત્યાં આવી કહ્યું કે તમારાથી આ જમીન ખેડાશે નહી, તમે આ જમીનમાંથી જતા રહો તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ અનિરૂધ્ધભાઇ કાથડભાઇ વાળા (ઉ.વ.૨૩)એ રામકુભાઇ નનકાભાઇ વાળા, રણુભાઇ નનકાભાઇ વાળા, દીલુભાઇ નાગભાઇ વાળા તથા કનુભાઇ આપભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના પિતાએ ૭ વીઘા જમીન દીલુભાઈને વેચાણથી આપી હતી અને તેની માપણી બાકી હતી. તેઓ જમીન ખેડવા જતાં આરોપીએ જમીન ખેડવાની ના પાડી ધારીયા વડે માર માર્યો હતો. ઉપરાંત તેમના પિતાને ઢીકાપાટુ માર્યા હતા તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ બી.પી.ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.