કોરોનાએ છેલ્લા બેએક વરસથી દુનિયાભરના નાગરિકોને આત્મચિંતન કરવાનો એક મોકો આપ્યો છે. તક તો બધાને મળી છે, પરંતુ પોતાની જાત સાથે વાત કરવાની તૈયારી બહુ ઓછા લોકોની હોય એવું દેખાય છે. વહેલી સવાર પડે છે ત્યારથી જ વધુ એક ખોટા દિવસની શરૂઆત થાય છે. આપણે મોટાભાગે પાકેલા અનાજ ને પાકેલા શાકભાજી ખાઈએ છીએ. ચૂલે ચડેલા ખોરાકમાંથી અડધા સત્વતત્ત્વ તો લાપતા થઈ જાય છે. પછી જે આહાર લઈએ છીએ તેને પચાવવાની શરીરને તકલીફ પડે છે. ભારતીય પ્રજાના પચાસ ટકા લોકો પૂરેપૂરું ચાવતાં જ નથી અને એમ ને એમ ઝડપથી ખોરાક પેટમાં પધરાવે છે. ખરેખર પાચન પ્રક્રિયાનો અડધો ભાગ તો મુખારવિંદમાં જ પૂરો થઈ જવો જોઈએ. પરંતુ વહેલી સવારથી મનુષ્ય ઉતાવળમાં હોય છે. આ ઉતાવળ આખો દિવસ તેના ચિત્ત પર સવાર રહે છે.

કોરોનાએ કમ સે કમ ભારતમાં તો આયુર્વેદનો જબરદસ્ત પ્રચાર કર્યો છે. જે કામ બાબા રામદેવ ન કરી શક્યા એ કામ કોરોના એ કર્યું છે. બાબા રામદેવે યોગ અને આયુર્વેદના નામે મલ્ટિનેશનલ કંપનીઓ ઊભી કરી દીધી છે અને એ પણ ભારતીય કંપનીઓ છે. એટલે દેશને ઘણું બધું હુંડિયામણ રળી આપે છે. તેમની નિકાસના આંકડાઓ પણ ઊંચા છે. પરંતુ એ તો બહુ નવાઇની વાત છે કે ભારતીય કન્યા યૌવનમાં પ્રવેશે એટલે એક બ્રહ્મચારી બાવાએ બનાવેલા શેમ્પુ અને લિપસ્ટિક સાથે મોટી થવા લાગે છે ! કોરોનાને કારણે ભારતીય પ્રજાના ઘર-ઘરમાં આયુર્વેદનો પ્રવેશ થયો છે.

ભારતીય પ્રજાએ છેલ્લા બે વર્ષમાં લાખો ટન આદુ, લીંબુ અને હળદર પેટમાં પધરાવ્યા છે. ઉપરાંત આપણામાંથી ઘણાને જે ઠંડા પાણી પીવાનો શોખ હતો એ ગાયબ થઈ ગયો છે અને વહેલી સવારથી જ ગરમ પાણી શરૂ થઈ જાય છે. ગરમ પાણીમાં વિવિધ ઔષધિઓ ઉમેરો એટલે ઉકાળો બની જાય. ભારતમાં જેમ બાર ગાવે બોલી બદલાય એમ બાર ગાવે ઉકાળા બદલાય છે. દરેક ઉકાળામાં વિવિધ પ્રકારનું મિશ્રણ હોય છે. જુદા જુદા પ્રકારની આયુર્વેદિક વનસ્પતિઓ અને વિવિધ પદાર્થો હોય છે. આયુર્વેદની નવી સફર હિન્દુસ્તાનની શેરીઓમાં ચાલુ થઈ છે. જો કે કોરોનાની બીજી અને ત્રીજી લહેર વચ્ચેના આ સમયગાળામાં ફરી આરોગ્ય સભાનતાઓ લુપ્ત થઈ ગઈ છે.

આ દરમિયાનમાં પોતાના વ્યક્તિગત જીવનમાં શું ફેરફાર કરવા એના પર વિચારવાનો મોકો બહુ ઓછા લોકોએ લીધો છે. કોરોનાના આગમન પછી જેમણે પોતાની જીવનશૈલીમાં જરૂરી એવા મહત્ત્વના ફેરફાર કર્યા નથી એમના પર અનારોગ્યનું જોખમ રહેલું છે. આ ત્રીજી લહેર જે આવવાની છે તે એ લોકો માટે જ છે કે જેઓની દિનચર્યા હજુય ઈ. સ. 2018 જેવી છે. કેટલાક લોકો એવા હોય છે કે તેમનું જીવન જ પહેલેથી આદર્શ હોય છે. તેઓ માને છે કે સુધારો કરવાની જરૂર નથી. પરંતુ આ પૃથ્વી પર એવો મનુષ્ય તો ભાગ્યે જ મળે જેમાં ભૂલ સુધારણાને અવકાશ ન હોય. કારણ કે મનુષ્યની મૂળભૂત વ્યાખ્યા જ છે કે મનુષ્ય એટલે ભૂલ ભરેલું પ્રાણી.

છતાં જે મુખ્ય ફેરફાર કરવા જેવા છે એ નોંધપાત્ર છે. જે લોકો આજ સુધી કાયમ મોડા ઉઠતા હતા તેમણે વહેલા ઉઠવાનું શરૂ કરી દીધું છે અને જેઓ બાકી હશે એમણે તેમના સંભવિત હોસ્પિટલના પ્રવાસ પછી ડોક્ટરની સલાહ પ્રમાણે વહેલા ઊઠતા થઈ જવાનું છે. એ જ રીતે આપણે ત્યાં જેઓ બપોરે ભારે ભોજન કરે છે અને ધરબી ધરબીને ખાય છે એમણે પણ ફેરફાર કરવાની જરૂર છે. બપોરનું ભોજન પણ બહુ જ મર્યાદામાં લેવાતું હોવું જોઈએ. કોઈ એમ માનતું હોય કે વધુ ભોજન કરવાથી વધુ શક્તિ પ્રાપ્ત થાય તો એ મૂર્ખતા છે. પ્રમાણસર ભોજન લેવાથી જ અધિક શક્તિ પ્રાપ્ત થાય. ભોજન આવે છે ખેતીવાડીમાંથી. એટલે ભોજનમાં પણ ખેતીવાડીના સિદ્ધાંતો લાગુ પડે છે.

પાકને બહુ વધારે પડતું પાણી મળી જાય તો એ પાક નિષ્ફળ જાય છે અને ઓછું પાણી મળે તો પણ પાક સુકાઈ જાય છે. સપ્રમાણસરનો વરસાદ જ સોનાનો વરસાદ કહેવાય છે. આ સપ્રમાણતા બહુ જ મોટી વાત છે. પરંતુ આ સમપ્રમાણતા બધાને આવડતી નથી. આમ જુઓ તો ભગવાન બુદ્ધે પ્રબોધેલો મધ્યમ માર્ગ આ જ છે. બહુ વધારે પણ નહીં અને ઓછું પણ નહીં. આવા મધ્યમ માર્ગ અપાવનારા લોકો બહુ સુખી થાય છે. તમે કોઈ પણ શ્રીમંતને ભોજન કરતા જોજો, તેમનો ખોરાક હંમેશા મિતાહારી હશે. પ્રમાણમાં તેઓ ઓછું ભોજન જ લેતા હશે. એની સામે તમે નિર્ધન મનુષ્યને જોજો, તેઓ આડેધડ ભોજન કરતા હશે. ક્યારેક તો તેમને કહેવું પડે કે હવે બસ કરો ! આવા લોકો ઝડપથી પોતાના વિનાશને નોંતરે છે.

આહારમાં જેઓ સંયમ રાખી શકે છે, તેઓ સંસારમાં સર્વ પ્રકારના સંયમ રાખી શકે છે. આહાર સંયમ દાખવનારા લોકો ખૂબ જ સારો ધનસંચય પણ કરી શકે છે. તેઓ સંપત્તિનું સર્જન કરી શકે છે. એટલે આહાર એ આપણા સમગ્ર જીવનની કેન્દ્રવર્તી આધારશિલા છે. તેનો જીવન પર બહુ જ પ્રભાવ પડે છે. તમે શું ખોરાક લો છો એનાથી તમારા ચિત્તની એકાગ્રતા નક્કી થાય છે. એકાગ્રતા એક જ વસ્તુ એવી છે કે જે તમને કહે છે કે આ સંસારમાંથી તમારે શું લેવાનું છે. આ સંસાર તમને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે. એ એકાગ્રતા પર નિર્ભર છે. કારણ કે જેમનામાં એકાગ્રતા નથી એમને તો આ જગત કંઈ આપી શકે એમ જ નથી. ગૃહિણીનું મહત્ત્વનું કામ પોતાના પતિ અને બાળકો પર એકાગ્ર રહેવાનું છે. જો સ્ત્રી એ એકાગ્રતા ચૂકી જાય તો એનો સંસાર હાલકડોલક થઈ જાય છે.

એ જ રીતે દરેક ઘરના મોભીનું કામ ઘરનું વ્યવસ્થાતંત્ર નિભાવવાનું છે. એમાં પણ એકાગ્રતાની જરૂર પડે છે. કારણ કે વ્યાવસાયિક અને વ્યાપારિક કામોમાં પૂર્ણતઃ એકાગ્રતાથી પુરુષાર્થ કરવામાં ન આવે તો એમાં ખાલી પાંદડા જ બેસે છે અને ફળ આવતા નથી. બધું ઘટાટોપ દેખાય છે. થોડી દોડધામ પણ દેખાય છે, પણ એ માત્ર પાંદડાઓ જ હોય છે. એની ફળ-શ્રુતિ શૂન્ય રહે છે. કારણ કે એકાગ્રતા વિનાની દોડધામ કોઈ પરિણામ આપતી નથી. શરીરને એનો પોતાનો ધર્મ છે અને શરીર ચોવીસ કલાકના ચક્ર પ્રમાણે ચાલે છે. પૃથ્વી પોતાની ધરી પર એક પ્રદક્ષિણા પૂરી કરે એને ચોવીસ કલાક લાગે છે. એટલે એક ચોક્કસ ગણિત ને આધારે આ પૃથ્વીનું જીવન ચક્ર ચાલે છે. એટલે શરીર સંબંધિત પ્રવૃત્તિઓમાં ચોક્કસ પ્રકારની નિયમિતતા ફરજિયાત છે.

માત્ર કોરોના જેવા ભયને કારણે આપડે શા માટે જીવન સુધારણા કરવી ? શું કોરોનાની તલવાર માથે લટકતી ન હોય તો આપણે જાતે સ્વ-ઉન્નતિ માટે જિંદગીને અપગ્રેડ ન કરી શકીએ ? કેટલાક લોકો એમ માને છે કે તેઓની સજ્જનતા આ જગત પરનો ઉપકાર છે. એ ભ્રમમાંથી પણ બહાર આવવાની જરૂર છે. મનુષ્ય જે કોઈ રસ્તો લે છે તેના સુફળ અથવા દુષ્ફળ તેણે પોતે જ ભોગવવાનાં નિશ્ચિત છે. એટલે કમ સે કમ કોરોનાકાળના સુદીર્ઘ અનુભવ પછી દરેકે પોતાની વ્યક્તિગત જિંદગીને પાટે ચડાવવી જોઈએ અને જે રસ્તે ન જવા જેવું હોય એ રસ્તે જોવાનું પણ ન હોય એ સિદ્ધાન્ત અપનાવી લેવો જોઇએ.