લાઠી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે લાઠી તાલુકાના હિરાણાથી જુનવદર માર્ગના સર્વાંગી વિકાસ માટે રૂ. ૩.૯૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા મહત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
કાર્યક્રમને સંબોધતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય રસ્તાઓનો વિકાસ એ ગ્રામ્ય પ્રગતિનો મુખ્ય પાયો છે. હિરાણાથી જુનવદર માર્ગનું સુધારીકરણ પૂર્ણ થતાં લોકો માટે મુસાફરી વધુ ઝડપી, સુરક્ષિત અને આરામદાયક બનશે. આ માર્ગ ગ્રામ્ય આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે અને ખેતી જેવા વ્યવસાયોને બજાર સાથે વધુ સક્ષમ રીતે જોડશે. ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય જીતુભાઈ ડેર, ગામનાં સરપંચ પ્રતાપભાઈ ડેર, જગદીશભાઈ ખુંટ સહિત તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો, વિભાગના ઈજનેરો અને મોટી સંખ્યામાં ગામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.







































