પુરાતત્ત્વ વિભાગમાં ફરજ બજાવતાં માધવસાહેબ ખૂબ જ મહેનતું, દયાળુ અને પ્રામાણિક હતાં.  તેઓ જે કંઇ પણ કામ હાથમાં લઇ લે એને અંજામ આપીને જ જંપે એવાં હતાં. સ્ટાફમાં ઘણાં તેની છાની-છુપી ઈર્ષા કરતાં પણ તેને મોઢે સારાં રહેતાં, જો કે માધવસર એ બધું જાણતાં હોવા છતાં નજરઅંદાજ કરતાં. કોઈ ઉત્તખનન કાર્ય માટે બહાર જવાનું હોઈ કે કોઈ ટેબલવર્ક કરવાનું હોઇ તેની લીડરશીપ હંમેશા માધવસરને જ મળતી.

 

એકવાર ઓફિસમાંથી તેને પોરબંદર જિલ્લાનાં રાણાવાવ તાલુકામાં આવેલી જાંબુવનની ગુફા  પર રિસર્ચ માટેનો ઓર્ડર આવ્યો.  માધવસરને તો આ ગુફા વિશે કોઈ જ માહિતી નહોતી. પણ મળેલી ગાઈડલાઇન પરથી જાણ્યું  કે, આ જાંબુવનની ગુફા ભગવાન શ્રીકૃષ્ણના સમયની છે. પછી તો શું હતું!  કાનુડાના દીવાના માધવે ગુગલ, ઐતિહાસિક ચોપડીઓ એનાં વિશેનાં  સંદર્ભ પુસ્તકો બધું જ છાસને જેમ વલોણાંથી વલોવીએ એમ વલોવી નાખ્યું અને અંતે નવનીત સ્વરૂપે આ ગુફા પાછળ રહેલી  એક  રોચક વાર્તા જાણવા મળી. જે કંઈક આ પ્રમાણે હતી:

 

ભગવાન શ્રીકૃષ્ણનાં સમયની વાત છે. એકવાર યાદવોના આગેવાન સત્રજીતને સૂર્યદેવે સ્યામંતક નામનો મણિ આપ્યો હતો.  આ મણિ રોજ 8 ભાર સોનું આપતો.સત્રજીતે આ મણિને પૂજાસ્થાનમાં મુક્યો હતો જેથી તેની સંપત્તિ સમૃદ્ધ થવા લાગી હતી.  કૃષ્ણે સત્રજીતને આ મણિ મથુરાનાં રાજા ઉગ્રસેનને આપવા કહ્યું, પરંતુ તે માન્યો નહિ. એક દિવસ સત્રજીતનો ભાઈ પ્રસેન તેને પુછ્યા વિના જ મણિ લઈ ગયો અને તે મણિ સાથે લઈ એ શિકાર કરવા નીકળ્યો.જ્યાં સિંહે પ્રસેનનો શિકાર કર્યો અને મણિ સિંહના પેટમાં પહોંચ્યો. જો કે પછી આ સિંહનો શિકાર રીંછરાજ જાંબુવને કર્યો. આમ, આ મણિ જાંબુવન પાસે પહોંચ્યો. બીજી તરફ સત્રજીતે મણિ ખોવાતાં કૃષ્ણ પર આરોપ મુક્યો. જ્યારે ભગવાન કૃષ્ણ પર મણિ ચોરવાનું આળ લાગ્યું, ત્યારે આ આળ હટાવવા કૃષ્ણએ મણિ શોધવાનું શરૂ કર્યું. અને કૃષ્ણને માહિતી મળી કે મણિ જાંબુવન પાસે છે. જાંબુવનને શોધતાં શોધતાં તે આ ગુફા સુધી પહોંચી ગયાં. અને આ રાણાવાવ પાસે આવેલી જાંબુવનની ગુફામાં જ બંને વચ્ચે 28 દિવસ સુધી યુદ્ધ થયું. જેમાં ન તો કોઈ હાર્યું કે ન તો કોઈ જીત્યું. પણ આખરે જાંબુવને ભગવાન કૃષ્ણથી પ્રભાવિત થઈ અને સ્યામંતક મણિ તેને સોંપી દીધો. અને પોતાની દીકરી જાંબુવતીને પણ કૃષ્ણ સાથે પરણાવી. અને આમ આ ગુફા કૃષ્ણનાં અહીં આવવાથી હજી ધબકતી રહી છે એવું જાણવા મળ્યું. અને ત્યાં ચુનાનાં પથ્થરો વાળા ખડકો હોવાથી વરસાદનું પાણી ટપકી ટપકીને સ્વંયભૂ શિવલિંગ  રચાઈ છે.(ક્રમશ:)