photograph of will pen and glasses isolated against black

હજુ તો પિસ્તાલીસમું વર્ષ પુરું થવું-થવું હતું ત્યાં તો ભગવાને પરેશભાઈને યાદ કરી લીધા. કરોડોનો બંગલો, ગાડી, પરિવાર બધું છોડીને ચાલ્યા ગયાં. અને એ જાહોજલાલી વાળા બંગલામાં હવે ત્રણ વ્યક્તિઓ વધી હતી. પરેશની સાવકી મા કમળાબા, તેની બીજી પત્ની રૂપાબેન અને પહેલી પત્નીથી થયેલ 15 વર્ષનો દીકરો કૌશલ.

હવે તો પરેશભાઈ ગુજરી ગયા એને ત્રણ મહિના થવા આવ્યા હતાં. તો પણ કમળાબેન  સગાં વ્હાલા સામે  પરવાનગી વિના આંખોમાંથી ખરી પડતાં આંસુઓને રોકવા મથતાં રહેતાં. દીકરો કૌશલ પણ 10માં ધોરણમાં હતો એટલે પપ્પા ગયાનું દુઃખ લઈને કમને પણ વાંચવા બેસી જતો. અને તેમની પત્ની રૂપાબેન પણ આખો દિવસ પરેશનાં સારાંપણાંનાં ગીત ગાયા કરતાં.

કમળાબેનને રૂપા વહુ થઈને ઘરમાં આવી ત્યારથી જરાયે ન ગમતી. ભલે તે પરેશભાઈના પહેલી પત્નીથી થયેલ દીકરા કૌશલનું ખૂબ ધ્યાન રાખતી. છતાં પણ, કમળાબેન કે રૂપાને એકદિવસ પણ ઝઘડો કર્યા વિના પસાર નહતો થયો. પણ પરેશનાં ગયાં પછી કમળાબા હવે એ  રૂપા વહુ પર થોડી દયા દાખવતાં હતાં.

કમળાબા  રૂપાને સારાં મોઢે બોલાવ્યા કરે, વાતચીત કર્યા કરે. અને હવે તો સામે રૂપા પણ કમળાબાને માન આપી સારે મોઢે બોલાવે. અને ઝઘડો તો સાવ બંધ. જાણે બંને મા-દીકરી જ જોઈ લ્યો.  દીકરા કૌશલને આ બધું અજીબ લાગે. પણ કહે કોને? દાદી કે મા બેમાંથી એકેય સાથે લોહીનો સબંધ નહિ. પણ એનું બાળમાનસ ભગવાનનો આભાર માનતું કે ચલો કોઈ વાંધો નહિ. હવે  બા અને મમ્મી શાંતિથી સાથે રહેશે.

પણ સુનામી પછીની શાંતિ લાંબી ન ટકે. ત્યાં હૃદયમાં ધ્રાસકો પાડતી એમ્બ્યુલન્સની સાયરનો વાગવા લાગે, પોતાને ખોઈ દીધેલાંની પાછળનાં કરુણ રુદનો સંભળાયા કરે.

અને અહીં પણ એવું જ થયું. એકદિવસ એક વકીલ ઘરે આવ્યાં. રૂપા અને કમળાબેન બંનેનાં મનમાં હવે એટલી મોટી  જાયદાદનો કંઈક તાળ મળશે એવી આશા જાગી.

પહેલાં વકીલે એક નોટિસ વાંચી સંભળાવી. કાયદાની ભાષા અને પાછું અંગ્રેજી. એટલે બંનેને બધું ઉપરથી જ ગયું. પણ એમાં રૂપા અને કમળા એમ બંનેનાં નામ આવ્યા હતાં એટલે રૂપાને લાગ્યું કે બધું બંને વચ્ચે અડધે ભાગે વહેચ્યું લાગે. ચલો કશો વાંધો નહિ. એ પીળું પાન કેટલાક દિવસ હમણાં ખરી જશે પછી તો બધું મારુ જ છે. એટલે એને હસીને વકીલને ચા નાસ્તા માટે પુછ્યું.

આબાજુ કમળાબા  રૂપાને હસતી જોઈને ગભરાયા. “ક્યાંક બધું રૂપાને નામે તો નથી થઈ ગયું ને?”

વકીલે ચા-નાસ્તા માટે ના પાડતાં કહ્યું. હવે હું આ નોટિસ તમને સાદી ભાષામાં સમજાવું છું. આ નોટિસમાં સાફ સાફ લખ્યું છે કે આ બંગલો, પ્રોપર્ટી બધું કૌશલનાં નામે છે. અને એનાં માટે બે કેર ટેકર, નોકર અને ડ્રાઇવરનો બંધોબસ્ત કરેલ છે.  તમારે બંનેનાં નામે શહેરનાં છેડે આવેલી સોસાયટીમાં એક મકાન છે. અને આ બંગલો, કંપની, પૈસા બધું જ આજે જ તમારે ખાલી કરવાનું  છે. હવે બધું કૌશલનું.

કમળાબા અને રૂપાને  ત્રણ મહિના પહેલાં વહેલી સવારે બંનેએ મળીને પરેશની ગાડીની બ્રેક ફેઈલ કરી દીધેલી તે ક્ષણ યાદ આવી ગઈ.