‘ પરિવર્તન સંસારનો નિયમ છે.’ ‘ ‘દુનિયામાં એક જ વસ્તુ કાયમી છે.. પરિવર્તન.’ ‘ જીવતા રહેવા માટે સાંપે પણ પોતાની કાચળી ઉતારવી પડે છે.’ જેવી ગુજરાતી ઉક્તિઓ અભ્યાસ દરમિયાન જાણવા શીખવા મળી હતી. એ બાબત વિજ્ઞાનના પ્રસ્થાપિત સિદ્ધાંતની જેમ સાફ છે કે માનવજાત સૃષ્ટિના અન્ય જીવો અને પરસ્પરના સંઘર્ષ થકી આજના ઉચ્ચતમ સ્તરે પહોચી છે. સતત વૃદ્ધિ કરવી, આજ કરતા આવતી કાલને બહેતર બનાવવા માટે સમગ્ર માનવજાતના પ્રયત્નો રહ્યા છે. આ સિધ્ધાંત વ્યક્તિગત, સંગઠન, સંસ્થા, રાજકીય પક્ષ બધાને લાગુ પડે છે. જે સમયની માંગ પ્રમાણે પરિવર્તન નથી કરતો, પ્રયત્ન નથી કરતો એ સ્પર્ધામાંથી ફેંકાઈ જાય છે. ફીનીક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થઇ જવાનું  સદભાગ્ય હરવખતે નથી મળતું. ક્યારેક કાલની ગર્તમાં હમેશા માટે દટાઈ, દબાઈ જવું પડે છે. વર્તમાન સમયની ગતિ એટલી ઝડપી છે કે એ વિચારવા માટે માત્ર મુંબઈ લોકલ ટ્રેનમાં ડબ્બામાં ચઢવા જેટલો સમય જ આપે છે. નવા માણસોને, નવા વિચારોને, નવી તકોને યોગ્ય સમયે મોકો આપતા રહેવું પડે છે. ઈ મેઈલ ના યુગમાં તમે કબૂતરો ઉડાડીને સંદેશા ન મોકલી શકો. ‘ દિમાગકી ખિડકી ‘ સતત ખુલ્લી રાખવી પડે છે, ‘ સર્વ દિશાઓથી અમોને શુભ વિચાર પ્રાપ્ત થાઓ…’ ના અભિગમ સાથે.

લોકશાહીમાં મજબુત વિપક્ષ શાકમાં પ્રમાણસર નમક જેટલો અનિવાર્ય છે. વધુ કે ઓછું નમક વાનગીને બેસ્વાદ કરી નાખે છે. હિન્દુસ્તાનમાં આજે સાત વર્ષથી પૂર્ણ બહુમત સરકારનું શાસન છે. સરકાર પોતાના એજન્ડાઓ પર કામ કરી રહી છે. એણે આપેલા લગભગ બધા એજન્ડાઓ પુરા થવા આવ્યા છે. લાખ રૂપિયાનો સવાલ એ છે કે વિપક્ષ, ખાસ કરીને ભારતીય લોકશાહીનો સૌથી જુનો પક્ષ, કોંગ્રેસ, અત્યારે શુ કરી રહ્યો છે ? કોંગ્રેસની રાજકીય સ્થિતિ સમજવા માટે થોડા સમય પહેલાનો એક બનાવ ધ્યાને લીધા જોગ છે. તાજેતરમાં તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ મુંબઈ ખાતે નિવેદન કરીને કોંગ્રેસની આગેવાની ફગાવી દીધી છે. યુપીએ હવે અસ્તિત્વમાં નથી એ વિધાન કોંગ્રેસ માટે ગંભીર છે કારણકે યુપીએના વડા સોનિયા ગાંધી છે. મમતાએ એ પણ કહ્યું કે કોંગ્રેસના બીજા નેતા રાહુલ ગાંધી ખરા સમયે વિદેશમાં હોય છે. ગોવામાં એણે નિવેદન કર્યું કે કોંગ્રેસ રાજકારણ પ્રત્યે ગંભીર નથી એટલે મોદી મજબુત બની રહ્યા છે. બીજી એક મહત્વની રાજકીય વ્યક્તિ અને ચુંટણી રણ નીતિ કાર પ્રશાંત કિશોરે નિવેદન કર્યું છે કે કોંગ્રેસ છેલ્લા દશ વર્ષમાં ૯૦ % ચૂંટણીઓ હારી છે, આવી સ્થિતિમાં વિપક્ષનું નેતૃત્વ કોંગ્રેસનો દૈવીય અધિકાર નથી. આ નિવેદનો પાછળ મમતાઅને પ્રશાંત કિશોરની જે મંશા હોય તે ખરી, પણ કોંગ્રેસે હવે રાજકીય સાથે માનસિક વિષ્લેષણ પણ કરવું પડશે. જે અવાજ કોંગ્રેસની ભીતરમાંથી ઉઠવો જોઈતો હતો એ બહારથી ઉઠ્યો છે. કોંગ્રેસના સાથ વિના ભાજપ સામે જીતી શકાય છે એવું એક પ્રાદેશિક પક્ષનું અનુમાન જો કોંગ્રેસ આજે નહિ સમજી શકે તો આવનારું ભવિષ્ય પક્ષ માટે વધારે વિકટ હશે. બીજા પ્રાદેશિક પક્ષો પણ જો આ વિચારો સાથે સંમત થાય અને યુપીએનો અંત આવે તો યુપીએ બહાર કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ સાબિત કરવા નવો સંઘર્ષ કરવો પડે, જે જરા મુશ્કેલ છે. એક વ્યક્તિના ભવિષ્ય પર કોંગ્રેસે આખા પક્ષનું ભવિષ્ય દાવ પર લગાવી દીધું છે. નહેરુ વખતની વિચારધારા અને ઇન્દિરા વખતની આક્રમકતા ગાયબ થઇ ગઈ છે. રાજનીતિમાં સાબિત થવા માટે એક દશકો કાફી છે. જો કોઈ વ્યક્તિ સાબિત ન થઇ શકે તો તુરંત વિકલ્પ શોધીને અમલમાં મૂકી દેવો પડે છે. કોંગ્રેસે એક વ્યક્તિને જાળવી રાખવા નવી પેઢીની નેતાગીરીની એક આખી કતાર ગુમાવી દીધી છે, જે એક સમયે કોંગ્રેસનું ઉજ્જવળ ભવિષ્ય હતી.

યુદ્ધની તૈયારી શાંતિકાળમાં થાય છે. જયારે મેદાન પર યુદ્ધની સ્થિતિ નથી હોતી ત્યારે યુદ્ધની તૈયારી સેનાપતિના દિમાગમાં થવી જરૂરી છે. સાચો સેનાપતિ એ છે જે યુદ્ધ ન હોય એવા સમયમાં પણ પોતાના શસ્ત્રો, સૈનિકો અને રણનિતીઓને સાબદી રાખે છે, નહીતર રણભેરી ફૂંકાય ત્યારે ઘોડું ન દોડે તો પરાજય નિશ્ચિત થઇ જાય છે. કોંગ્રેસ સાથે આવું બનતું આવ્યું છે, ચૂંટણીઓ જાહેર થાય એટલે ભંગાણ પડે છે, આ સેનાપતિની નબળાઈ છે. રણમેદાન વારે વારે મોકા આપતું નથી. રાજનીતિ અને  બજાર, જો તમે સમયસર અપડેટ ન થઇ શકો તો તમને સ્પર્ધામાંથી ફેંકી દે છે.

લોકશાહી દેશને ચલાવવા માટે પક્ષની આંતરિક લોકશાહી પાયાની બાબત છે. આજે સંવિધાન ખતરામાં છે, લોકશાહી ખતરામાં છે જેવા નારાઓ લઈને સડક પર ઉતરતી કોંગ્રેસમાં આંતરિક લોકશાહીનો અભાવ છે. ૧૯૭૮થી આજ સુધીના ૪૩ વર્ષ જેમાં ૧૯૯૧થી ૧૯૯૭ સુધીના પી. વી. નરસિમ્હારાવ અને સીતારામ કેસરીના કાર્યકાળના માત્ર સાત વર્ષને બાદ કરવામાં આવે તો આ ૪૩માંથી ૩૬ વર્ષથી અધ્યક્ષ પદ નહેરુ-ગાંધી પરિવાર પાસે છે. આટલા વર્ષ દરમિયાન શુ કોંગ્રેસમાં કોઈ પ્રતિભા પ્રગટી જ નથી ? કે પ્રગટવા દેવામાં નથી આવી ? જયારે યોગ્ય સમયે યોગ્ય પ્રતિભાઓને મોકો આપવામાં નથી આવતો ત્યારે ત્રીજી ચોથી હરોળના કાર્યકર્તાનું મોરલ ડાઉન થતું રહે છે. આવી પ્રતિભાઓ અન્ય પક્ષોમાં પોતાની જગ્યા શોધી લે છે, કારણકે જેણે ઉગવું છે એ તો ભીંત ફાડીને પણ ઉગી નીકળે છે. એક વ્યક્તિ પોતાની આત્મમુગ્ધતા કાજે આખા પક્ષને બલિ ચઢાવી ન શકે. માનસશાસ્ત્ર કહે છે કે આત્મમુગ્ધતાની ચરમસીમા માણસને અહમ બ્રહ્માસ્મિના ખ્યાલમાં રાચતો કરી દે છે જેને મીગેલોમેનીઆ કહેવાય છે. શીર્ષ નેતૃત્વની આ માનસિકતા ઘાતક છે. કોંગ્રેસનું પતન દેશ માટે સારું નથી કારણકે નમક વિનાનું શાક બેસ્વાદ લાગે છે.

ક્વિક નોટ — ગોલ્ડન રૂલ એ છે કે કોઈ ગોલ્ડન રૂલ હોતો નથી. — જ્યોર્જ બર્નાર્ડ શો.