SGVP ગુરુકુળમાં ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજીની પ્રેરણા તથા આશીર્વાદથી નવરાત્રી મહોત્સવ અંતર્ગત ‘SGVP UDYAM 2026’ બિઝનેસ એક્સ્પો યોજાયો હતો. ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત આ એક્સ્પોમાં ૩૦થી વધુ સ્ટોલ્સમાં વિવિધ પ્રોડક્ટ્સ, સેવાઓ અને નવીન વ્યવસાયિક વિચારો રજૂ કરાયા હતા. વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટઅપની ક્ષમતા અને આત્મનિર્ભરતાની ભાવના વિકસાવવાનો મુખ્ય હેતુ હતો.
પૂજ્ય સ્વામીએ સમૃદ્ધિ અને સંસ્કારને જીવનની બે પાંખ ગણાવી હતી. નિવૃત્ત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ટી.જી. ઝાલાવાડિયાએ નવા ઉદ્યોગોની સ્થાપના અને સરકારી સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું. સ્વામી કુંજવિહારીદાસજી અને સર જાલમસિંહજી સહિતના મહાનુભાવોએ પણ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. વિવિધ શાળાઓ અને સંસ્થાઓના શિક્ષકો, નિષ્ણાતો તથા વિદ્યાર્થીઓ સહિત ત્રણ હજારથી વધુ લોકોએ એક્સ્પોની મુલાકાત લીધી હતી. આ આયોજન વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક બન્યું હતું.








































