બાબરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. દાંપત્યજીવનમાં ચાલતા અણબનાવ પાછળ મેલી વિદ્યા અને પડોશી દ્વારા પત્નીને ચડામણી કરાતી હોવાની શંકા રાખી એક શખ્સે પાડોશીના ઘરમાં ઘૂસી તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. આરોપીએ મહિલા પર લોખંડનો પાઇપ ઉગામી ઘરની બારીઓના કાચ તોડી આશરે રૂ.૫૦૦૦ નું નુકસાન પહોંચાડ્યું હતું. બનાવ અંગે બાબરામાં રહેતા નીશાબેન મિહીરભાઇ તેરૈયા
(ઉ.વ.૩૩)એ જેતપુરમાં રહેતા પૃથ્વીભાઇ ધાધલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, આરોપીની પત્ની તેના પિયરમાં તેમના ઘર પાસે રહે છે. પતિ- પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હોવાથી આરોપીની પત્નીને શંકા હતી કે તેના પતિ પર કોઈએ મેલી વિદ્યા કરી છે. બીજી તરફ, તેમની અને આરોપીની પત્ની વચ્ચે પારિવારિક સંબંધો હોવાથી તેમજ તેમના પતિ કર્મકાંડનું કામ કરતા હોવાથી, તેમણે જણાવ્યું હતું કે જો કોઈ વિધિ કે કર્મકાંડ કરાવવું હોય તો તેમના પતિ કરી આપશે. આ બાબતની જાણ આરોપીને થતાં તેને વહેમ પેઠો હતો કે તેના પતિ તેની પત્નીને ચડામણી કરે છે, જેના કારણે તેમના ઘરમાં કંકાસ થાય છે. આ અદાવતમાં તેના પતિને ફોન પર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપી ઉશ્કેરાઈને ગેરકાયદેસર રીતે તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો. ઘરમાં પ્રવેશી તેણે તેમને તથા તેમના સાસુને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, હાથમાં લોખંડનો પાઇપ લઈ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ઘરની બારીઓના કાચ ફોડી આશરે રૂ. ૫૦૦૦નું નુકસાન કર્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શિવાભાઇ કે. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.









































