ગામમાંથી આવતી વખતે બકાએ હાંભળેલુ કે ગામની નિહાળના માસ્તરો બઉં હારા, બઉં હારા.
એટલે બકાને થયું લાવને જરા પરીક્ષા લઉં. બકાએ છોકરાંને બોલાવીને કહ્યું.
‘બટા..આ, આ ઈરાન અને અફઘાનિસ્તાન યુધ્ધ લડે છે. અને આપણાંથી તો બહું દૂર છે. છતાંય આપણાં ઘરમાં હાણચી અને વેલણ કેમ ઉડતા હશે? અને આ બેયની વચ્ચે ઓલ્યા અમેરિકાને મેથી મારવાની હું જરૂર હશે?’
‘બાપા ! તમને સીધો જવાબ આપું? ’
‘તો..તો મારો દીકો ડાયો. બોલને મીની બકા.’
‘તમે ઓસરીમાં આખો દિવસ મોબાઈલ મચડયા કરો છો ને !! એટલે રહોડાંમા હાણચીને વેલણ ઉડે છે.
ગેસનો બાટલો લખાવવો ૨૧ દિવસમાંથી ૨૫ દિવસ થઈ ગયાં તમને ખબર પડી!??’
બકાને જવાબ હમજાયો નહીં. એ સીધો ઉપડ્યો બોસ પાંહે.બોસ અને બનેવીલાલ છાપું વાંચી રહ્યા હતાં.
‘બોસ બોસ, ગામમાં નિહાળના માસ્તરોના વખાણ થાય છે ખરાં. પણ, ભણાવવામાં હાવ મીંડું લાગે છે. આપણે જઈને તપાહ કરવી પડહે.’
નિહાળે આવીને જોયું તો કોઈ ભણાવતુ હોય એવું નો લાગ્યું. નિહાળની દિવાલે કાન દીધાં. અને વાતચીત હાંભળી.
હેડ માસ્તર બોલી રહ્યાં હતાં.
‘જૂઓ માસ્તર! તમારે આપણી નિશાળની આજુબાજુમાં પાન,માવા, ગુટખા અને તંબાકુ વેચતાં વેપારીને પકડીને દંડ કરવાનો છે. આ સરકારનો નવો પરિપત્ર છે.
અને તમે.. હા..હા..તમે.! તમારે ગામમાં જઈને કૂતરાં ગણવાના છે.
અને..તમે…’
માસ્તરે હામે જ કહ્યું.
‘હવે કોઈ જ નથી સાહેબ! આખી નિશાળમાં હું તું ને રતનિયો જેવો ઘાટ છે. અને અમે બેઉં આ સરકારનાં પરિપત્ર પ્રમાણે કામ કરીશું તો ગામનાં છોકરાંઓને ભણાવશે કોણ?’
‘હું.. હું , ભણાવીશ. કેમ? હું માસ્તર નથી??’
‘તમે હેડ માસ્તર છો ને!! એટલે. (તમે આજ સુધી ગામને કેટલું અને કેવું ભણાવ્યું છે ઈ આખાં ગામને ખબર છે.) આવું કહેવાનું મન થયું પણ માસ્તર મનોમન જ બોલ્યાં. ’
‘હવે તમે જાવ છો કે ઊભાં ઊભાં વિચાર જ કરશો!?’
‘ઈ તો..ઈ તો.., ’
‘શું ઈ તો.. ઈ તો.., મોઢામાંથી ભહશો ??’
‘ગામમાં વાતું થાય છે કે, માસ્તરો નિશાળમાં ભણાવતાં નથી. અને..અને.. વધારામાં ગામે અને છોકરાંઓનાં મા બાપે આપણાં ભરોસે સરકારી નિહાળમા ભણવા મૂક્યાં છે. નહીંતર બાજુંનાં ગામની પ્રાઈવેટ સ્કૂલમાં નો ભણાવે!??’
અને.. હેડ માસ્તરનો ખીલો ચટકયો.
‘આ અને..અને.. એટલે શું ? તમારે આ..આ.. છોકરાઓનેનાં મા બાપ બનવું છે એમ!!? છોકરીઓનાં બાપ તમે છો એમ !!?’
બન્ને માસ્તરો હાથેકની જીભ કાઢી ગયાં.
‘હં..હં..અ. સાહેબ! હં..અ. આવું ન બોલો. અમારે ય ઘરે છોકરાઓ છે. અને અમારાં બૈરાને કેવું લાગે? વધારામાં કઉં તો દિવાલોને ય કાન હોય છે.
આપણે ભલે ઘરે કચરાં પોતાં કરી લેતાં હોઈએ. પણ એ ઘરની વાત ઘરની ચાર દીવાલોમાં હોય છે. જાહેરમાં આવે તો કેવું લાગે? ’
‘હવે તમે લેક્ચર જ આપશો કે, કૂતરાં ગણવા જાશો ? મારે ઉપર જવાબ આપવાનો હોય છે.’
‘જો સાહેબ! અમારે નહોતું કરવું તોય સરકારે જીંઇ નું કામ આપ્યું ને? પરાણે તો પરાણે પણ રાત દિવસ એક કરીને, લગ્ન અને વહેવારો છોડીને ય અમે કામ પુરુ કર્યું ને !! રાજકારણીઓને મત જોઈતાં હોય છતાંય જેટલાં ઘરે એ નથી ગયાં એનાં કરતાં ય વઘારે ઘરોમાં અમે ગયાં છીએ. અને વારંવાર ગયાં છીએ.
સગા સંબંધીઓને ફોન નથી કર્યા એટલાં આ લોકોને ફોન કર્યા છે. આમ કરીને હજી માંડ માંડ નવરાં પડ્યાં છીએ. ત્યાં દસમા અને બારમાની પરીક્ષા આવી.
એમાં ‘ય અમારે તો નહોતું જ જાવું. પણ, તમે છોકરાઓના ભણતરનાં ભોગે અમને મોકલીને ભણતરની બલી ચડાવી. અને..કેવી કેવી વાતો થાય છે. અને..અને..’
‘શું સવારનાં અને..અને.. લાગી પડ્યાં છો. આ અને છે શું? અને શાની વાતો થાય છે?’
‘જવા દો ને સાહેબ! પડય પાણા પગ ઉપર જેવું થશે.’
‘એટલે હું કાંઈ હમજયો નહીં.’
‘તમને નહીં હમજાય સાહેબ! તમે એસ. ટાટ પાસ કરીને આવ્યાં છો ને !!’
‘એટલે તમે કેવાં શું માંગો છો? એસ.ટાટ વાળા માત્ર ભણ્યાં જ હોય, ગણ્યાં ના હોય એમ!!?’
‘ના..આ. સાહેબ! અમારાંથી એવું થોડું કહેવાય! અને અમે કદાચ! કહીએ તો ‘ય તમે હેડ માસ્તર થોડાં જ મટી જાવાના છો!??’
‘પણ વાત શું છે? તમે વેપારીઓને દંડ કરવાથી ભાગી કેમ રહ્યાં છો? વેપારીઓથી એટલાં બધાં બીવો છો કેમ?’
‘સાહેબ! પછી આપણાં હંધાયનો માવો લેવાં છોકરાઓ જાશે ક્યાં!??’
‘હાળુ ઈ તો યાદ જ નો આવ્યું!! પણ, ઓલ્યુ અને..અને.. શું છે? ઈ તો કહો.’..અને આ ત્રણેય ત્રિપુટીએ પ્રવેશ કર્યો.
બનેવીલાલ ભારે ઉતાવળા એમણે તરત જ કહ્યું.
‘હેડ માસ્તર! ઈ માસ્તરો નહીં બોલી હકે. હું કહું, તમે તમાકું ગુટખા વેચતાં વેપારીને પકડીને દંડ તો કરશો.
પણ નિહાળમાં દારૂની બોટલ લયને આવનાર મોરબીના આદરણા ગામનાં રાજુ માસ્તરને તમે શું સજા કરશો? બીજાં રિસેશમા ટલ્લી થઈ જનાર માસ્તરનો તમે ઉપર રિપોર્ટ કરશો??
હેડ માસ્તરે સરકારી પરિપત્રો જલ્દી જલ્દી થેલીમાં મૂકી દીધાં. kalubhaibhad123@gmail.com










































